ઇરાનમાં 2.6 અરબ ડોલરની ઉચાપત કરનાર અરબપતિને ફાંસી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇરાનમાં એક અરબપતિ બિઝનેસમેન મહાફરીદ આમિર ખોસરાવીને ભ્રષ્ટાચારના મામલમાં શનિવારે ફાંસી આપવામાં આવી છે. ખોસરાવીએ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે કેટલીય બેન્કો પાસેથી લોન લીધી હતી. તેના પર અંદાજે 2.6 અરબ ડોલરની ઉચાપત કરવાનો આરોપ હતો. ઇરાનમાં 1979ની ઇસ્લામી ક્રાંતિ પછી પહેલીવાર આટલું મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખોસરાવીને તેહરાનના ઉત્તરમાં આવેલ એવિન જેલમાં શનિવારે સવારે ફાંસી આપવામાં આવી હતી. આ કેસ અંતર્ગત અન્ય ત્રણ લોકો ફાંસીની સજાની રાહ જોઇ રહ્યા છે. છેતરપીંડીના કેસમાં કુલ 39 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તે સિવાય બેને આજીવન કેગની અને બાકીના લોકોને 25-25 વર્ષોની જેલની સજા ફટકારવામાં આવી છે. બેન્ક મેલીના પૂર્વ પ્રમુખ મહમૂદ રઝા ખવરી 2011માં કેનેડા ભાગી જવામાં સફળ રહ્યો હતો.
સરકારી કંપનીઓ ખરીદવા માટે લોન લીધી હતી

ખોસરાવી ઉર્ફે આમિર મન્સૂર આરિયાએ ઇરાનની ટોચની બેન્ક બેંક સદારત પાસેથી લોન લેવા માટે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા હતા. મળેલ લોનમાંથી તેણે કુજેસ્તાન સ્ટીલ કંપની જેવી વિશાળ સરકારી કંપનીમાં કેટલોક હિસ્સો ખરીદ્યો હતો. કહેવાય છે કે, આ ધનનો ઉપયોગ સરકારની પ્રાઇવેટાઇઝેશનની પ્રક્રિયા અંતર્ગત સરકારી કંપનીઓનો હિસ્સો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. આવી રીતે ઉચાપત કરીને ખોસરાવી 35 કંપનીઓનો માલિક બની ગયો હતો. જેમાં મિનરલ વોટર પ્રોડક્શનથી માંડીને ફૂટબોલ ક્લબ અને બ્રાઝિલથી મીટ ઇમ્પોર્ટ કરતી કંપનીઓનો સમાવેશ થાય છે.