• Gujarati News
  • Pakistan To Beat India To Associate Membership To Cern

CERNનું સદસ્ય બનશે પાકિસ્તાન, ફાઇલોમાં અટવાયેલું ભારત પાછળ રહી ગયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન ટૂંક સમયમાં જ યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું સહયોગી સદસ્ય બની જશે. પાકિસ્તાનને જૂનમાં આ સંસ્થાનું સહયોગી સભ્યપદ મળશે. દુનિયાની સૌથી મોટી ફિઝિક્સ લેબોરેટરી એવી આ સંસ્થાનાં વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ ગોડ પાર્ટીકલની શોધ કરી હતી.

સર્ન (યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)નાં એક વરિષ્ઠ અધિકારીએ અંગ્રેજી અખબર 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ને જણાવ્યું હતું કે ભારતની સુસ્ત અમલદાર શાહી અને વહીવટી વિલંબે દેશને આ સંસ્થાનું સદસ્ય બનવાની હોડમાં પાછળ રાખી દીધું છે.

આ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમથી ભારતને પણ આ સંસ્થાનું સહયોગી સદસ્ય બનાવવાનાં પ્રયત્નો થઇ રહ્યા હતા, જેથી અહીં થતા પરીક્ષણોમાં ભારત પણ ભાગ લઇ શકે. પણ આ પ્રક્રિયા માટે જમા કરાવવા પડતા જરૂરી કાગળ ગત એક મહિનાથી વડાપ્રધાન કાર્યાલયમાં જ અટકેલા છે.

સંસ્થાનાં અધિકારીઓએ જણાવ્યા પ્રમણે આ માટે ભારતે દર વર્ષે 10.7 મિલિયન ડોલર આપવા પડત. સહયોગી સદસ્ય બનીને ભારત સંસ્થાની સંપૂર્ણ સદસ્યતા માટે પણ લાયક બની જાત અને સંસ્થાનાં અધિવેશનોમાં ભાગ લઇ શકત.

યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનાં ડિરેક્ટર જનરલ રોલ્ફ ડીટર હુઅરે હાલમાં જ કહ્યું હતું કે સર્ન, ભારતમાં ઘણું ચર્ચિત થઇ ચૂક્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સંસ્થામાં ઇન્ટર્નશિપ કરવા માટે સૌથી વધારે અરજીઓ ભારતમાંથી જ મળે છે.

ઉલ્લેખનીય છે કે ગોડ પાર્ટીકલ એટલે કે હિગ્સ બોસોનની શોધ કરનારી સંસ્થા સર્ન જ છે. ભારત વર્ષ 2002થી આ સંસ્થાનું પર્યવેક્ષક છે.