સનસ્ક્રીન લોશન -ક્રીમ દરિયાઇ જીવો માટે ઘાતક પૂરવાર થઈ શકે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: પ્રતિકાત્મક)

-લોશન થકી ઉત્પન્ન કેટલાંક રસાયણ દરિયાઇ સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે

વોશિંગ્ટન: વિજ્ઞાનીઓનું કહેવું છે કે બીચ પર વેકેશન ગાળતી વખતે ચામડીને સૂર્યના તડકાથી બચાવવા ઉપયોગમાં લેવાતા લોશન અને ક્રીમ દરિયાના પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.વિજ્ઞાનીઓના ધ્યાનમાં આવ્યું છે કે દરિયામાં નહાતી વખતે ચામડી પર લગાવવામાં આવેલા કેટલાક સનસ્ક્રીનનાં રસાયણો ઓગળીને દરિયામાં ભળતા હોય છે. દરિયાના કેટલાક સૂક્ષ્મ જીવો માટે તે ટોક્સિકની ભૂમિકા નિભાવી શકે. તે સૂક્ષ્મ જીવો અનેક દરિયાઇ જીવો માટે જીવન અસ્તિત્વ ટકાવી રાખવાનું મુખ્ય સાધન હોય છે. સંશોધકોનું કહેવું છે કે સનસ્ક્રીન લોશન અને ક્રીમમાં ઉપયોગમાં લેવાતા સનબ્લોક રસાયણોમાં ટિટાનિયમ ડાયોક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડના સૂક્ષ્મ કણો મુખ્ય ભૂમિકા અદા કરતા હોય છે.

સૂર્યના તડકાના સંપર્કમાં આવીને તે રસાયણો હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવું નવું કમ્પાઉન્ડ ઉત્પન્ન કરે છે. કેટલાક સૂક્ષ્મ દરિયાઇ જીવો માટે ટોક્સિક બની શકે છે. બીચ પર જનારા જ્યારે દરિયામાં નહાવા પડે છે ત્યારે ચામડી પર જન્મેલા તે રસાયણો દરિયાના પાણીમાં ભળતા હોય છે. પાણીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનું વધુ પ્રમાણ ફાયટોપ્લાન્કટોન જેવા સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. નાની માછલીથી માંડીને વ્હેલ સુધીના દરિયાઇ જીવો આ સૂક્ષ્મ જીવો પર નભતા હોય છે.પર્યાવરણ જાળવણી અંગેના એક મેગેઝિનમાં પ્રકાશિત આ અંગેનો સંશોધન અહેવાલ ખાસ કરીને એ બાબત પર ધ્યાન દોરવા પ્રયાસ કરે છે કે બીચ પર સનબાથ અને નહાવા જતા સહેલાણીઓની દરિયાઇ જીવો પર કેવી વિપરીત અસર પડી શકે છે.