તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરના પૂજારીની હત્યા કેસમાં માસ્ટરમાઇન્ડ સહિત 3 આતંકી ઝડપાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)
ઇન્ટરનેશનલ ડેસ્ક : બાંગ્લાદેશના પંચાગઢ જિલ્લામાં એક મંદિરના પૂજારીની હત્યાના કેસમાં પોલીસે માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 આતંકીઓની ધરપકડ કરી છે. ત્રણેય પ્રતિબંધિત જમાતુલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)ના આતંકીઓ છે.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 શકમંદો ઝડપાયા છે. પૂજારીની હત્યાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે (IS) લીધી હતી પરંતુ સુરક્ષા એજન્સીઓએ હત્યામાં ISની સંડોવણી હોવાનું ખંડન કર્યું છે. ઝડપાયેલા 3 આતંકીઓ પાસેથી પોલીસે 2 તમંચા, 3 મેગઝીન, 3 દેશી બોમ્બ, 3 ચાકુ અને 5 કારતૂસ કબજે લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા પંચાગઢ જિલ્લાના સોનાપોટા ગામના એક મંદિર પર ગત સપ્તાહે કેટલાક શખસોએ પથ્થરમારો કરતાં પૂજારી જોગેશ્વર રોય (50) અન્ય કેટલાક શ્રદ્ધાળુઓ સાથે મંદિરની બહાર દોડી આવ્યા હતા.

આ સમયે પૂજારી પર હુમલો થયો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું મોત થયું હતું તથા અન્ય બે શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું કે હુમલાખોરો એક મોટરસાઇકલ પર આવ્યા હતા. તેમણે પૂજારી પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો.

ત્યાર બાદ હુમલાખોરોએ પોતે પકડાઇ ન જાય તે માટે ફાયરિંગ કર્યું હતું તથા ક્રુડ બોમ્બ પણ ઝીંક્યા હતા, જેમાં પૂજારીને બચાવવા પ્રયાસ કરનારા બે શ્રદ્ધાળુ ઘવાયા હતા. હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

બાંગ્લાદેશમાં તાજેતરના ભૂતકાળમાં પણ ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા લઘુમતીઓ અને વિદેશીઓની હત્યાના બનાવો બની ચૂક્યા છે. ગયા વર્ષે JMB અને અન્સારઉલ્લાહ બાંગ્લા સહિતના આતંકી સંગઠનો દ્વારા આવા હુમલાની જુદી જુદી ઘટનાઓમાં 4 બ્લોગર્સ અને 2 વિદેશીઓ સહિત કુલ 7 જણાં માર્યા ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...