ઝુકેરબર્ગ અને તેની પત્ની શાળાઓમાં ૭૦૦ કરોડથી વધુનું દાન કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોચની સોશિયલ નેટવકિગ કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝુકેરબર્ગ અને તેની પત્ની પ્રિસ્સિલા ચેન સાન ફ્રાન્સિસ્કો બે વિસ્તારની પબ્લિક સ્કૂલ સિસ્ટમને ૧૨ કરોડ ડોલર(રૂ. ૭૦૮ કરોડ)નું દાન કરશે. ઝુકેરબર્ગ દંપતી દ્વારા દાનની આ જંગી રકમ આગામી પાંચ વર્ષમાં આપવામાં આવશે જે ગત વર્ષે આ દંપતીએ સ્વયંસેવી સંસ્થા સિલિકોન વેલી કમ્યુનિટી ફાઉન્ડેશન માટે ફાળવેલા ૧.૧ અબજના ફેસબુક સ્ટોકમાંથી આ અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. ફેસબુકના કેલિફોર્નિ‌યા ખાતે આવેલા હેડક્વાર્ટર મેન્લો પાર્ક ખાતે ચાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,'શિક્ષણ અત્યારે ખૂબ જ ખર્ચાળ થઈ ગયું છે.

આવી સ્થિતિમાં અમે આપી રકમ મોટી ડોલમાં માત્ર એક ટીપા સમાન છે. અમે નવા મોડેલ અને આધુનિકતાના વધારવા માટે વધુને વધુ પ્રોત્સાહન આપીને પાયાથી ફેરફારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ દાનમાં આપવામાં આવેલી આ રકમમાંથી પ૦ લાખ ડોલરનો પહેલો હિ‌સ્સો સાન ફ્રાન્સિસ્કોમાં આવેલી ડિસ્ટ્રિક્ટ શાળાઓને આપવામાં આવશે. તેમાં ખાસ રેવેન્સવૂડ અને રેડવૂડ સિટીને પ્રાધાન્યતા આપવામાં આવશે. આ રકમ મુખ્યત્વે જરૂરી તાલીમ, વર્ગખંડોની ટેકનોલોજી અને ૮થી ૯ ધોરણના વિદ્યાર્થીઓના પરિવહન પર ખર્ચાય તેના પર ધ્યાન આપવામાં આવશે.