નવા પ્રમુખ ઝી જિનપિંગ પછી ચીને વડાપ્રધાન તરીકે લી કેકિંયાંગની નિયુક્તિ કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે ચીનને નવા પ્રમુખ ઝી જિનપિંગ મળ્યા પછી ચીની સંસદે આજે લી કેકિયાંગને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતાં. સંસદે ફાંકડુ અંગ્રેજી બોલતાં આ બ્યુરોક્રેટને દેશનું સુકાન સોંપીને દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવાનું કામ સોંપ્યું છે. રબરસ્ટેમ્પ જેવી નેશનલ પીપલ્સ કોંગ્રેસે 57 વર્ષીય લીને વેન જીઆબાઓની જગ્યાએ નિયુક્ત કર્યા છે.

બેઇજિંગનાં ગ્રેટ હોલ ઓફ પીપલમાં 3000 ડેલિગેટ્સ ભેગા થયા હતાં. જેમાં નવી પેઢીને સુકાન સોંપવા પર સહમતી સધાઇ હતી. પાર્લામેન્ટમાંથી લીને માત્ર 3 નો-વોટ મળ્યા હતાં, જ્યારે 6 સભ્ય ગેરહાજર રહ્યા હતાં.

લીની નિયુક્તિ બાદ તેમણે ગુરુવારે જ નિમાયેલા પ્રમુખ ઝી જિનપિંગ સાથે હાથ મીલાવ્યો હતો. આ પળને વધાવી લેતા હાજર સૌએ તાળીઓ પાડી હતી. વિદાય લઇ રહેલા પ્રધાનમંત્રી વેન લી પાસે દોડી ગયા હતાં અને હાથ મીલાવીને અભિનંદન પાઠવ્યા હતાં. ઝી દેશનાં સર્વોચ્ચ નેતા હશે. જ્યારે દેશનું રોજબરોજનું કામ લી પાસે રહેશે. તેઓ કેબિનેટનાં વડા રહેશે. સરકારી નીતિઓનું પાલન કરાવવાનું તેમના હાથમાં હશે.

ચીનની નવી પેઢીનાં નેતાઓ અત્યંત સુધારાવાદી હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીન રીફોર્મ-માઇન્ડેટ અર્થશાસ્ત્રીઓ સાથે તેમનો ઘરોબો છે. પેકિંગ યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ તરીકે લીએ પ્રો-ડેમોક્રેસીનાં સમર્થક દોસ્તો બનાવ્યા હતાં. તેમનાં કેટલાક મિત્રો જૂન-1989ની ટાઇનામેન સ્ક્વેરની ઘટના પછી જેલ ભેગા પણ થયા હતાં. તેમને પશ્ચિમ વિશ્વ ચીન અને દુનિયા વિશે કેવું વિચારે છે, તેની પૂરતી સમજ છે તેવું કહેવાય છે. લી કાયદાનાં સ્નાતક છે અને ઇકોનોમિક્સમાં ડોક્ટરેટ ધરાવે છે. દેશ જ્યારે 13 વર્ષનાં સૌથી નીચા ગ્રોથ પર પહોંચ્યો છે ત્યારે તેમણે દેશનું સુકાન સંભાળ્યું છે. પર્યાવરણનું ધ્યાન રાખીને અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવાની જવાબદારી તેમના પર હશે.