તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ટન કચરાથી 26,000 રૂપિયાનું નુકસાન, 2050 સુધી દુનિયાનો કચરો 3.4 અબજ ટન પહોંચશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાભરમાં કચરાના ઢગ સતત વધી રહ્યા છે. 2016માં દુનિયાભરમાં 2 અબજ ટન કચરો પેદા થયો. એટલે કે આ ધરતી પર રહેલા દરેક માનવીએ સરેરાશ 750 ગ્રામ કચરો રોજ પેદા કર્યો છે. ભારતમાં તેનો વાર્ષિક આંકડો વ્યક્તિ દીઠ150-300 કિલો રહ્યો છે. વર્લ્ડ બેન્કના અનુસાર 2050 સુધી દુનિયામાં કુલ 3.4 અબજ ટન કચરો થઇ જશે. જ્યાં વિકસિત અર્થવ્યવસ્થાઓમાં દુનિયાના કુલ 16 ટકા લોકો રહે છે, જ્યારે તે દુનિયાના કુલ કચરાનો 34 ટકા પેદા કરે છે. આંકડાઓ અનુસાર દુનિયાભરમાં મ્યનિસિપાલિટી દ્વારા એકત્ર કરાતા નક્કર કચરાથી માત્ર 13 ટકા રિસાઇકલ થઇ શકે છે. વધતા કચરાના પ્રમાણને કારણે અમીર અને ગરીબ અને વિકાસશીલ દેશ અલગ-અલગ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અને આ સમસ્યાઓ એટલી વિકરાળ છે કે તેનું નિરાકરણ લાવવા માટે ભારે પ્રયાસ કરવા જ પડશે. 

 

* ગરીબ અને વિકાસશીલ દેશ: 
એક ટન કચરાથી 26,000 રૂપિયાનુ નુકસાન- ગરીબ દેશોમાં કચરાના નિકાલ માટે આધારભૂત માળખાની કમી છે. એક અભ્યાસ પ્રમાણે કચરાને સળગાવવા, ખાડામાં ભરવા કે પાણીમાં વહાવી દેવાને કારણે થતાં પ્રદૂષણ અને બીમારીઓને કારણે એશિયન અર્થવ્યવસ્થાઓ પ્રતિટન લગભગ 26,000 રૂપિયાખર્ચી રહી છે. કચરાનો યોગ્ય રીતે નિકાલ નહીં કરાવાને કારણે તેમજ તેમને ખાડામાં દાટી દેવાથી અથવા કો પાણીમાં વહેવડાવી દેવાથી જે પ્રદૂષણ થાય છે તેના કારણે લોકોના આરોગ્ય પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. 

- જ્યારે હકીકતમાં એક સામાન્ય ડિસ્પોઝલ સિસ્ટમ બનાવવાનો ખર્ચ માત્ર 3,500 થી 7,000 છે. ગરીબ દેશોમાં આ કચરાનું મેનેજમેન્ટ કરવું હજું પણ મોટી સમસ્યા છે. જોકે, અમીર દેશોની તુલનામાં અહીં કચરો ઓછો છે. તેથી પડકાર ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે મોટો છે. તેમાંથી ઘણી હવે કચરાના નિકાલ માટે પાણીની જેમ પૈસા ખર્ચે છે. ઘણા પ્રોજેક્ટોમાં વર્લ્ડ બેન્ક પણ સહયોગ કરી રહી છે. 

- તેના પરિણામ પણ જોવા મળી રહ્યા છે. ઓછી આવક ધરાવતા દેશોમાં કચરો એકઠો થવાના દરમાં 2012 થી 2016ની વચ્ચે 39 ટકાનો વધારો થયો છે, ભલેને કચરાનું પ્રમાણ એક તૃતિયાંશ વધ્યુ છે. ચીન જેવા દેશમાં પણ તે સરેરાશ 51 ટકા વધ્યો છે. રિસાઇકલિંગમાં પણ વિકાસશીલ દેશોની સ્થિતિ સુધરી રહી છે, જોકે હજું પણ ટેક્નોલોજીના મામલે થોડા પાછળ છે. જ્યારે ગરીબ દેશ હજું પણ કચરાના નિકાલ માટે ખુલ્લા મેદાન અને કચરાના ભરાવ ક્ષેત્રો પર આધારિત છે. 


* ચીને કચરાના રિસાઇકલિંગનો હિસાબ બગાડ્યો
અમીર દેશ: ચીને કચરાના રિસાઇકલિંગનો હિસાબ બગાડ્યો- અમીર દેશોની સમસ્યા કંઇક અલગ છે. અહીં કચરો એકઠો કરનારા વ્યવસાયિકોની કમી છે, તેથી આ દેશોમાં કચરો એકત્ર કરવો મોટી સમસ્યા છે. દાખલા તરીકે અમેરિકામાં સામાન્જ જનતા કચરાની છટણીમાં નબળી છે. એટલે કે તેઓ રિસાઇકલ કરવા લાયક અને અન્ય કચરાને અલગ નથી કરતા. અમીર દેશના નાગરિક તેમને અપાતી સેવાઓની કદર નથી કરતા, તે કારણે કચરો એકઠો કરનારા લોકો છાશવારે હડતાલ પર ઉતરી જાય છે. 

- કેટલાક ઔદ્યોગિક રાષ્ટ્રોમાં રહેવાસીઓ પાસેથી કચરાના હિસાબે પૈસા લેવાય છે. કચરાની તારવણીની ટેવ નાખવા માટે પણ પગલા ભરાઇ રહ્યા છે. અમીર દેશ માટે પણ ચીન સમસ્યા બનેલું છે. કારણ કે દુનિયાભરના પ્લાસ્ટિક અને પેપરના કચરાને રિસાઇકલ કરવાનું ઠેકાણું રહેલા ચીને 2018ની શરૂઆતથી અહી કચરો લેવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલા ચીને પાછલા 25 વર્ષમાં દુનિયાભરનો 10.6 કરોડ ટન કચરો રિસાઇકલ કર્યો હતો. જ્યારે અમીર દેશો પાસે રિસાઇકલ અર્થવ્યવસ્થા અપનાવવા સિવાય કોઇ રસ્તો બચ્યો નથી. એટલે કે હવે દરેક વસ્તુનો તેમણે રિયૂઝ કરવો પડશે કે રિસાઇકલ કરવો પડશે. સાથે જ કચરાના પ્રમાણને ઘટાડવાની દિશામાં કામ કરવું પડશે. 


* વર્લ્ડ બેન્ક અનુસાર 30 વર્ષમાં દુનિયામાં કચરામાં ભારે વધારો થશે. તેની માત્ર આરોગ્ય પર જ ખરાબ અસર નહીં પડે, બલકે અર્થવ્યવસ્થા પણ તેનાથી અસર પામશે. 
* કચરાના નિકાલ મુદ્દે અમીર, ગરીબ, વિકાસશીલ દેશ અલગ-અલગ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગરીબ અને વિકાસશીલ દેશોને કચરાને કારણે નુકસાન થઇ રહ્યું છે. સમસ્યાઓ ભલે અલગ હોય, પણ સમાધાન એક જ છે - 'રિડ્યૂસ, રિયૂઝ એન્ડ રિસાઇકલ 
* 2030 સુધીમાં વિશ્વમાં આટલો કચરો પેદા થશે 
ક્ષેત્ર - પ્રમાણ 
નો. અમેરિકા 34.2 
મધ્યપૂર્વ અને ઉ. અમેરિકા 17.7 
લેટિન અમેરિકા, કેરેબિયન 29.0 
સબ સહારન આફ્રીકા 26.9 
યુરોપ-એશિયા 44.0 
દક્ષિણ એશિયા 46.6 
પૂ.એશિયા-પેસિફિક 60.2 
(આંકડા કરોડ ટનમાં) સ્રોત- વર્લ્ડ બેન્ક