સુખી દાંપત્યજીવન માણતાં યુગલો વધુ સ્વસ્થ હોય છે: અભ્યાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો દાંપત્યજીવન સુખી હોય તો તમે ચોક્કસપણે સ્વાસ્થ્યપ્રદ જીવન માણી શકો છો. ૨૦ વર્ષ સુધી હાથ ધરવામાં આવેલાં અભ્યાસનાં તારણો અનુસાર સુખી દાંપત્યજીવન ધરાવતાં યુગલો તેમની જ વયનાં અન્ય યુગલો કરતાં વધુ તંદુરસ્ત હોય છે. બ્રગિહેમ યંગ યુનિવર્સિટી ફેમિલી લાઈફ સંશોધક રિક મિલરે આ લાંબા અભ્યાસમાં શોધી કાઢયું હતું કે લાંબા સમય સુધી સારી ગુણવત્તાનું દાંપત્યજીવન યુગલોને સારું શારીરિક સ્વાસ્થ્ય પણ આપી શકે છે.

મિલરે જણાવ્યું હતું કે ‘અગાઉ હાથ ધરાયેલા અભ્યાસો અનુસાર દાંપત્યજીવનમાં ઝઘડાથી સ્વાસ્થ્ય બગડે છે.પરંતુ આ અભ્યાસ જણાવે છે કે સુખી દાંપત્યજીવનમાં એવા પણ કેટલાક રક્ષણાત્મક ઘટકો હોય છે જે યુગલને વર્ષો સુધી સ્વસ્થ રાખી શકે છે ’. આ અભ્યાસનાં તારણો જર્નલ ઓફ મેરેજ અને ફેમિલીમાં પ્રકાશિત થયા છે જે દર્શાવે છે કે, સકારાત્મક લગ્ન સંબંધો લાંબા સમય સુધી સ્વાથ્યપ્રદ શરીર ટકાવી રાખે છે. આ અભ્યાસ માટે સમગ્ર દેશમાં બે દાયકા સુધી ૧૬૮૧ વિવાહિત લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

મિલર અને તેના સાથીઓએ બે પ્રકારના દાંપત્યજીવનની ગુણવત્તાનો અભ્યાસ કર્યો હતો જેમાં, ખુશી અને સંતોષ તેમજ દાંપત્યજીવનની કેટલીક સમસ્યાઓ જેમ કે નાણાં માટે દલીલબાજી અને શ્વસુર પક્ષ સાથે ઝઘડા જેવી બાબતોને પણ આવરી લેવામાં આવી હતી.