• Gujarati News
  • Muslim Person Held In Connection With Attack On French Soldier

ફ્રેન્ચ સૈનિક પરના હુમલા કેસમાં મુસ્લિમની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરિસમાં ફ્રેન્ચ સૈનિકનું સ્ટેબિંગ થવાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસે બુધવારે એક શકમંદની ધરપકડ કરી છે. જેને કટ્ટરવાદી ઇસ્લામનો સમર્થક ગણાવ્યો છે. ગૃહમંત્રી મેન્યૂઅલ વેલ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવાર સાંજે એક સૈનિક પર હુમલો કરવામાં શકમંદ ગણાતા આરોપીની લા ડીફેન્સ(બિઝનેસ ડિસ્ટ્રિક્ટ)માંથી બુધવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ પેરિસમાં આવેલા યવેલાઇન્સમાંથી આ શકમંદની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલો ૨૨ વર્ષનો યુવાન છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પરંપરાવાદ ઉપરાંત કટ્ટરવાદી ઇસ્લામનો અનુયાયી હતો. આમ છતાં, આ કેસમાં ખૂબ જ સાવધાની રાખવામાં આવી રહી છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે શકમંદ અગાઉ ક્યારેય કટ્ટરવાદી તરીકે ઓળખાયો નથી.તપાસકર્તાઓ એ નક્કી કરવા માગે છે કે આવું જેહાદી કૃત્ય કરવા માટે તેણે ક્યારે નિર્ણય કર્યો હશે?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુનાના સ્થળના મળેલા વીડિયો ફૂટેજ અને એક પ્લાસ્ટિક બેગમાંથી મળી આવેલી ચીજ-વસ્તુઓ પરથી મળી આવેલા ડીએનએ પરથી શકમંદ હુમલાખોરની ઓળખ થઇ શકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચ સૈનિક કેડ્રિક કોર્ડાઇઝ પર હુમલાખોરે હુમલો કર્યો હતો. કેડ્રિક અને તેના બે સાથી પેટ્રોલિંગ પર હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે, ઇજાગ્રસ્ત સૈનિકને બુધવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
હુમલાની દહેશતથી બ્રિટિનની જેલોમાં એલર્ટ
લંડન : ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયર પ્રદેશમાં આવેલી ફૂલ સૂટ્ટન જેલમાં રવિવારે થયેલો હુમલો કટ્ટરવાદી ઇસ્લામિક અંતિમવાદી સાથે સંકળાયેલો હોવાથી બ્રિટનની અન્ય જેલોને પણ આવા હુમલાની દહેશતથી એલર્ટ કરવામાં આવી છે. ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલ માટે આ પ્રકારનો એક ઇ-મેઇલ જારી કરવામાં આવ્યો છે.