તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pakistani Military Takes International Media, Foreign Diplomats On Tour Of Balakot Seminary

ભારતમાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ પાકિસ્તાનની ચાલ, ઇન્ટરનેશનલ મીડિયાને બાલાકોટ મદરેસાની મુલાકાત કરાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્રકારોએ જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો તેઓને 'ઉતાવળ રાખો, વધુ લાંબી વાતો ના કરો' તેવું કહેવામાં આવ્યું. (ફાઇલ) - Divya Bhaskar
પત્રકારોએ જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો તેઓને 'ઉતાવળ રાખો, વધુ લાંબી વાતો ના કરો' તેવું કહેવામાં આવ્યું. (ફાઇલ)
ઇસ્લામાબાદઃ બાલાકોટ એરસ્ટ્રાઇકના 43 દિવસ બાદ પાકિસ્તાની સૈન્યએ આતંરરાષ્ટ્રીય મીડિયાકર્મીઓએ એક સમૂહ અને વિદેશી રાજનાયિકોને મદરેસાની આસપાસના વિસ્તારની મુલાકાતે લઇ ગયા હતા. ભારતે અહીં જ જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટાં આતંકી ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. જો કે, એરસ્ટ્રાઇક બાદ ઘણાં દિવસો સુધી અહીં પત્રકારોને આવવા પર પ્રતિબંધ હતો. સાથે જ સ્થાનિક લોકોની આસપાસ અવર-જવરની પણ મનાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ બાલાકોટ વિસ્તારની આ મુલાકાત પાકિસ્તાને ભારતમાં લોકસભા ચૂંટણીની પૂર્વસંધ્યાએ કરી હતી. 

હવે 43 દિવસ બાદ પત્રકારો અને ડિપ્લોમેટ્સની ટીમ બાલાકોટના મદરેસા પહોંચી. મીડિયા અનુસાર, ટીમને એક હેલિકોપ્ટરમાં ઇસ્લામાબાદથી બાલાકોટ લઇ જવામાં આવ્યા. વૃક્ષોથી ઘેરાયેલા આ મદરેસા સુધી પહોંચવા માટે અંદાજિત દોઢ કલાક સુધી ચાલતા જવું પડ્યું હતું. 

મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે આ ગ્રુપ મદરેસાની અંદર પહોંચ્યું તો ત્યાં 12-13 વર્ષના અંદાજિત 150 બાળકો હતા અને તેઓ કુરાનનો અભ્યાસ કરી રહ્યા હતા. ટીમની આ મુલાકાત અંદાજિત 20 મિનિટ સુધી ચાલી અને તેઓને તસવીરો લેવાની મંજૂરી આપવામાં આવી. આ દરમિયાન પત્રકારોએ કેટલાંક શિક્ષકો સાથે પણ વાત કરી. આ દરમિયાન પત્રકારોએ જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો તેઓને 'ઉતાવળ રાખો, વધુ લાંબી વાતો ના કરો' તેવું કહેવામાં આવ્યું. 

પાકિસ્તાનની સેના અનુસાર, પત્રકારોની ટીમે ચઢાણ કરતી વખતે પહાડના ઢાળ પર એક મોટો ખાડો પણ જોયો, જ્યાં ભારતીય વિમાનોએ વિસ્ફોટકો ફેંક્યા હતા. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું કે, આ જૂનું મદરેસા છે અને હંમેશાથી આવું જ હતું. 43 દિવસ બાદ પત્રકારોને લાવવાના સવાલ પર ગફૂરે કહ્યું કે, અસ્થિર સ્થિતિના કારણે લોકોને અહીં લાવવા મુશ્કેલ હતા. હવે અમને લાગ્યું કે, મીડિયા ટૂરના આયોજન માટે આ યોગ્ય સમય છે.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કૉનવોય પર આતંકી હુમલો થયો હતો. જેમાં ભારતના 44 જવાન શહીદ થયા હતા. આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદના આતંકી સંગઠને લીધી હતી. 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતનો દાવો છે કે, આ એરસ્ટ્રાઇકમાં મોટી સંખ્યામાં આતંકીઓના મોત થયા છે. 

જો કે, તે સમયથી જ પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે, આ હુમલામાં અમુક વૃક્ષોને નુકસાન પહોંચ્યા ઉપરાંત એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કોઇનું મોત નથી થયું. એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને કહ્યું હતું કે, તે પત્રકારોની ટીમને ઘટનાસ્થળે લઇ જશે. હવે 43 દિવસ બાદ પાકિસ્તાની સેના આતંરરાષ્ટ્રીય મીડિયાકર્મીઓની ટીમ લઇને બાલાકોટના મદરેસા પહોંચી.