નવાજ શરીફ, અમે તમને છોડીશું નહીં : ઇમરાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઈમરાનખાનની ફાઈલ તસવીર)

- ઇમરાને શરીફને 'કાયર’ ગણાવ્યા, દેખાવકારો-સરકાર વચ્ચે મંત્રણા અટકી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં રાજકીય હિ‌લચાલ અટકાવવાના પ્રયાસો ગુરુવારે આઠ કલાક પણ ટકી શક્યા નથી. શક્તિશાળી સૈન્યે હસ્તક્ષેપ કર્યો. આંદોલન ચલાવી રહેલા ઇમરાન ખાન પણ માની ગયા પરંતુ સાંજ થતાં પહેલા જ નવાજ શરીફની સરકાર સાથે તેમની મંત્રણા અટકી પડી. રાજીનામાની માગણી અંગે નવાજ શરીફે ફેરવી તોળ્યું, તેથી ઇમરાન ખાન વધુ કડક થઇ ગયા. તેમણે વડાપ્રધાનને 'કાયર’ ગણાવીને કહ્યું 'નવાજ શરીફ અમે તમને છોડીશું નહીં.’

દરમિયાન, અન્ય એક ઘટનાક્રમમાં નવાજ શરીફને નેશનલ એસેમ્બલીનું સમર્થન મળી ગયું છે. એસેમ્બલીએ એક પ્રસ્તાવ પસાર કરીને નવાજ શરીફના રાજીનામાની માગણીને બિનજરૂરી ગણાવી છે. જ્યારે સુપ્રીમકોર્ટે દેખાવકારોને હટાવવાની સરકારની અરજી ફગાવી દીધી છે. ઇમરાનને મૌલાના તાહિ‌ર-ઉલ-કાદરી અને તેમના સમર્થકોનું પણ સમર્થન મળી રહ્યું છે.

શરીફના વલણથી મામલો અટક્યો
ઇમરાન ખાનનું વલણ બુધવારે મોડી રાત્રે નરમ થયું હતું. સૈન્યે બન્ને પક્ષોને મંત્રણાની અપીલ કરી હતી. ઇમરાન માની ગયા પરંતુ સવારે આઠ વાગે સરકાર અને ઇમરાનના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા પણ થઇ પરંતુ શરીફ અડી ગયા હોવાથી મામલો અટકી ગયો.

સુપ્રીમનો સાથ મળતાં જ ઇમરાન ગર્જના કરવા લાગ્યા
પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે શરીફ સરકારની અરજી ફગાવી દેતા ઇમરાન વધુ મજબૂત થયા છે અને જણાવ્યું કે 'નવાજ શરીફ તમે કાયર છો. તમે નેશનલ એસેમ્બલીમાં લુટારા વચ્ચે છુપાયેલા છો. તમે લૂંટીને ધન જમા કર્યું છે, તેને અમે શોધી કાઢીશું.’