- શિયાના વિદેશ મંત્રીએ અમેરિકાને ચેતવણી આપીઃ વેનેઝૂએલાના ઘરેલૂ મામલે કોઇ પ્રકારના હસ્તક્ષેપને સ્વીકાર નથી
મોસ્કો (રશિયા): વેનેઝૂએલામાં સત્તા સંઘર્ષની વચ્ચે રશિયા અને અમેરિકા આમને-સામને આવી ગયા છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે પોતાના અમેરિકન સમકક્ષ માઇક પોમ્પિયોને વેનેઝૂએલામાં બળપ્રયોગ કરવાની કોઇ પણ ધમકી અને અમેરિકન હસ્તક્ષેપને લઇને કડક ચેતવણી આપી છે. રશિયાની ધમકી બાદ વિશ્વના બે શક્તિશાળી દેશો સામ-સામે આવી ગયા છે. હવે અમેરિકા આ ધમકીને કેવી રીતે લે છે તે સમય આવ્યે ખબર પડશે, પરંતુ વિશ્વમાં ફરી એકવાર શીતયુદ્ધની શરૂઆતને નકારી શકાય નહીં.
ઇન્ટરનેશનલ કાયદાનું ઉલ્લંઘનઃ રશિયા
1.લાવરોવે મંગળવારે કહ્યું કે, તેઓનો દેશ વેનેઝૂએલાના આંતરિક મામલે કોઇ પણ પ્રકારના અમેરિકન હસ્તક્ષેપ અને ધમકીની વિરૂદ્ધ છે. આ સ્પષ્ટ રીતે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. રશિયાના વિદેશ મંત્રીએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, તેઓ વેનેઝૂએલાના ઘરેલૂ મામલે કોઇ પ્રકારના હસ્તક્ષેપને સ્વીકાર નહીં કરે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોને અનુરૂપ વેનેઝૂએલાના મુદ્દે અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે.
ટ્રમ્પે કહ્યું, સૈન્ય હસ્તક્ષેપનો વિકલ્પ
2.વેનેઝૂએલામાં ઝડપથી બદલાતા ઘટનાક્રમની વચ્ચે રશિયાના વિદેશ મંત્રીનું આ નિવેદન મહત્વનું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક અઠવાડિયા પહેલાં કોલંબિયામાં બંને દેશોની બોર્ડર પર અમેરિકન સહાયને વેનેઝૂએલાના સૈનિકોએ અટકાવી દીધી હતી. વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોએ અમેરિકન સહાયતાને રાજકીય પ્રદર્શનની સંજ્ઞા આપી હતી. સાથે જ વેનેઝૂએલાના સૈન્યએ જાહેરાત કરી કે દેશની રક્ષાત્મક ક્ષમતાને મજબૂત બનાવવા માટે તેઓ સૈન્ય અભ્યાસ શરૂ કરશે. આ ઘટનાક્રમની વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વેનેઝૂએલામાં સૈન્ય હસ્તક્ષેપનો એક વિકલ્પ ખુલ્લો છે.