શ્રીલંકામાં મુસ્લિમ અને બૌદ્ધ જૂથો વચ્ચે તણાવ, સ્ટેટ ઇમરજન્સી જાહેર

અહીંના બુદ્ધિસ્ટ ગ્રુપે મુસ્લિમ ગ્રુપ સામે અન્ય લોકોને ઇસ્લામ ધર્મમાં કન્વર્ટ કરવાનો આરોપ લગાવ્યો છે

divyabhaskar.com | Updated - Mar 06, 2018, 02:36 PM
શ્રીલંકા સરકારનું કહેવું છે કે, ઇમરજન્સી લાગુ કરવાનો મૂળ હેતુ હિંસા ફેલાવનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે. (ફાઇલ)
શ્રીલંકા સરકારનું કહેવું છે કે, ઇમરજન્સી લાગુ કરવાનો મૂળ હેતુ હિંસા ફેલાવનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ શ્રીલંકાના કેન્ડી જિલ્લામાં બૌદ્ધો અને લઘુમતી મુસ્લિમો વચ્ચે ફાટી નીકળેલી હિંસા બાદ સર્જાયેલા તનાવને ધ્યાનમાં રાખીને સરકાર મંગળવારે સમગ્ર દેશમાં 10 દિવસ માટે ઇમરજન્સી લાદી દીધી છે. અગાઉ, શ્રીલંકામાં ઓગસ્ટ 2011માં ઇમરજન્સી લદાઇ હતી.


આ ઇમરજન્સીનું મૂળ થોડાક દિવસ પહેલાં સર્જાયેલી ઘણી ઘટનાઓ માનવામાં આવી રહી છે પરંતુ શ્રીલંકા મીડિયા મુજબ મુખ્ય કારણ 27 ફેબ્રુઆરીએ શ્રીલંકાના પૂર્વ પ્રાંતના અમ્પારા શહેરમાં સર્જાયેલી હિંસા છે. અહીં ટ્રાફિક રેડલાઇટ પર થયેલા ઝઘડા બાદ કેટલાક મુસલમાનોએ એક બૌદ્ધ યુવકની મારપીટ કરી નાખી હતી. ત્યારથી ત્યાં તનાવ સર્જાયેલો છે. અે ઉપરાંત કેન્ડી જિલ્લાના થેલ્ડેનિયા વિસ્તારમાં સોમવારે એક સિંહાલી બૌદ્ધનાં મોત બાદ એક મુસ્લિમ વેપારીને સળગાવી દેવાયો હતો.

ત્યાર પછી સિંહાલી બૌદ્ધો અને મુસ્લિમ સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી અને સમગ્ર વિસ્તારમાં કરફ્યૂ લાદવો પડ્યો છે. શ્રીલંકન પોલીસે જણાવ્યું કે કેન્ડી જિલ્લામાં રવિવારે પણ હિંસા અને આગ ચાંપવાની કેટલીક ઘટનાઓ સર્જાઇ હતી. તે ઉપરાંત હિંસા પાછળ અન્ય ઘણાં કારણો પણ છે. શ્રીલંકામાં 7 વર્ષમાં બીજી વાર ઇમરજન્સી લાદવી પડી છે.

કારણ - સિંહાલી બૌદ્ધ, મુસ્લિમોને ખતરો ગણે છે


શ્રીલંકા સરકાર તમિળ બળવાખોરોને પહોંચી વળવામાં ભલે સફળ રહી હોય પરંતુ દેશમાં સિંહાલી બૌદ્ધોનો એક મોટો વર્ગ છે જે બિન-સિંહાલી મૂળના લોકો અને મુસ્લિમોને પોતાના માટે ખતરા તરીકે જુએ છે. 2014માં શ્રીલંકામાં મોટા પાયે રમખાણો થયાં હતાં. તે હિંસામાં 8,000 મુસ્લિમોને વિસ્થાપિત થવું પડ્યું હતું.

