ઇન્ટરનેશનલ ડેસ્ક: બ્રિટનના પ્રિન્સ હેરી અને અમેરિકન એક્ટ્રેસ મેગન માર્કલ શનિવારે વિન્ડસર કેસલ ખાતે પરિવારજનો અને પસંદગીના આમંત્રિતોની ઉપસ્થિતિમાં લગ્નગ્રંથિથી જોડાશે. આ પ્રસંગે અમૃતસરના આર્ટિસ્ટ જગજોત સિંઘ રુબલે શાહી યુગલનું સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. જગજોત આ પેઇન્ટિંગ પ્રિન્સ ચાર્લ્સ અને મેગનને વૅડિંગ ગિફ્ટ તરીકે મોકલવા ઇચ્છે છે.
બીજી તરફ વિન્ડસરમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. સશસ્ત્ર દળોની ઘોડેસવાર ટુકડીએ શુક્રવારે ફુલ ડ્રેસ પરેડ રિહર્સલ કર્યું હતું, જે નિહાળવા ભીડ જામી હતી. ઠેર-ઠેર શાહી પરિવારની ચાહક મહિલાઓ યુનિયન ફ્લેગ ઓઢીને અને માથે ક્રાઉન સાથે ફોટા પડાવતી પણ જોવા મળી તો વિન્ડસરની ગિફ્ટ શૉપ્સમાં શાહી લગ્નની યાદગીરીરૂપ વસ્તુઓ (મેમોરેબિલિઆ)નું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે.