પાકિસ્તાનના PM શરીફ પનામા કેસમાં દોષિત, પીએમ પદ પરથી બર્ખાસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસ્લામાબાદઃ પનામા ગેટ કૌભાંડમા ફસાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દોષી જાહેર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર મામલે નવાઝ શરીફને દોષિત જાહેર થયાં છે. આ સાથે જ નવાઝ શરીફને પીએમ પદ પરથી હટાવવામાં આવ્યાં છે. નવાઝ શરીફ સામે કાળું ધન જમા કરવાના પણ આરોપ હતા. તો પાકિસ્તાનના નાણા પ્રધાન ઈશાક ડારને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે.  મળતી માહિતી મુજબ નવાઝ શરીફને પાકિસ્તાનના પીએમથી હટાવાતાં તેમનો નાનો ભાઈ શાહબાઝ શરીફ પીએમ બનશે. જો કે તેઓએ ચૂંટણીનો સામનો કરવો પડશે. એટલે કે જયાં સુધી તેઓ પીએમ પદ માટે યોગ્ય નહીં થાય ત્યાં સુધી એટલે કે 45 દિવસ સુધી પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ અંતરિમ પીએમ તરીકે કાર્યભાર સંભાળશે. 
 
નવાઝ શરીફ દોષી
 
- પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે નવાઝ શરીફ વિરૂદ્ધ ચૂકાદો આપ્યો છે. આ કેસનો ચૂકાદો સંયુક્ત તપાસ સમિતિના રિપોર્ટના આધારે આપ્યો છે.
- પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે NABને આદેશ આપ્યાં છે કે બે સપ્તાહની અંદર શરીફ અને તેના પરિવાર વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે.
- સુપ્રીમ કોર્ટે નવાઝને પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવાના આદેશ આપ્યાં છે.
- નવાઝ શરીફ અને તેના પરિવાર વિરૂદ્ધ વિદેશમાં સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે.
- આ કેસને લઈને JITએ 10 જુલાઈનાં રોજ સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શરીફ અને તેના પરિવારની રહેણીકરણી તેમની આવકની ઘણી જ વધારે છે.
- રિપોર્ટમાં તેમના વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો નવો કેસ દાખલ કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.
 
નવાઝના સ્થાને શાહબાઝ
 
- પનામા ગેટ કૌભાંડમાં દોષી જાહેર થતાં નવાઝ શરીફને ખુરશી છોડવી પડશે, ત્યારે આશા છે કે તેના નાના ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ પર તાજપોશી નક્કી છે.
- શાહબાઝ પાકિસ્તાની સંસદના નીચલા ગૃહના નેશનલ એસેમ્બલીના સભ્ય નથી, પરિણામે તાત્કાલિક તેઓ તેમનું સ્થાન નહીં લઈ શકે.
-શાહબાઝે પહેલાં ચૂંટણી લડવી પડશે અને તેમાં જો જીત હાંસલ કરશે તો જ તેઓ નવાઝનું સ્થાન લઈ શકશે.
- પાકિસ્તાની ચેનલના જણાવ્યા મુજબ શાહબાઝ જયાં સુધી પેટા ચૂંટણીમાં જીત હાંસલ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફને 45 દિવસ સુધી અંતરિમ વડાપ્રધાન પદે કાર્યભાળ સંભાળે તેવી સંભાવના છે.
- આ નિર્ણય સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવશે.
 
કેસના 10 મહત્વના મુદ્દા
 
1. સુપ્રીમે શરીફને PM પદ માટે અયોગ્ય ઠેરવ્યા છે. 2012માં પાક. સુપ્રીમ કોર્ટે તે સમયના પીએમ યુસુફ રઝા ગિલાનીને કોર્ટનું અપમાન કરવા બદલ અયોગ્ય ઠેરવ્યા હતા.
 
2. પીએમ પદ માટે અયોગ્ય જાહેર કરાયા બાદ પણ શરીફની પાર્ટી સત્તામાં રહેશે, પણ દેશની આતંરિક સ્થિતિ ડામાડોળ થશે. પાકિસ્તાનમાં સૈન્ય પણ સત્તા આંચકી શકે છે. કોર્ટના વિપરીત ચૂકાદાને કારણે પાકિસ્તાનમાં ફરજિયાત પણે આવતા વર્ષે જનરલ ઇલેક્શન યોજવાની સ્થિતિ આવી શકે છે.
 
3. સમગ્ર કોન્ટ્રોવર્સી ગત વર્ષે પનામા પેપર્સ લીક થવાને કારણે ધ્યાનમાં આવી હતી. પનામાની લૉ ફર્મ મોસાક ફોન્સેકાના 1 કરોડથી વધુ ડોક્યુમેન્ટ્સ લીક થયા હતા. આ ડોક્યુમેન્ટ્સમાં વિશ્વના કેટલાંય રિચ અને પાવરફુલ લોકોના નામ હતા.
 
4. પનામા પેપર્સમાં શરીફના બે દીકરાઓ અને દીકરી મરિયમનું નામ સામેલ હતું. મરિયમને નવાઝ શરીફની રાજકીય વારસદાર ગણવામાં આવે છે.
 
5. શરીફ પરિવારે વિદેશી ઓફશોર કંપનીઓ થકી લંડનમાં મોંઘી પ્રોપર્ટી ખરીદી હોવાનો આરોપ પનામા પેપર્સ થકી લગાવવામાં આવ્યો છે.
 
6. શરીફ ત્રીજી વખત પાક. પીએમ બન્યા છે. અગાઉ બે વખત પાવરફુલ મિલિટરીએ તેમને સત્તા પરથી ઉથલાવ્યા હતા.
 
7. શરીફની પાર્ટી PML-N અનુસાર, શરીફ પરિવારના પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં જે બિઝનેસ છે તેના થકી પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી.
 
8. ક્રિકેટર ટર્ન્ડ પોલિટિશયન ઇમરાન ખાને એવી રજૂઆત કરી હતી કે, પેપરમાં જે ફંડની વાત કરવામાં આવી છે તે અસ્તિત્વમાં જ નથી, અર્થાત્ હવે શરીફે જ સાબિત કરવું પડે કે તેના કોઇ પણ પરિચિત મની લોન્ડરિંગમાં સંકળાયેલા નથી.
 
9. વર્ષ 2014માં ઇમરાન ખાને મહિનાઓ સુધી ઇસ્લામાબાદમાં શરીફ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજ્યા હતા.
 
10. શરીફ અને મોદી વચ્ચેના સંબંધો સારા હતા, પરંતુ પાકિસ્તાની આતંકીઓ દ્વારા ભારતીય મિલિટરી બેઝ પર કરેલા હુમલા પછી બંને નેતાઓ વચ્ચેના સંબંધો વણસ્યા છે. ભારત દ્વારા પાકિસ્તાન પર કાશ્મીરમાં રોજ શાંતિ ડહોળવાનો તથા આર્મી વિરુદ્ધ હિંસક પ્રદર્શન યોજવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. 
 
નવાઝ શરીફ સામે શું છે મામલો જાણવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો... 
અન્ય સમાચારો પણ છે...