ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પત્રકારો જીવનું જોખમ અનુભવી રહ્યાં છે. 'વોશિંગ્ટન પોસ્ટ'ના એક રિપોર્ટમાં આ અંગે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. અમેરિકન અખબારે જણાવ્યું છે કે પાકિસ્તાની પત્રકાર હામિદ મીર દેશમાં ડરી-ડરીને જીવી રહ્યાં છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે હામિદ મીર દેશમાં ગમે ત્યાં જાય, ક્યારેય પણ પોતાનું લોકેશન જાહેર નથી કરતા. તેઓ ક્યાં રહેવાના છે એ અંગે કોઈને પણ માહિતી હોતી નથી. એટલું જ નહીં, તેઓ ઓફિસમાં પર પડદાં પાછળ જ રહે છે. જોકે, આટલી સાવધાની છતાં પણ તેઓ ભય અનુભવી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, 49 વર્ષના હામિદ બે સેલફોનનો ઉપયોગ કરે છે. તેમને કેવો ભય હશે એ વાતનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય કે તેમના મિત્રોને પણ તેઓ પોતાનું લોકેશન નથી બતાવતા. તે પોતાના અલગ અલગ સમયે પોતાના ત્રણ ઘરોમાં રહે છે.
સૌથી વધુ ડર ક્યારે લાગે?
બે બાળકોના પિત હામિદ જ્યારે જીયો ટીવી પર પોતાના કાર્યક્રમ 'કેપિટલ ટોક' માટે સ્ટુડિયો માટે રવાના થાય ત્યારે બૂલેટ પ્રુફ કારમાં જ બેસે છે. આ સમય દરમિયાન તેમની નજર ટ્રાફિક અને પોતાની કારની આસપાસ ઉભેલા વાહનો પર જ મંડાયેલી હોય છે. કારમાં તે કોઈનો પણ ફોન નથી ઉઠાવતા.
ડર પાછળ આ પણ એક કારણ
19 એપ્રિલ, 2014માં થયેલા એક હુમલામાં હામિદ મીર મરતા મરાત બચ્યા હતાં. તે કરાચી એરપોર્ટથી જ્યારે પોતાની ઓફિસ જઈ રહ્યાં હતાં, ત્યારે જ ચાર બાઈક સવાર હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કરી દીધું હતું. પાકિસ્તાની તાલિબાની સંગઠન તહરિક-એ-તાલિબાને હુમલાની જવાબદારી સ્વિકારી હતી. હામીદના સેક્યુલર એજેન્ડા અને તાલિબાની વિરોધી વલણને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન 'ખતરનાક દેશ'
એક બિન સરકારી સંગઠન 'કમિટી ટુ પ્રોટેક્ટ જર્નલિસ્ટ'ના રિપોર્ટમાં પત્રકારો માટે પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ જાહેર કરવામાં આવ્યો છે. એક NGOએ ટોપ 10 ડેડલિએસ્ટ કન્ટ્રીઝ ફોર જર્નલિસ્ટની લિસ્ટમાં પાકિસ્તાનને 7માં નંબરે સૌથી ખતરનાક દેશ ગણાવ્યો હતો. NGOના રિપોર્ટ અનુસાર 1992થી લઈને અત્યાર સુધી પાકિસ્તાનમાં 56 પત્રકારોને મારી નાખવામાં આવ્યા છે. જ્યારે 147 પત્રકારોની હત્યા સાથે ઈરાક સૌથી ટોચ પર છે. બાદમાં સીરિયા, ફિલિપાઈન્સ, અલ્જીરિયા, સોમાલિયા અને રશિયા જેવા દેશોના નામ આવે છે.