ચીનમાં કર્મચારી ઝઘડતા આઈફોનનો પ્લાન્ટ બંધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એપ્પલના આઈફોનનું એસેમ્બલ કામ કરતી તાઈવાનની ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપના ચાઈનામાં આવેલા પ્લાન્ટમાં સોમવારે ૨૦૦૦ જેટલા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થતાં પ્લાન્ટ બંધ કરી દેવો પડયો હતો. પ્લાન્ટ કેટલા દિવસ બંધ રહેશે તે હાલ સ્પષ્ટ થયું નથી. ઘર્ષણમાં ૪૦ લોકો ઘવાયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ચીનના તાઈયુઆન શહેરમાં આવેલા ફોક્સકોનના આ પ્લાન્ટમાં આ ઘટના બની હતી. ઝઘડાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પોલીસ અને કંપનીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ફોક્સકોને કહ્યું છે કે વ્યક્તિગત ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું જેને કારણે ઘર્ષણ વધ્યું.

જોકે ટ્વીટર પર કેટલાક લોકોએ ટ્વીટ કર્યું છે કે ફેક્ટરીના ગાર્ડે કર્મચારીઓને ફટકાર્યા હતા જેને કારણે મામલો બિચક્યો. પ્લાન્ટમાં અનેક ઈમારતોના બારીના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા.