\'ટૂંક\' સમયમાં હું ઇક્વાડોર એમ્બેસી છોડીશ: અસાંજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લંડનમાં ઇક્વાડોર એમ્બેસીમાંથી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ઇક્વાડોરના વિદેશ મંત્રી રિકાર્ડો પાટિનો (ડાબે) અને જુલિયન અસાંજે (જમણે))

લંડનઃ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે સ્વીડનમાં પ્રત્યાર્પણ ન કરવું પડે તે માટે છેલ્લા બે વર્ષથી લંડન સ્થિત ઇક્વાડોરની એમ્બેસીમાં રહે છે. સ્વીડનમાં અસાંજે પર બળાત્કારનો આરોપ લાગેલો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર, સોમવારે લંડનની ઇક્વાડોર એમ્બેસી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અસાંજેએ ઘોષણા કરી હતી કે, તે 'ટૂંક' સમયમાં એમ્બેસી છોડીને જશે. જો કે, સમયગાળા અંગે અસાંજેએ વધુ કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
43 વર્ષીય અસાંજેને કોઇ હીરો સમજે છે તો કોઇ વિલન. વર્ષ 2010માં ટાઇમ મેગેઝિનના પીપલ્સ ચોઇસ 'પર્સન ઓફ ધ યર' ખિતાબના વિનર જુલિયન અસાંજેને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ તો જુલિયનને હાઇટેક આતંકવાદી ગણાવ્યો હતો, દ. અમેરિકી દેશ ઇક્વાડોરનું શરણું લીધું હતું. ઇક્વાડોરે અસાંજને લંડન સ્થિત તેમની એમ્બેસીમાં શરણું આપ્યું છે. અસાંજે અહીંયા છેલ્લા બે વર્ષથી રહે છે.
ઇક્વાડોરના વિદેશ મંત્રી રિકાર્ડો પાટિનોએ કોન્ફરન્સમાં બ્રિટિશ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, જુલિયન અસાંજેના કેસનું નિરાકરણ આવે તે માટે બ્રિટનની સરકાર દ્વારા કોઇ પણ પ્રયત્ન કરવામાં આવ્યા નથી. બ્રિટિશ અખબાર ગાર્ડિયન સાથેની વાતમાં રિકાર્ડોએ જણાવ્યું હતું કે, અહીંયાની સરકાર અસાંજેને ઇક્વાડોર એમ્બેસીની બહાર ધરપકડ નહીં કરવાની બાંહેધરી આપવાનો ઇનકાર કરે છે, જેને અસાંજેના માનવ હકોનું હનન જ કહેવાય.
અસાંજે એરિથમિયા નામક જીવલેણ બીમારીથી પીડાય છેઃ ડેઇલી મેઇલ
અગાઉ ડેઇલી મેઇલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, અસાંજે એરિથમિયા નામના ગંભીર હૃદય રોગથી પીડાય છે. એરિથમિયા જીવલેણ બીમારી છે. તે સિવાય અસાંજેના ફેફસાંની અને હાઇ બ્લડ પ્રેશરની ગંભીર સમસ્યા છે. ડેઇલી મેઇલના અહેવાલ અનુસાર, સતત બે વર્ષથી એમ્બેસીની બિલ્ડિંગમાં જ રહેનારા અસાંજેના શરીરમાં વિટામિન ડી (સૂર્ય પ્રકાશમાંથી મળે)ની ગંભીર અછતને કારણે તેનું સ્વાસ્થ્ય કથળ્યું છે.
ઇક્વેડોરિયન એમ્બેસીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અંદાજે 20 જેટલા પત્રકારો ઉપસ્થિત હતા. પાટિનોએ જણાવ્યું હતું કે, જુલિયન અસાંજેને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. અસાંજેના માનવ હકોનો આદર કરવો જોઇએ.
મારા પર બ્રિટન અને સ્વીડનમાંથી કોઇ આરોપો નથી લાગ્યાઃ અસાંજે
પ્રેસ કોન્ફરન્સમાં પોતે ટૂંક જ સમયમાં એમ્બેસી છોડશે તેવી જાહેરાત કરવાની સાથે અસાંજેએ ફરીથી એ વાતનું રટણ કર્યું હતું કે, યુકે અથવા સ્વીડનમાં તેના પર કોઇ પણ પ્રકારના આરોપ નથી લગાવવામાં આવ્યા. અમેરિકાના ન્યાય વિભાગની તપાસને કારણે તેણે ઇક્વાડોરનું શરણું લીધું છે.
(તસવીર સૌજન્યઃ ટ્વિટર.કોમ)