• Gujarati News
  • PM Modi Will Reach The German City Of Hannover On The Second Leg Of His Three nation Tour.

જર્મનીઃ મોદી ‘હોનઓવર ટ્રેડ ફેર’નું ઉદ્વાટન કરશે, મર્કલ સાથે પણ કરશે મુલાકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બર્લિનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જલા મર્કલે 'હેનોવર મૈસે ફેર'નું ઉદ્ધાટન કર્યુ હતું. આ પ્રસંગે ઉદ્યોગપતિઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે સિંહ નવા ભારતનું પ્રતિક છે. વિશ્વના સૌથી મોટા ઇન્ડસ્ટિયલ ફેરનું ઉદ્ધાટન કરવુ મારા માટે ગર્વની વાત છે. આ ફેર તેમાં ભાગ લેનારી ભારતની 350 કંપનીઓ માટે એક સંદેશ છે. એક વિશાળ પાર્ટનર તરીકે ભારતની પસંદગી ભારતમાં તમારો વિશ્વાસ દર્શાવે છે. મારી સરકારના એક વર્ષના સમયગાળામાં અહી અમારી હાજરી એ બિઝનેસ પ્રત્યેની અમારી પ્રાથમિકતા દર્શાવે છે.
મોદીએ કહ્યુ કે અમે વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટક્ચર અને ઇન્ડસ્ટીઝ બનાવવા માંગીએ છીએ. મારા માટે મેક ઇન ઇન્ડિયા એક સ્લોગન કે બ્રાન્ડ નથી. રેલ્વે ભારતને બાંધતો દોરો છે. જે હાલમાં ભારતના પરિવર્તન માટે ફાસ્ટટ્રેક પર જશે. વધુમાં મોદીએ જણાવ્યુ કે હું અહી જર્મનીમાં ભારતની વિશાળ આર્થિક ક્ષમતાઓ ખોલવાના મિશન સાથે ભાગીદારની તલાશમાં આવ્યો છું.
તેમણે જણાવ્યુ કે અમે વિશ્વને ગળે લગાવવા માટે તૈયાર છીએ. મોદીએ રાજકીય સ્થિરતાની વાત કરી ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા. મોદીએ કહ્યુ કે ગુડ્સ અને સર્વિસ ટેક્સમાં પરિવર્તન લાંબા સમયની માંગ રહી છે અને તે વાસ્તવિકતા છે.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરિટાઇમ ગ્રાન્ડ હોટલમાં જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કર્યા બાદ હેનોવર શહેરના સીટી હોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે અહી ભારતીય વિદ્યાર્થીઓની પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથે સેલ્ફી ખેંચાવી હતી. સીટી હોલની મુલાકાત દરમિયાન તેમણે અહી આમંત્રણ આપવા બદલ શહેરના મેયરનો આભાર માનતા કહ્યુ કે 102 વર્ષ જૂની આ બિલ્ડિંગમાં મને સન્માનિત કરવા બદલ હું આભારી છું. મોદીએ અહી આવેલી ગોલ્ડન બુકમાં પોતાનો સંદેશ લખ્યો હતો. મોદીએ હેનોવર શહેરના મેયરને મધુબાની પેઇન્ટિંગ ભેટમાં આપ્યુ હતું.
મોદીએ કહ્યુ કે ભારત ભરપૂર તકો ધરાવતો દેશ છે. આધુનિક ભારત સાંસ્કૃતિક વારસાને લઇને વિકાસની દિશામાં ચાલી રહ્યો છે. મોદીએ કહ્યુ કે જર્મની ભારતનો ખૂબ મહત્વનો સાથી દેશ છે. ત્યારબાદ મોદીએ અહી મહાત્મા ગાંધીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યુ હતું. આ પ્રસંગે 780 જેટલા ભારતીયો હાજર રહ્યા હતા. લોકો મોદી મોદીના નારા લગાવતા હતા.
આ પ્રસંગે લોકોને સંબોધતા મોદીએ કહ્યુ કે, મહાત્મા ગાંધી માનવતા માટે એક પ્રેરણારૂપ રહ્યા છે. છેલ્લી સદીમાં મહાત્મા ગાંધીનો જન્મ ભલે ભારતમાં થયો હોય પરંતુ વિશ્વ માટે એક રોલ મોડલ રહ્યા છે. વધુમાં બોલતા મોદીએ કહ્યુ કે હેનોવરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ આખી દુનિયા માટે ગૌરવની ક્ષણ છે. હાલમાં વિશ્વ આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગ એમ બે સમસ્યાનો સામનો કરી રહી છે. મોદીએ કહ્યુ કે આ ક્ષણ ફક્ત ભારતીયો માટે નહી પરંતુ આખી માનવતા માટે ગૌરવની ક્ષણ છે.
એરપોર્ટ પર થયુ હતુ ભવ્ય સ્વાગત
આ અગાઉ વડાપ્રધાન મોદી ફ્રાન્સની મુલાકાત બાદ જર્મનીના શહેર હેનોવર એરપોર્ટ પર પહોચ્યા ત્યારે લાલ જાજમ બિછાવી તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. એરપોર્ટ પર મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થયા હતા અને 'મોદીજી સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હૈના નારા લાગ્યા હતા'. મોદીએ પણ સૌની સાથે હાથ મીલાવ્યા હતા.
જર્મનીમાં પણ મોદી 'મેઇક ઇન ઇન્ડિયા' અભિયાનને આગળ ધપાવવા બિઝનેસ અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સંદર્ભમાં તેમણે મેરિટાઇમ ગ્રાન્ડ હોટલમાં જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી અને બિઝનેસ તેમની સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યુ હતું. જર્મનીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ 'હેનોવર મૈસે ફેર'માં 'ઇન્ડિયા પેવેલિયન'નું ઉદ્ઘાટન કરશે. આ ફેરમાં ભારત એક ભાગીદાર દેશ છે જેમાં ભારતની ૪૦૦ કંપનીઓ ભાગ લઇ રહી છે.
તે સિવાય મોદી મર્કલ સાથે ભારતના વિકાસ એજન્ડામાં કેવી રીતે જર્મની સાથે કામ કરી શકાય તેના પર ચર્ચા કરશે. તે સિવાય મોદી અને મર્કલ હેનોવર કોગ્રેસ સેન્ટરમાં લોકોને સંબોધશે. ભારતના ટોચના 120 એક્ઝુકિટીવ અને જર્મનીના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મોદી અને મર્કલ ડિનરમાં ભાગ લેશે. બાદમાં વડાપ્રધાન મોદી હેનોવર ફેરમાં બિઝનેસ સમિટનું ઉદ્વાટન કરશે.
આગળની સ્લાઇડમાં જુઓઃ જર્મન બિઝનેસમેન સાથે બેઠકમાં વડાપ્રધાન મોદીની તસવીરો