• Gujarati News
  • Internet Explorer Susceptible To Hackers Says Microsoft

ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરમાં હેકરોથી જોખમ: માઈક્રોસોફ્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરમાં ખામી હોવાનું જાણવા મળ્યું છે. માઈક્રોસોફ્ટે પોતાના યુઝર્સને આ સંબંધે ચેતવણી આપી છે કે આ ખામીના કારણે તેમનું કમ્પ્યુટર હેક થવાની પણ સંભાવના છે. એક્સપ્લોરરમાં આ ખામી વર્ઝન ૬થી ૧૧માં મળી આવી છે. હાલમાં કંપની આ ખામી દૂર કરવા માટે પ્રયત્નો કરી રહી છે.
માઈક્રોસોફ્ટે આપેલી માહિ‌તી અનુસાર એક્સપ્લોરર બ્રાઉઝરમાં રહેલી આ ખામીનો લાભ ઉઠાવવા માટે એટેકર એક ખાસ પ્રકારની વેબસાઈટ બનાવે છે. પછી યુઝરને તેના પર આવવા માટે લલચાવે છે. આ ખામીનું વધુ નુકસાન એવા યુઝર્સને થઈ શકે છે જેઓ સંપૂર્ણપણે વિન્ડોઝ એક્સપી પર નર્ભિર છે. આ મહિ‌નાના પ્રારંભથી માઈક્રોસોફ્ટે જુની ઓપરેટિંગ સિસ્ટમ પર સિક્યુરિટી પેચ અને અપડેટ મોકલવાનું બંધ કરી દીધું છે. ટેકનોલોજી ફર્મ 'નેટમાર્કશેર’ના જણાવ્યા અનુસાર પીસી બ્રાઉઝરના માર્કેટમાં એક્સપ્લોરર ૬થી ૧૧ સુધીના વર્ઝનનો દબદબો વધારે છે. અંદાજે પ૦ ટકાથી વધુ કમ્પ્યૂટર આ વર્ઝન પર જ કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, આ મહિ‌ને 'હાર્ટબ્લીડ’ નામના બગના કારણે ઇન્ટરનેટ સુરક્ષાની દુનિયામાં પડકારો ઊભા થયા છે. આ મામલા બાદ વેબસાઈટ્સ ઓપરેટરો, બેંકો અને સામાન્ય યુઝર્સને તેમના તમામ પાસવર્ડ બદલવાની જરૂર પડી છે.
એન્ડ્રોઈડ ફોનના એડોબ રીડરમાં વાઈરસ
સાઈબર સિક્યુરિટી એજન્સીઓએ એન્ડ્રોઈડ ફોન ઉપયોગ કરનારા યુઝર્સને એડોબ રીડરના કેટલાક વર્ઝનમાં વાઈરસના જોખમથી ચેતવ્યા છે. કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ(સીઈઆરટી-ઈન)ના જણાવ્યા અનુસાર એડોબ રીડરના ૧૧.૧.૩ અને તે પહેલાના વર્ઝનમાં આ જોખમ છે. સીઈઆરટી-ઈન હેકિંગ, ફિશિંગનો ઉકેલ, દેશના ઈન્ટરનેટ ડોમેનની સુરક્ષા સંબંધિત પાસાઓને મજબૂત કરતી નોડલ એજન્સી છે.