ના\'પાક\' ઇરાદાઃ પાકે સંરક્ષણ બજેટમાં કર્યો તોતિંગ વધારો, 1750 અબજ રૂ. ખર્ચશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાને આંતરિક અને બાહ્ય સ્થિતિને ધ્યાનમાં લેતાં સંરક્ષણ ખર્ચમાં 15થી 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે નાણાંપ્રધાન ઈસહાક દારે સેના વડા જનરલ રહીલ શરીફ સાથે નાણાંકીય વર્ષ 2014-15ના સંરક્ષણ બજેટ અંગે ચર્ચા કરી હતી.

પ્રાપ્ત સમાચાર પ્રમાણે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ 627 અબજ પાકિસ્તાની રૂપિયાથી વધારીને 1,750 અબજ રૂપિયા થવાની શક્યતા છે. પાકિસ્તાનમાં પહેલી જુલાઈથી નાણાંકીય વર્ષનો આરંભ થાય છે.
આ અગાઉ સેનાના વરિષ્ઠ અધિકારીઓ બજેટ વિશે નાણા મંત્રાલયના અધિકારીઓ વિશે ચર્ચા કરે છે,પરંતુ પ્રથમવાર નાણાં પ્રધાન સેનાની રજૂઆત સાંભળવા વડામથકે ગયા હતા. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે નવાઝ શરીફ સરકાર સેના તરફ ઢળી રહી છે.

સ્થાનિક સમાચાર પત્ર ડૉનના અહેવાલ પ્રમાણે સરકાર સેના તરફ વધુને વધુ ઝૂકી રહી છે. બીજી બાજુ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એક સારી પ્રક્રિયા છે. તેનાથી બંને પક્ષોની જરૂરીયાતને સમજવામાં મદદ મળી રહેશે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ભૂમિદળને 301.54 અબજ રૂપિયા, એર ફોર્સને 120.1 અબજ રૂપિયા અને નૌ-સેનાને 62.8 અબજ રૂપિયાની ફાળવણી કરાઈ છે.


સેનાએ ફુગાવાને ઉલ્લેખ કરીને બજેટમાં વધારો કરવાની માગણી કરી હતી. નાણાંપ્રધાને જોકે સેનાને ખાતરી આપી છે કે સેનાની નાણાં અંગેની માગને પરિપૂર્ણ કરાશે અને તેના થકી તેઓ દેશની વધુ સારી રીતે રક્ષણ કરી શકશે.
વડાપ્રધાન નવાઝ શરીફે સત્તાના સૂત્રો સંભાળતાં જ તમામ મંત્રાલયોના ખર્ચમાં 30 ટકા કાપ મૂક્યો હતો, પરંતુ સરંક્ષણ બજેટમાં જરાય કાપ મૂક્યો ન હતો. આગામી વર્ષોમાં સેના વિદેશમાંથી અનેક ઉપકરણોની ખરીદી કરનાર છે, જે ચીનમાંથી આવશે.