વિમાનમાં ગીત ગાવા બદલ મહિલાને નીચે ઉતારી દીધી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં લોસ એન્જલસથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં એક મહિલાએ વ્હીટની હ્યુસ્ટનનું ગીત ‘આઈ વીલ ઓલ્વેઝ લવ યુ’ વારંવાર ગાઈને અન્ય મુસાફરોને તંગ કરી દેતાં તેને વિમાનમાંથી ઉતારી દેવામાં આવી હતી. આ મહિલાની જોકે ઓળખ જાહેર કરવામાં આવી નથી.

અમેરિકન એરલાઈન્સના વિમાનમાં બનેલી આ ઘટનાએ લોકોનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે. વિમાનમાં આ મહિલાને વારંવાર ટકોર કરવા છતાં તેણે ગીત ગાવાનું બંધ ન કરતા આખરે વિમાનમાં હાજર ફેડરલ એર માર્શલે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિમાને કેન્સાસ સિટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરી મહિલાને નીચે ઉતારી દીધી હતી.

કેન્સાસ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના પ્રવકતા જોય મેકબ્રાઈડે કહ્યું હતું કે વિમાનમાં સવાર મહિલા ગીત ગાઈને અન્યોને ખૂબ જ વિક્ષેપ પાડી રહી હતી તેમજ તેણે વિમાનના ક્રૂ મેમ્બર્સ સાથે પણ જીભાજોડી કરી હતી. વિમાને ઉડાન ભરી તે પહેલાંથી જ આ મહિલાએ સમસ્યાઓ ઊભી કરવાનું શરૂ કરી દીધું હતું. લગભગ બે કલાક સુધી ખૂબ જ મોટેથી તેણે ગીત ગાતા અન્ય મુસાફરો રીતસર ત્રાસી ગયા હોવાથી આ મહિલાને નાછૂટકે નીચે ઉતારી દેવામાં આવી હતી.

બાદમાં આ મહિલાને છોડી મૂકવામાં આવી હતી, પરંતુ તેને અમેરિકન એરલાઈન્સની અન્ય ફ્લાઈટમાં બેસવાની મંજુરી આપવામાં આવી નહોતી. બીજી તરફ મહિલાએ એવો વિચિત્ર દાવો કર્યો હતો કે તે ડાયાબિટીસની દર્દી હોવાથી આ ઘટના બની હતી.