(Photo: એક પત્રકારે ટ્વીટ કરેલ મસ્જિદની તસવીર)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરબના અધિકારીઓ અનુસાર પૂર્વીય પ્રાંત દમ્મમમાં એક શિયા મસ્જિદની બહાર થયેલા આત્મઘાતી બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. દમ્મમ પૂર્વ રાજ્યની રાજધાની છે. સાઉદી અરબની મોટાભાગની શિયા વસ્તી આ વિસ્તારમાં વસે છે.
એક સપ્તાહ અગાઉ પણ શુક્રવારે જ એક શિયા મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. સાઉદી અરબના પડોશી દેશ યમનમાં શિયા વિદ્રોહીઓ વિરુદ્ધ હવાઇ હુમલા શરૂ કર્યા પછી શિયા-સુન્ની વચ્ચે તણાવ વધી ગયો છે.