આરોપ - મુસ્લિમ સંગઠન બૌદ્ધોનું ધર્મપરિવર્તન કરાવે છે


શ્રીલંકામાં બૌદ્ધ સમુદાયનો આરોપ છે કે મુસ્લિમ સંસ્થાઓ અને તેમની સાથે જોડાયેલા લોકો બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. કેટલાંક બૌદ્ધ સંગઠન રોહિંગ્યા મુસ્લિમોને આશ્રય આપવાનો વિરોધ પણ કરી રહ્યાં છે. બૌદ્ધ સિંહાલીઓ એવું માને છે કે રોહિંગ્યા મુસ્લિમોએ મ્યાનમારમાં તેમના સમુદાયના લોકો પર ત્રાસ ગુજાર્યો અને પરેશાન કર્યા છે.

બૌદ્ધ સંગઠનોને મુસ્લિમોની વધતી વસતીથી પરેશાની


શ્રીલંકામાં મુસ્લિમોનો માંસાહાર કે પાળતું પશુઓને મારવાનું બૌદ્ધ સમુદાય માટે એક વિવાદનો મુદ્દો રહ્યો છે. કટ્ટરવાદી બૌદ્ધ સંગઠન બોદુ બાલા સેના સિંહાલી બૌદ્ધોનું રાષ્ટ્રવાદી સંગઠન છે. આ સંગઠન મુસ્લિમોની વિરુદ્ધમાં માર્ચ કાઢે છે. આ સંગઠનને મુસ્લિમોની વધતી વસતી સામે પણ ફરિયાદ છે.


રોહિંગ્યા મુસ્લિમોને આશ્રય આપવાનો પણ વિરોધ થઇ રહ્યો છે


બૌદ્ધ સમુદાયના લોકોએ આરોપ મૂક્યો છે કે મુસ્લિમો તેમનું ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે અને બૌદ્ધ પુરાતત્વ સ્થળો તોડી રહ્યા છે. રોહિંગ્યા મુસ્લિમોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમુદાયનો એવો આરોપ છે કે બૌદ્ધ તોફાની તત્વોએ 10 મસ્જિદો, 75 દુકાનો અને 32 મકાનોમાં તોફફોડ કરીને આગ ચાંપી દીધી છે.

2.12 કરોડ શ્રીલંકાની વસતી, તેમાં સિંહાલી સૌથી વધુ છે


શ્રીલંકાની કુલ વસતી 2.12 કરોડ છે. કેન્ડી શહેરની વસતી 1.25 લાખ છે. બૌદ્ધ વસતી 70 % , હિન્દુ 12.6% , મુસ્લિમ 9.7 % અને 7.6 % ખ્રિસ્તી છે. 2012ની વસતીગણતરી મુજબ દેશમાં સિંહાલી 75 %, તમિળ 11.1 % , મૂર 9.3 % અને ઇન્ડિયન તમિળ 4.1 % છે.

કટ્ટર બૌદ્ધ સંગઠન બોદુ બાલા સેનાનો હિંસા પાછળ હાથ


શ્રીલંકામાં કટ્ટર બૌદ્ધ સંગઠન બોદુ બાલા સેનાને પણ આવી હિંસા માટે જવાબદાર માનવામાં આવે છે. આ વખતે પણ હિંસા પાછળ તેમનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સંગઠનના જનરલ સેક્રેટરી ગાલાગોદા મોટા ભાગે કહેતા રહે છે કે મુસ્લિમોની વધતી વસતી દેશના મૂળ સિંહાલી બૌદ્ધો માટે ખતરો છે.

6 વર્ષથી દેશમાં તનાવ યથાવત્


શ્રીલંકામાં 2012થી જ સાંપ્રદાયિક તનાવની સ્થિતિ સર્જાયેલી છે. છેલ્લા બે મહિનામાં ગોલમાં મસ્જિદો પર હુમલાની 20થી વધુ ઘટનાઓ સર્જાઇ છે. 2014માં કટ્ટરવાદી બૌદ્ધ જૂથોએ ત્રણ મુસ્લિમોની હત્યા કરી નાખી હતી. ત્યાર પછી ગોલમાં હિંસા ભડકી ગઇ હતી. 2013માં કોલંબોમાં સાંપ્રદાયિક હિંસા સર્જાઇ હતી.

X
શ્રીલંકા સરકારનું કહેવું છે કે, ઇમરજન્સી લાગુ કરવાનો મૂળ હેતુ હિંસા ફેલાવનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે. (ફાઇલ)શ્રીલંકા સરકારનું કહેવું છે કે, ઇમરજન્સી લાગુ કરવાનો મૂળ હેતુ હિંસા ફેલાવનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App