ફેસબુક પર આમંત્રણ આપ્યું અને હિંસા ફેલાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડચ શહેર હારેનની ટીનેજરે ૧૬મા બર્થ ડેની પાર્ટીનું ૩૦ હજાર લોકોને આમંત્રણ આપી દીધું ફેસબુક પર એક કિશોરી દ્વારા તેના ૧૬મા બર્થ ડે પાર્ટીના મૂકવામાં આવેલા આમંત્રણને પગલે હજારો લોકો ઉત્તરીય ડચ શહેર હારેનમાં શુક્રવારે ઊમટી પડતાં હિંસા ફાટી નીકળી હતી અને લોકોને વિખેરવા માટે પોલીસને બળપ્રયોગ કરવો પડયો હોવાનું ડેચ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ૩૦ હજાર લોકોને કિશોરીના બર્થ ડેની પાર્ટીનું આમંત્રણ મળ્યું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હિંસા ફાટી નીકળ્યા પછી ઘવાયેલા છ લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે. હિંસા આચરી રહેલા તોફાનીઓ દ્વારા દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી છે અને એક કારને પણ આગ ચાંપવામાં આવી છે. હિંસક તત્ત્વો દ્વારા શેરીઓના ર્બોડ અને સ્ટ્રીટ લાઇટનું પણ નુકસાન કરવામાં આવ્યું છે. હિંસાને કાબૂમાં લેવા માટે ૬૦૦ રાયટ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ઓછામાં ઓછા ૨૦ લોકોની ધરપકડ કરી હોવાનું મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બર્થ ડે ની સામાન્ય ઉજવણી કરવાની હતી પરંતુ કિશોરી આ પાર્ટી ખાનગી રાખી શકી ન હતી અને હજારો લોકોને આમંત્રણ મળ્યું હતું. ૧૮ હજારની વસ્તીવાળા હારેન શહેરમાં ૩ હજાર લોકો ઊમટી પડયા હોવાનું મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.