આઇફા એવોર્ડમાં અનુપમે લગાવી એક્ટિંગની પાઠશાળા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંચ જુલાઇની બપોરે આઇફા વીકેન્ડનો બીજો દિવસ હતો. વિશાલ વૈનેશિયન બોલરૂમમાં અનુપમ ખેરે એક્ટિંગનો વર્કશોપ લગાવ્યો હતો. તેમની થીમ હતી '૧૦૦ યર્સ ઓફ ઇન્ડિયન સિનેમા -એક્ટર પ્રીપેયર્સ’. અહીંથી થોડાક અંતરે શાહરુખ ખાન અને શ્રીદેવી આવ્યા હોવાથી લોકોની ભીડ અને મીડિયાનું ધ્યાન ભલે વર્કશોપથી દૂર રહ્યું હોય, પણ અહીં અજબનો માહોલ હતો.

અનુપમ ખેરે એક્ટિંગ, ટેક્નોલોજી, બોડી લેંગ્વેજ, વોઇસ મોડયુલેશન, ઉચ્ચારણ વગેરેની ઝીણવટભરી બાબતો ઉદાહરણો સાથે સમજાવી હતી. તેમાં તેમણે સફાઇકર્મચારી, એટેન્ડેન્ટ, પત્રકાર, સાધારણ દર્શક જેવા અભિનેતા ન હોય તેવા લોકોને સ્ટેજ પર બોલાવ્યા હતા અને પ્રોત્સાહન અને માર્ગદર્શનના આધાર પર તેમની પાસે પરર્ફોમ્સ કરાવ્યું હતું. 'એક્ટિંગની કોઇ જ ભાષા નથી હોતી’ તે સમજાવવા માટે તેમણે હોંગકોંગ નિવાસી એક ચાઇનીઝ યુવતી સાથે માત્ર હાવભાવથી વાતચીત કરી હતી અને લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.

દરમિયાન તેમણે ૧૦૦ વર્ષમાં ભારતીય સિનેમામાં આવેલા મોટા ફેરફાર, વિશ્વ સિનેમા, અભિનયની પદ્ધતિમાં થયેલા ફેરફાર વગેરે મુદ્દે ચર્ચા કરી હતી. આ વર્કશોપની પેનલમાં ડિસ્કશનમાં શબાના આઝમી અને જાવેદ અખ્તરને હાજર રહેવાનું હતું. પણ તેઓ ગેરહાજર રહેતાં તેમનાં સ્થાને 'બરફી’ના દિગ્દર્શક અનુરાગ બસુ અને અભિનેતા-કોસ્ચ્યૂમર ડિઝાઇનર ડોલી અહલુવાલિયાએ વાર્તામાં ભાગ લીધો હતો.