પાકિસ્તાનમાં ૧૧ મે એ સામાન્ય ચૂંટણીઓ યોજાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં આગામી ૧૧મી મેના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાશે. પાકિસ્તાનની લોકશાહીના ઇતિહાસમાં પ્રથમવાર એક ચૂંટાયેલી સરકાર અન્ય સરકારને સત્તા ટ્રાન્સફર કરશે. સામાન્ય ચૂંટણીઓની તારીખ નક્કી કરવાની પાકિસ્તાનના વડાપ્રધાન રાજા પરવેઝ અશરફ દ્વારા વિધિસર દરખાસ્ત કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ચૂંટણીની તારીખ જાહેર કરી હોવાનું રાષ્ટ્રપતિના પ્રવક્તા ફરહતુલ્લાહ બાબરે જણાવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ચૂંટણીપંચ આગામી બે દિવસમાં વિધિસર રીતે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ ૧૬મી માર્ચે પૂરો થયા પછી નેશનલ એસેમ્બલી અથવા સંસદના નીચલા ગૃહનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને નિયમ હેઠળ સામાન્ય ચૂંટણીઓ ૬૦ દિવસમાં યોજવાનું જરૂરી છે.

દરમિયાન, એક સંબંધિત ઘટનાક્રમમાં આગામી ચૂંટણીઓ પર દેખરેખ રાખવા માટે કાર્યકારી વડાપ્રધાનની પસંદગી કરવાનું કામ આઠ સભ્યોની એક સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું છે. આ સમિતિની પ્રથમ બેઠક બુધવારે બપોરે યોજાઇ છે. સમિતિએ ૨૨મી માર્ચ સુધી ઉમેદવારની પસંદગી કરવાની છે.

પાક.સરકારે સૈન્યને ૬૮૭ અબજ રૂપિયા આપ્યા

પાકિસ્તાનની વિદાય લઇ રહેલી સરકારે વાર્ષિ‌ક સંરક્ષણ બજેટ ઉપરાંત સુરક્ષા સંબંધિત ખર્ચ માટે દેશના શક્તિશાળી સૈન્યને રૂપિયા ૬૮૭ અબજની ગ્રાન્ટ આપી હોવાનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતૃત્વવાળી સરકારે આશરે રૂપિયા ૨૦૦ અબજની વાર્ષિ‌ક ગ્રાન્ટ વર્ષો સુધી છુપાવી છે. આ વાર્ષિ‌ક ગ્રાન્ટનો બોજો દેશના કરદાતાઓ પર નાખવામાં આવશે.