ચીનીએ ૭ નવજાત ગલુડિયાંનાં માથાં કાપતાં લોકોમાં ભારે રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકૃત માણસે આ તસવીરો સોશિયલ મીડિયામાં મુકતા લોકોએ હત્યારાની ખૂબ આકરા શબ્દોમાં ટીકા કરી

એક ચીની માણસે સાત તાજા જન્મેલાં કૂતરાનાં બચ્ચાંઓનાં માથાં કાપી નાખ્યાં હતાં અને એક યુવતીએ બિલાડીનાં બચ્ચાંનું માથું કાપીને તેની લોહી નીંગળતી તસવીરો સોશિયલ મીડિયા ઉપર મૂકતાં ઇન્ટરનેટ વપરાશકારોમાં રોષ ફાટી નીકળ્યો હતો.ઓનલાઇન જાહેર કરવામાં આવેલી તસવીરોમાં એમ દર્શાવવામાં આવ્યું હતું કે ચીનના પૂર્વ વિસ્તારમાં આવેલા એક શહેરમાં એક શખ્સે સાત તાજા જન્મેલાં કૂતરાંનાં બચ્ચાંઓને જન્મ આપનારી કૂતરીના દેખતાં જ મારી નાખ્યાં હતાં.
આધેડ વયનો આ શખ્સ એક પછી એક ગલુડિયાંનું માથું કાપતો જતો હતો અને તે ગલુડિયાંઓને જન્મ આપનારી કૂતરી પાંજરામાંથી નિ:સહાય બનીને જોઈ રહી હતી.
આ ઘટનાના નેટજગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. તેમણે આને નિર્મમ બર્બરતા તરીકે જાહેર કરી છે. જ્યારે આવું કૃત્ય કરનારા શખ્સ કે જેનું નામ ફેન્ગ છે તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. કૂતરી હજી પણ ત્યજી દેવામાં આવેલાં કૂતરાંઓનાં કેન્દ્રમાં જ છે અને તે આ આઘાત ભૂલી જાય તે માટે તેને દવાઓ આપીને સૂવડાવી દેવામાં આવી છે.
લોકોએ એવો પણ રોષ ઠાલવ્યો છે કે આ પ્રકારનાં કેન્દ્રો પ્રાણીઓને રક્ષણ આપવા માટે હોય છે પરંતુ તેઓ કતલખાનાં સમાન બની ગયાં છે.અન્ય એક કિસ્સામાં લી પિન્ગપિન્ગ નામની એક યુવતીએ સપ્તાહ અગાઉ બિલાડીનું બચ્ચું ખરીદ્યું હતું અને તેણે તેને બાથરૂમમાં લઈ જઈને તેનું માથું કાપી નાખ્યું અને તેની તસવીરો ચીનના ટ્વિટર ગણાવી શકાય તેવી વેબસાઇટ ઉપર મૂકી હતી. આ ઘટનાને પણ લોકો દ્વારા ખરાબ રીતે વખોડી કાઢવામાં આવી છે.