હિંસા વિરુદ્ધ અહિંસા / જૈન સાધ્વી બનનારી પ્રથમ અમેરિકી મહિલાની કથા, યુદ્ધમાં વિતાવેલા 16 મહિનાથી અહિંસાનું મહત્ત્વ સમજી લીધું

Divyabhaskar.com | Updated - Apr 17, 2019, 10:50 AM
વર્ષ 2005માં ઇરાકમાં ડ્યુટી દરમિયાન ટેમીના ખભા પર ગન રહેતી હતી.
વર્ષ 2005માં ઇરાકમાં ડ્યુટી દરમિયાન ટેમીના ખભા પર ગન રહેતી હતી.

  • ઇરાક યુદ્ધમાં હિંસા જોઇને અમેરિકાની ટેમી સૈન્ય નર્સમાંથી જૈન સાધ્વી બની
  • હવે દુનિયાભરમાં માનવ તસ્કરી રોકવા કામ કરી રહી છે


ટેમી હર્બેસ્ટર, જૈન સાધ્વી: ટેમી હર્બેસ્ટર જૈન સાધ્વી બનનારાં પ્રથમ અમેરિકી મહિલા છે. તેમનો જન્મ કેથોલિક પરિવારમાં થયો હતો. 2008માં આચાર્ય શ્રી યોગીશ પાસેથી દીક્ષા લીધા બાદ તેઓ સાધ્વી સિદ્ધાલી શ્રી બની ગયાં. માનવ તસ્કરી રોકવી તેમના જીવનનાં સૌથી મોટાં લક્ષ્યો પૈકી એક છે. તેઓ તસ્કરો પાસેથી છોડાવેલા લોકોને પાછા સમાજમાં લાવવા કામ કરી રહ્યાં છે. તે માટે તેઓ અમેરિકી પોલીસને પણ ટ્રેનિંગ આપી રહ્યાં છે. સાધ્વી બનવાની કથની તેમના જ શબ્દોમાં વાંચો...

વાત 2005ની છે. હું અમેરિકી સૈન્યમાં નર્સ તરીકે ઇરાકમાં કામ કરી રહી હતી. મારું કામ ઘવાયેલા અમેરિકી સૈનિકોની સારવાર કરવાનું હતું. મેં ઘણા સૈનિકોને તેમનાં અંગો ગુમાવતા અને મરતા જોયા. એક દિવસ મારી બટાલિયન કાફલા સાથે શિબિરમાં પરત ફરી રહી હતી. અચાનક રસ્તાની સાઇડ પર વિસ્ફોટ થયો. બધા લોહીલુહાણ થઇ ગયા. એક સૈનિકે જીવ ગુમાવ્યો. હું કાફલામાં નહોતી. હોત તો તેને બચાવવાનો પૂરો પ્રયાસ કરત.

તે સૈનિકની અંતિમવિધિમાં મારા સાથી સૈનિકો સાથે ઊભી રહેલી હું પીડાની પરાકાષ્ઠા પર હતી. તે દિવસે મારો એક નવા સત્યનો સામનો થયો. અહિંસાનું મહત્ત્વ સમજાયું હતું. મેં અનુભવ્યું હતું કે હિંસા ખૂબ પાશવી અને કઠોર છે. તે મારા મનને પણ નિષ્ઠુર બનાવી રહી છે. મને લાગ્યું કે હિંસા અને મોતનું આટલું સામાન્ય થઇ જવું માનવતાની સૌથી મોટી બીમારી છે. ઇરાકમાં મેં નિર્દોષ બાળકો, મહિલાઓ, યુવકો અને વૃદ્ધોની લાશો વચ્ચે જીવતી લાશોને ભોજન શોધતી જોઇ.

તે સંજોગોએ બાળપણથી મનમાં ઊઠી રહેલા અમુક સવાલોની બેચેની વધારી દીધી હતી. દાખલા તરીકે, હું કોણ છું? ભગવાન કોણ છે? સત્ય શું છે? મારી માતાનું મોત આટલું વહેલું કેમ થઇ ગયું? મારા પિતા સાથે મારે કેમ બનતું નથી? આ સવાલોના જવાબ મેળવવા હું બાળપણમાં ચર્ચમાં સેવિકા બની હતી પણ સિનિયર સ્કૂલમાં આવતાં-આવતાં મને એવું લાગવા માંડ્યું હતું કે આ રીતે તો જવાબ નહીં મળે. મેં ચર્ચમાં જવાનું બંધ કરી દીધું અને ઘણા આધ્યાત્મિક લોકોને મળી.

એક મિત્રએ આચાર્ય શ્રી યોગીશ સાથે મુલાકાત કરાવી. તેમને મળી તેને ચાર મહિના થયા હતા ત્યાં મારે ઇરાક યુદ્ધમાં નર્સ તરીકે જવું પડ્યું. ઇરાકમાં 16 મહિનાની ડ્યુટી પૂરી કરીને હું અમેરિકા પરત ફરી ત્યારે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં બેચલર ઇન કમ્યુનિકેશન કોર્સમાં એડમિશન લઇ લીધું. સાથે જ વિચાર, આચરણ અને વાણીમાં મેં અહિંસાનો અભ્યાસ શરૂ કર્યો.

શાકાહાર અપનાવી લીધો. 24 વર્ષની ઉંમરે દીક્ષા લઇ લીધી. આચાર્ય શ્રી યોગીશ પાસેથી મને સાધ્વી સિદ્ધાલી શ્રી નામ મળ્યું. હાલ અમે અહિંસા અને માનવ તસ્કરી જેવા વિષયો પર ડોક્યુમેન્ટ્રી પણ બનાવી રહ્યા છીએ. આજે અમે કદાચ એવા પહેલા જૈન ભિક્ષુ છીએ કે જે માનવ તસ્કરી રોકવાની દિશામાં કામ કરી રહ્યા છે.


અહિંસા પર આગળ વધવાના અનેક માર્ગ - પુસ્તક, પિયાનો અને કેમેરા


જ્યારે પહેલી વખત હું આચાર્ય શ્રી યોગીશને મળી તો તેમની સામે એક છાત્રની જેમ બેઠી હતી. મેં તેમને કહ્યું કે મને નથી ખબર કે હું અહીં કેમ આવી છું, પરંતુ કદાચ નિયતિને એ જ મંજૂર હતું. આચાર્ય શ્રીએ મને કહ્યું કે જ્યારે વિદ્યાર્થી તૈયાર હોય છે તો ગુરુ પોતે તેની સામે આવી જાય છે. આજે જ્યારે હું તે અંગે વિચારું છું તો મને થાય છે કે કદાચ હું તેમને પૂછવા માટે પ્રશ્નો પહેલાથી તૈયાર કરી શકી હોત. મને યાદ છે કે મેં પૂછ્યું હતું કે શું આ જીવનમાં મને મોક્ષ મળી શકશે? શું હું પોતાને જાણી શકીશ? શું હું બીજાને કંઈક શીખવાડી શકીશ? તેમણે કહ્યું હતું - બીજાને શીખવતા પહેલાં પોતે શીખવું જરૂરી છે. છતાં જે દિવસે મારી દીક્ષા થઈ તે દિવસે ભારતીય પરંપરાથી મને તૈયાર કરાઈ. હાથમાં મેંદી મૂકવામાં આવી, ચૂંદડી પહેરાવાઈ. આચાર્ય શ્રી યોગીશે મને સિદ્ધાલી શ્રી નામ આપ્યું. તેમણે આ નામનો અર્થ જણાવ્યો - એ જે આઝાદ આત્માઓમાં સૌથી પ્રકાશમાન હોય. તેમણે કહ્યું ઈતિહાસમાં ક્યારેય કોઈને આ નામ અપાયું નથી. મેં આ નામ વિશેષરૂપે ટેમી માટે પસંદ કર્યું છે. દીક્ષાના દિવસે મેં જાણ્યું કે બધા લોકો દુનિયાને બદલવા માગે છે, પરંતુ કોઈ પોતાને બદલવા નથી માગતું. મારી નજરમાં દીક્ષાનો અર્થ છે - આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવાની પ્રતિજ્ઞા.


ઈરાકમાં 21 વર્ષની વયે મેં યુદ્ધ અને હિંસાનું ભયાનક રૂપ જોયું હતું. એક વખત મેં ત્યાંથી આચાર્ય શ્રી યોગીશને ફોન કર્યો. મેં તેમને પૂછ્યું દીક્ષા કેવી રીતે લેવાય? શું હું સાધ્વી બની શકું છું? તેમણે કહ્યું હતું કે સૈન્યમાં તમારું જીવન કઠોર હોય છે તે જ રીતે સંતનું જીવન પણ કઠોર હોય છે. અહીં પણ આકરી શિસ્તને સ્વેચ્છાએ અપનાવવાની હોય છે. અહીં પણ જીવન એક અલગ પ્રવાહમાં વહે છે. મને લાગવા લાગ્યું કે જીવનનો ઉદ્દેશ્ય મળી ગયો છે. હું જીવનની નવી શરૂઆત કરવા માગતી હતી અને સૈન્યની પોતાની ડ્યુટી ખતમ થવાની રાહ જોવા લાગી હતી. મેં જાણ્યું કે હિંસાને માત્ર એ જ લોકો પ્રોત્સાહન આપી શકે છે જે હિંસાનાં પરિણામો જાણતા નથી. જ્યારે મેં જૈન ધર્મના દશવૈકાલિક જેવા ગ્રંથો વાંચવાનું શરૂ કર્યું તો અનુભવ્યું કે હવે તર્ક મારા કાબૂમાં આવવા લાગ્યા છે. મને પ્રશ્નોના જવાબ જાતે જ મળવા લાગ્યા છે. જૈન ધર્મના ગ્રંથો વાંચતા મેં જાણ્યું કે ઈશ્વરનું અલગથી કોઈ અસ્તિત્વ જ નથી. તે આપણી અંદર જ છે.


મને જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરની શિષ્યા ચાંદનાએ ઘણી પ્રભાવિત કરી. હજારો વર્ષ પહેલાં તેમણે રાજાઓનાં વેશ્યાલયોમાં જઈને સેક્સ વર્કર્સને મુક્ત કરાવી હતી. ચાંદનાએ આ મહિલાઓને અનુભવ કરાવ્યો કે તમારું અસ્તિત્વ તમારા શરીર સુધી મર્યાદિત નથી. પછી આ સેક્સ વર્કર્સે જૈન ધર્મ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન મહાવીરે આવી અંદાજે 30 હજાર પીડિતાઓને પોતાના શરણમાં લઈને મુખ્ય પ્રવાહમાં લાવવાનું પવિત્ર કામ કર્યું હતું. આજે પણ સમગ્ર દુનિયામાં 3 કરોડથી વધુ સેક્સ વર્કર્સ દાસીઓ જેવું જીવન જીવી રહી છે. તેથી અમારો આશ્રમ સિદ્ધાયતન માનવ તસ્કરી વિરુદ્ધ કામ કરી રહ્યો છે. અમે આ વિષય પર 'સ્ટોપિંગ ટ્રાફિક' નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. આ માનવ તસ્કરી રોકવામાં ભૂમિકા ભજવનારા લોકોની કહાની છે. અમે ટ્રાફિકિંગ રોકવા માટે પોલીસને તાલીમ આપી રહ્યા છીએ.જૈન ધર્મના સિદ્ધાંતોના માધ્યમથી તેમને મુખ્ય પ્રવાહમાં આવવા માટે પ્રેરિત કરીએ છીએ. અમે દરેક એવા મનુષ્યનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા. આઘાતમાંથી બહાર આવવા યોગની પણ તાલીમ આપે છે. અહિંસા જ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. અહિંસાનો સિદ્ધાંત ખુશી મેળવવાની સર્વશ્રેષ્ઠ રીત છે.હવે જ્યારે લોકો વચ્ચે હું અહિંસા અંગે વાત કરું છું તો જણાય છે કે અહીં અમેરિકામાં અનેક લોકોને અહિંસા અંગે માહિતી જ નથી. હું તેમને મારી કહાની સંભળાવું છું અને જણાવું છું કે સંતુલિત, સાર્થક અને સાચા અર્થમાં સફળ જીવનનો સૌથી સારો માર્ગ અહિંસાનો છે. અનેક લોકો મારી પાસે એ જાણવા માટે આવે છે કે હું શું કરું છું અને તે કેવી રીતે અહિંસાના આ માર્ગને શીખી શકે છે.

સિદ્ધાલી શ્રીએ '31 ડેઝ ટુ અ ચેન્જેડ યુ' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે વ્યક્તિત્વ પરિવર્તનની વ્યવહારુ રીતો જણાવી છે. 2013માં તેમણે પોતાનું પહેલું પિયાનો આલબમ 'સોન્ગ ઓફ અ સાધ્વી' રજૂ કર્યું હતું. તેમાં તેમણે પિયાનો વગાડ્યો છે. તેમણે 'સ્ટોપિંગ ટ્રાફિક' નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે. આ ફિલ્મ તેમણે પોતે જ શૂટ કરી છે.

X
વર્ષ 2005માં ઇરાકમાં ડ્યુટી દરમિયાન ટેમીના ખભા પર ગન રહેતી હતી.વર્ષ 2005માં ઇરાકમાં ડ્યુટી દરમિયાન ટેમીના ખભા પર ગન રહેતી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App