મુશર્રફ અદાલતમાં ન આવ્યા, જિંદગી સામે ગંભીર જોખમ હોવાનું જણાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના પૂર્વ સરમુખત્યાર પરવેઝ મુશર્રફ તેમની સામે દેશદ્રોહનો કેસ ચલાવતી વિશેષ અદાલતમાં આરોપ ઘડવા માટે ઉપસ્થિત રહ્યા ન હતા એટલે તેમને શુક્રવારે હાજર રહેવા જણાવાયું છે.

2007માં કટોકટી લાગુ કરવાના કેસમાં મુશર્રફ સામે આરોપ ઘડાનાર હોવાથી કોર્ટમાં નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

ત્રણ સભ્યોની બેંચના વડા જસ્ટીસ ફૈઝલ અરબે ન્યાયમૂર્તિઓને કોન્ટ્રાક્ટ કિલર કહેતાં મુશર્રફના વકીલ રાણા એજાઝને કોર્ટરૂમ બહાર જતાં રહેવા કહ્યું હતું.

સુનાવણીના આરંભમાં મુશર્રફના બીજા એક વકીલ અહેમદ રઝા કસુરીએ 70 વર્ષના પૂર્વ સૈન્ય વડા સામે સંભવિત આંતકી હુમલાની ચેતવણી આપતો ગૃહ મંત્રાલયના અધિકારીએ લખેલા અને લીક થયેલો પત્ર કોર્ટમાં રજૂ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે કોર્ટ બોલાવશે ત્યારે મુશર્રફ હાજર થશે. જો કે તેમના અસીલ સામે કોઈ પણ અનિચ્છનિય બનાવ બનશે તો કોર્ટ જવાબદાર રહેશે.

તેમણે કહ્યું કે ઈતિહાસ તમને જવાબદાર ઠેરવશે. આની સામે જસ્ટિસ અરબે જણાવ્યું કે ઈતિહાસ પોતે નક્કી કરશે પરંતુ તમે તમારી વ્યવસાયિક મર્યાદા ઓળંગશો નહીં.

થ્રેટ એલર્ટઃ 239ના શીર્ષક હેઠળના પત્રમાં દાવો કરાયો હતો કે ટીટીપી અને અલ કાયદાના આંતકવાદીઓ મુશર્રફને નિશાન બનાવી શકે છે. એવું લાગે છે કે મુશર્રફની હત્યા કરવા તેમના સુરક્ષા કાફલામાં આંતકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓ સામેલ છે. મુશર્રફની હત્યા કરવાની યોજના આઈઈડી, વીબીઆઈઈડીનો ઉપયોગ કરીને કોર્ટરૂમની અંદર અથવા બહાર પાર પડાય તેવી શક્યતા છે, જેવું પંજાબના રાજ્યપાલ સલમાન તાસીરની હત્યા વખતે કરાયુ હતું.

આ દલીલ સામે ફરિયાદી પક્ષનાં વકીલ અકરમ શેખે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુપ્ત પત્ર બચાવ ટીમ પાસે છે અને પ્રોસિક્યુશનને તો તેની ખબર પણ નથી.

તેમણે કહ્યું કે મુશર્રફ મુક્ત વ્યકિત છે અને કોર્ટે તેમને કસ્ટડીમાં લેવાનો હુકમ કરવો જોઈએ, જેથી કરી તેમની સુરક્ષા સરકારની જવાબદારી બની જાય. સરકારે તેમને ત્રી સ્તરીય સુરક્ષા પૂરી પાડવી જોઈએ અને મુશર્રફની સુરક્ષા માટે ગાર્ડની સંખ્યા બમણી કરવી જોઈએ. હાલમાં મુશર્રફ વિશેષ અદાલતમાં આવી શકે તે માટે 1,200 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે કોર્ટ પણ સુરક્ષિત નથી તેવા સમયે તેઓ કોર્ટમાં કેવી રીતે હાજર રહી શકે.

લીક થયેલા પત્રને ટાંકતા કસુરીએ કહ્યું હતું કે મુશર્રફના જીવન સામે ગંભીર ખતરો છે.