સાત અબજનું કૌભાંડઃ ગિલાની સામે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની તથા અન્ય એક પૂર્વ પ્રધાન સામે સાત અબજ રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે. ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એફઆઈએ)ને દેશના પૂર્વ વડાપ્રધાન ગિલાની તથા તેમના શાસનકાળના પૂર્વ પ્રધાન ફહીમ પાકિસ્તાન ટ્રેડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ટીડીએપી)માં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના પુરાવા મળ્યા બાદ કરાચીની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે તેમની સામે વોરન્ટ જારી કર્યા છે.
એફઆઈએએ જજ મોહમ્મદ અઝીમની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું અને તેની સાથે ધરપકડ વોરન્ટ જારી કરવા માટેના પુરાવા પણ રજૂ કરાયા હતાં. આ અગાઉ કોર્ટે બંનેને કાનુની નોટિસ પાઠવી હતી પરંતુ બંનેમાંથી એકેયે તેનો જવાબ આપ્યો ન હતો. બંને જણાં પર ટીડીએપીમાં સબસિડીના સાત અબજ રૂપિયાનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો છે.