બરફના તોફાનને હંફાવી ગુજરાતી મહિલાએ ઉત્તર ધ્રુવ પર માઇનસ 15 ડિગ્રીમાં લહેરાવ્યો તિરંગો, પડકારજનક મુસાફરીમાં 2 બાળકો પણ હતા સાથે

divyabhaskar.com

Dec 04, 2018, 02:43 PM IST
Bharulata Patel-Kamble; the first woman in the world to drive solo through the Arctic Circle

મુંબઇ: ગુજરાતી મહિલા ભારુલતા પટેલને ડ્રાઇવિંગનું ઝનૂન તો પહેલેથી હતું પણ આ વખતે તે ચોક્કસ ઉદ્દેશ સાથે 21 ઓક્ટોબરે ડ્રાઇવ પર નીકળી. ઉદ્દેશ હતો- ઉત્તર ધ્રુવ પર તિરંગો લહેરાવવો. તે પણ બે બાળકો સાથે. 10 વર્ષનો આરુષ અને 13 વર્ષનો પ્રિયમ. આ સિદ્ધિ મેળવનારી ભારુલતા પ્રથમ ભારતીય મહિલા બની ગઇ છે. તેમણે 10 હજાર કિ.મી.નો પ્રવાસ બ્રિટનના લ્યૂટનથી શરૂ કર્યો. 14 દેશોમાં થઇને ત્રણેય ઉત્તર ધ્રુવ પહોંચ્યા. બરફના તોફાનમાં પણ ફસાયા. ચાર કલાક બાદ રેસ્ક્યૂ કરાયા. છતાં પ્રવાસ આગળ ધપાવ્યો અને ઉત્તર ધ્રુવ પર તિરંગો લહેરાવીને જ પાછા ફર્યા.

કેન્સરના કારણે ડિપ્રેશનમાં હતી, પુત્રોએ કહ્યું કે લાંબી મુસાફરી કરવી છે, ત્યારે જ ઉત્તર ધ્રુવ જવાનું વિચાર્યું

ભારુલતાએ કહ્યું- આર્કટિક સર્કલની સફર ખેડવાનો વિચાર મને મારા બાળકો દ્વારા આવ્યો. મને બ્રેસ્ટ કેન્સર છે, જેના કારણે હું ડિપ્રેશનમાં હતી. ત્યારે બાળકોએ મને કહ્યું કે મમ્મી, તમને ડ્રાઇવિંગ ગમે છે તો આપણે લાંબી મુસાફરી પર જઇએ અને સાન્તા ક્લોસને કહીએ કે તમારું કેન્સર કાયમ માટે મટાડી દે. બાળકોની આ માસૂમિયતથી ભરેલી વાત મારા હૃદયને સ્પર્શી ગઇ. પછી મેં આર્કટિક સર્કલની સફર ખેડવાનો નિર્ધાર કર્યો, જેથી દુનિયાભરની મહિલાઓને કેન્સર અંગે જાગૃત કરી શકું.

ફ્યૂઅલ જામી જવાના ડરથી એન્જિન બંધ ન કર્યું, માઇનસ 15 ડિગ્રીમાં તિરંગો લહેરાવ્યો

ભારુલતા અને બન્ને દીકરા સ્વીડનના ઉમેયા ગામમાં બરફના તોફાનમાં ફસાઇ ગયા હતા. ચાર કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ ટીમે તેમને હેમખેમ બચાવી લીધા. પછી ગામના જ એક ઘરમાં આશરો લીધો. તે ઘર કેરળના એક પરિવારનું હતું. ચાર દિવસ રોકાયા બાદ મુસાફરી આગળ ધપાવી. પ્રવાસ દરમિયાન કારનું એન્જિન બંધ કરી શકાય તેમ નહોતું, કેમ કે શૂન્ય ડિગ્રીથી નીચે તાપમાનમાં ઇંધણ જામી જવાનું જોખમ હતું. આખો દિવસ સતત ડ્રાઇવ કરીને 9 નવેમ્બરે -15 ડિગ્રી તાપમાને રાત્રે 11.30 વાગ્યે વિશ્વનો અંતિમ છેડો કહેવાતા ઉત્તર ધ્રુવ ખાતે પહોંચી ગયા. પાછા ફરતી વખતે બ્રિટિશ સંસદમાં ત્રણેયનું સ્વાગત કરાયું.

પતિ સુબોધ ડૉક્ટર છે, જે ઘરમાં બેસીને જ આખા પ્રવાસનું નેવિગેશન કરતા રહ્યા

ભારુલતા વ્યવસાયે વકીલ છે જ્યારે તેમના પતિ સુબોધ કાંબલે ડૉક્ટર છે. તેઓ ઘરે બેસીને જ પરિવારને નેવિગેટ કરતા રહ્યા. ભારુલતા પાસે બેકઅપ કાર નહોતી કે બેકઅપ માટે કોઇ ક્રૂ પણ નહોતી. તેથી સુબોધ પાસે ભારુલતાની કારનો ટ્રેકિંગ પાસવર્ડ હતો. મુસાફરી દરમિયાન તેઓ સેટેલાઇટની મદદથી ઘરે બેઠા બેઠા જ ક્યાં ફ્યૂઅલ સ્ટેશન છે, ક્યાં જમવાનું મળશે તે બધું જણાવતા. તેઓ ગાઇડ કરતા રહ્યા કે રોકાવા માટે સલામત જગ્યા ક્યાં મળશે? તેઓ હોટલનું બુકિંગ પણ પહેલેથી કરાવી લેતા હતા. મુસાફરીની રૂપરેખા તેમણે જ તૈયાર કરી હતી. અંતિમ દિવસોમાં રોજ સતત 800 કિ.મી. ડ્રાઇવિંગનું શેડ્યૂલ બનાવાયું હતું.

#ભારતીય નૌસેના દિવસ: 4 ડિસેમ્બરે જ કેમ મનાવવામાં આવે છે નેવી ડે

X
Bharulata Patel-Kamble; the first woman in the world to drive solo through the Arctic Circle
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી