સુરક્ષા / ચીને નવી રડાર સિસ્ટમ વિકસાવી, આખા ભારત પર નજર રાખી શકશે

China can develop new radar system, keep track of whole India

  • દુશ્મનની મિસાઇલો અંગે ખૂબ વહેલા એલર્ટ કરશે, વિકસિત કરનારા વિજ્ઞાની પ્રમુખ જિનપિંગ દ્વારા પુરસ્કારથી સન્માનિત

 

DivyaBhaskar.com

Jan 10, 2019, 01:02 AM IST

બેઇજિંગ: ચીને કોમ્પેક્ટ સાઇઝની એક એવી આધુનિક દરિયાઇ રડાર સિસ્ટમ વિકસાવી છે કે જે સમગ્ર ભારત પર સતત નજર રાખી શકે છે. બુધવારે મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો કે ચીને ઘરઆંગણે વિકસાવેલી આ રડાર સિસ્ટમ દ્વારા ચીનનું નૌકાદળ દેશના દરિયાઇ ભાગો પર સંપૂર્ણપણે નજર રાખી શકશે. સાથે જ આ સિસ્ટમ દુશ્મનોનાં જહાજો, વિમાનો અને મિસાઇલોથી આવનારા ખતરા અંગે સૈન્યને હાલની ટેક્નોલોજીની તુલનાએ ખૂબ વહેલા એલર્ટ કરી દેશે.

હોંગકોંગસ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે ચીનના આ ઓવર-ધ-હોરાઇઝન (OTH) રડાર પ્રોગ્રામમાં સામેલ વિજ્ઞાનીઓને ટાંકીને આ માહિતી આપી. તેના અહેવાલ મુજબ ચીનની રડાર ટેક્નોલોજી અપગ્રેડ કરવાનું શ્રેય ચાઇનીઝ એકેડમી ઑફ સાયન્સીસના શિક્ષણવિદ લિયૂ યોંગતાનને અપાય છે. ચાઇનીઝ એકેડમી ઑફ એન્જિનિયરિંગનું પણ તેમાં મહત્વનું યોગદાન છે. આ આધુનિક રડારની સૌથી મોટી ખાસિયત એ છે કે ચીનના નૌકાદળના વિમાનવાહક કાફલામાં તૈનાતી બાદ તે કોઇ એક હિસ્સાની નહીં પણ આખા ભારત જેટલા વિસ્તાર પર સતત દેખરેખ રાખી શકે છે.

રડાર વિકસિત કરવા બદલ યોંગતાન તથા અન્ય એક સૈન્ય વિજ્ઞાની કિયાન ક્વિહૂનું ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે વિજ્ઞાનક્ષેત્રે અપાતા દેશના સૌથી મોટા પુરસ્કારથી સન્માન કર્યું છે. યોંગતાને ચીનમાં અન્ડરગ્રાઉન્ડ ન્યુક્લિયર શેલ્ટર ફેસિલિટીઝ તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નોંધનીય છે કે ચીનનું સંરક્ષણ બજેટ હવે વધીને 175 અબજ ડોલરનું થઇ ચૂક્યું છે અને તેનું સૈન્ય સંરક્ષણ ઉપકરણો પર ધ્યાન આપી રહ્યું છે. ચીનની નજર અમેરિકા તરફથી મળતા પડકારો પર છે.

X
China can develop new radar system, keep track of whole India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી