ફેસબુક ડૅટા લીક મુદ્દે માર્ક ઝકરબર્ગનું માફીનામું વાંચો એના જ શબ્દોમાં

‘કેમ્બ્રિજ એનાલિટિકા’ મુદ્દે માર્ક ઝકરબર્ગે ફેસબુક પર મૂકેલા માફીનામાનું શબ્દશઃ ભાષાંતર વાંચો અહીં...

Divya Bhaskar | Updated - Mar 24, 2018, 11:27 AM
ફેસબુક ડૅટા લીક પ્રકરણ ગાજ્યા પછી વિખ્યાત ‘વાયર્ડ’ મેગેઝિને ઝકરબર્ગનો આવો ‘ઘાયલ’ ફોટો પોતાના કવરપેજ પર છાપ્યો છે
ફેસબુક ડૅટા લીક પ્રકરણ ગાજ્યા પછી વિખ્યાત ‘વાયર્ડ’ મેગેઝિને ઝકરબર્ગનો આવો ‘ઘાયલ’ ફોટો પોતાના કવરપેજ પર છાપ્યો છે

‘કેમ્બ્રિજ એનાલિટિકા’ દ્વારા થયેલા જંગી ડૅટા લીકનો મુદ્દો બરાબરનો ચગ્યો છે. વાત એવી વણસી ગઈ કે ફેસબુકનો સર્વેસર્વા માર્ક ઝકરબર્ગ ડિફેન્સિવ મોડમાં આવી ગયો. એણે તાબડતોબ પોતાના ફેસબુક પેજ પર લાંબીલચક માફી માગવી પડી. લગભગ 930 શબ્દોના આ માફીનામામાં ઝકરબર્ગે ખુલ્લા દિલે પોતાની ભૂલ સ્વીકારી. એટલું જ નહીં, એણે આગામી સમયમાં ફેસબુક પર ડૅટા સિક્યોરિટી વધારવા માટે શું પગલાં લેશે તેની પણ વાત કરી. આવો વાંચીએ, પોતાના માફીનામામાં માર્ક ઝકરબર્ગે શું વાત કરી. પેશ છે, માર્ક ઝકરબર્ગનું એકરારનામું એના પોતાના જ શબ્દોમાં...

‘‘

‘કેમ્બ્રિજ એનાલિટિકા’ના મુદ્દે હું એક અપડેટ શૅર કરવા જઈ રહ્યો છું. તેમાં આ મહત્ત્વના ઈશ્યુ પર અમે કયાં કયાં પગલાં લીધાં અને હવે કેવાં પગલાં લઇશું તેની કેફિયત હશે.

તમારો ડૅટા સુરક્ષિત રાખવાની જવાબદારી અમારી છે. જો અમે તેમાં ઊણા ઊતરીએ તો તમને સર્વિસ આપવાનો અમને કોઈ હક નથી. આવું એક્ઝેક્ટ્લી કેવી રીતે થયું અને ભવિષ્યમાં ફરીવાર ક્યારેય આવું ન થાય તે માટે શું કરવું તે સમજવાની ક્વાયતમાં હું લાગી ગયો છું. સારા સમાચાર એ છે કે આજે થયું તેવું ફરીવાર ન થાય તે માટે તકેદારીનાં પગલાં અમે વર્ષો પહેલાં જ લઈ લીધેલાં. પરંતુ અમે ઘણી ભૂલો પણ કરી. એટલે હવે આગળ વધીને ઘણું બધું કરવું પડે તેમ છે.

જે કંઈ થયું તેનો ઘટનાક્રમ કંઈક આવો છેઃ

2007માં અમે ‘ફેસબુક પ્લેટફોર્મ’ લૉન્ચ કરેલું. તેનું વિઝન એવું હતું કે વધુ ને વધુ ઍપ્સ સોશિયલ હોવાં જોઈએ. તમારું કેલેન્ડર તમારા મિત્રોના બર્થડે બતાવવું જોઈએ, તમારા મૅપ્સમાં તમારા મિત્રો ક્યાં રહે છે તે દેખાવું જોઈએ, તમારી એડ્રેસ બુકમાં એમના ફોટોગ્રાફ્સ પણ દેખાવા જોઈએ. આ માટે અમે લોકોને ઍપ્સમાં લોગ ઈન થવાની અને એમના ફ્રેન્ડ્સ કોણ છે અને તેમના વિશેની અન્ય વિગતો શૅર કરવાની સવલત આપી.

2013માં એલેક્ઝાન્ડર કોગન નામના કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચરે એક પર્સનાલિટી ક્વિઝ ઍપ બનાવી. 3 લાખ જેટલા લોકોએ તે ઍપ ઈન્સ્ટોલ કરી. લોકોએ તેમાં પોતાનો અને પોતાના કેટલાક મિત્રોનો ડૅટા પણ શૅર કર્યો. એ વખતે અમારું પ્લેટફોર્મ જે રીતે ચાલતું હતું તેનાથી કોગનને લાખો લોકોનો ડૅટા એક્સેસ કરવાની સત્તા મળી ગઈ.

2014માં ગેરલાભ લેતી ઍપ્સને રોકવા માટે અમે આખું પ્લેટફોર્મ જ ધરમૂળથી બદલી નાખ્યું. ડૅટા ઍપ્સ અને તેની એક્સેસની સ્વતંત્રતા પર પણ મોટા પાયે પ્રતિબંધો મૂક્યા. સૌથી મહત્ત્વની વાત એ હતી કે કોગનની ઍપ જેવી ઍપ્સ હવે યુઝરના મિત્રોનો ડૅટા માગી શકતી નહોતી, સિવાય કે તે મિત્રે પણ તે ઍપને પરવાનગી આપેલી હોય. ડેવલપરને લોકો પાસેથી કોઈ સંવેદનશીલ ડૅટા માગવો હોય તેમને પહેલાં અમારી પરવાનગી લેવી પડે એવી શરત પણ મૂકી. આ પગલાંથી કોગનના જેવી કોઇપણ ઍપ આજે આટલો બધો ડૅટા એક્સેસ કરી જ શકતી નથી.

2015માં અમને ‘ધ ગાર્ડિયન’ દૈનિકના પત્રકારો પાસેથી જાણવા મળ્યું કે કોગને પોતાની ઍપનો ડૅટા ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ કંપનીને શૅર કરી દીધો છે. લોકોની સંમતિ લીધા વિના તેમનો ડૅટા કોઇને શૅર કરવો તે અમારી પૉલિસીની વિરુદ્ધ છે. એટલે અમે અમારા પ્લેટફોર્મ પરથી કોગનની ઍપને તાત્કાલિક ધોરણે બૅન કરી દીધી. એટલું જ નહીં, કોગન અને ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ પાસે પણ ગેરકાયદે ઉઠાવી લીધેલો ડૅટા સંપૂર્ણપણે ડિલીટ કરી દેવાની માગણી કરી. આ ડૅટા એમણે ડિલીટ કરી દીધો છે તેનાં સર્ટિફિકેટ્સ આપીને અમને ખાતરી આપી.

ગયા અઠવાડિયે ‘ધ ગાર્ડિયન’, ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ અને ‘ચેનલ 4’ પાસેથી અમને જાણવા મળ્યું કે ‘કેમ્બ્રિજ એનાલિટિકા’એ બાંહેધરી આપવા છતાં પોતાની પાસે રહેલો ડૅટા ડિલીટ કર્યો જ નહોતો. અમે તાત્કાલિક અસરથી એમને અમારી કોઈપણ સર્વિસ વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો. કેમ્બ્રિજ એનાલિટિકાનો દાવો છે કે એમણે તે ડૅટા ક્યારનોયે ડિલીટ કરી દીધો છે અને જરૂર પડ્યે તેઓ આ વાતની ખરાઈ કરાવવા માટે અમે નક્કી કરેલી કંપની પાસે પોતાની ફોરેન્સિક ઑડિટ કરાવવા પણ તૈયાર છે. હવે અમે ખરાઈ કરવા માટે આ દિશામાં વધુ કાર્યવાહી કરી રહ્યા છીએ.

કોગન, કેમ્બ્રિજ એનાલિટિકા અને ફેસબુક વચ્ચે આ ચોખ્ખો વિશ્વાસઘાત હતો. સાથોસાથ આ ફેસબુક અને તેના યુઝર્સ વચ્ચે પણ વિશ્વાસનો ભંગ હતો. યુઝર્સ પોતાનો ડૅટા અમારી સાથે શૅર કરે છે અને અમે તેની સુરક્ષા કરીશું તેવો વિશ્વાસ મૂકે છે. હવે અમારે આ ભંગાણને ફરી પાછું સાંધવું પડશે.

આ કિસ્સામાં થોડાં વર્ષ પહેલાં અમે કેટલાંક મહત્ત્વનાં પગલાં લીધેલાં. 2014માં અમે આવાં નઠારાં તત્ત્વો લોકોની ઇન્ફર્મેશન એક્સેસ કરી શકે તેના પર પ્રતિબંધ મૂકી દીધેલો. પરંતુ એટલું પૂરતું નથી. અમારે હજી ઘણું કરવું પડે તેમ છે. આગામી સમયમાં અમે જે પગલાં લઈશું તેની રૂપરેખા કંઇક આવી છેઃ

પહેલું, 2014માં અમે અમારા પ્લેટફોર્મમાં ડૅટા એક્સેસ મહદંશે ઘટાડ્યો તે પહેલાં કયાં કયાં એપ્સને જંગી ડૅટાનો એક્સેસ હતો તેની ચકાસણી કરીશું. ત્યારપછી શંકાસ્પદ એક્ટિવિટી ધરાવતા કોઇપણ એપનું અમે સંપૂર્ણ ઑડિટ કરીશું. અમારા પ્લેટફોર્મ પર રહેલા કોઈપણ ડૅવલપર સંપૂર્ણ ઑડિટની શરત સ્વીકારવા તૈયાર નહીં થાય તેના પર અમે પ્રતિબંધ મૂકી દઈશું. અને જો અમને જાણવા મળશે કે કોઈ ડેવલપરે કોઈની વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી ઇન્ફર્મેશનનો દુરુપયોગ કર્યો છે, તો અમે તેમના પર પ્રતિબંધ તો મૂકશું જ, સાથોસાથ તે ઍપથી જેમને પણ અસર પહોંચી છે તેવી દરેક વ્યક્તિને જાણ કરી દઈશું. તેમાં આ વખતે કોગને જે લોકોના ડૅટાનો દુરુપયોગ કર્યો છે તે લોકોનો પણ સમાવેશ થઈ જાય છે.

બીજું, ભવિષ્યમાં આવો કોઈપણ દુરુપયોગ ન થાય તે માટે ડેવલપર્સના ડૅટા એક્સેસને હજી વધુ નિયંત્રિત કરીશું. દાખલા તરીકે, તમે કોઈ ઍપનો સળંગ ત્રણ મહિના સુધી ઉપયોગ ન કર્યો હોય, તો તેના ડૅવલપરનો તમારા ડૅટાનો તમામ એક્સેસ અમે બંધ કરી દઈશું. કોઈ ઍપમાં સાઈન ઈન થવા માટે તમારે જે ડૅટા આપવો પડે છે તેના પર પણ અમે કાપ મૂકીશું. હવેથી તમારે તમારું નામ, પ્રોફાઈલ ફોટો અને ઈમેલ એડ્રેસ જ આપવાનું રહેશે. અમે ડૅવલપર્સને ફરજ પાડીશું કે તેઓ તમારી પોસ્ટ કે અન્ય પ્રાઈવેટ ડૅટાનો એક્સેસ માગે ત્યારે તમારી પરવાનગી લે. એટલું જ નહીં, તેનો એક લેખિત કોન્ટ્રાક્ટ પણ સાઈન કરે. આવનારા દિવસોમાં અમે હજુ આનાથીયે વધુ ફેરફારોની જાહેરાત કરીશું.

ત્રીજું, અમે ઈચ્છીએ છીએ કે તમે જે ઍપ્સને તમારા ડૅટાનો એક્સેસ કરવાની પરવાનગી આપી છે તેને બરાબર સમજી લો. આવતા મહિને અમે આપ સૌને તમારી ન્યુઝ ફીડના ઉપરના ભાગે એક ટૂલ બતાવીશું. તેમાં તમે કયાં ઍપ્સનો ઉપયોગ કરો છો અને તે ઍપને તમે તમારા ડૅટાનો ઉપયોગ કરવા માટે આપેલી પરવાનગી પાછી ખેંચી લેવા માટેનાં સરળ પગલાં આપેલાં હશે. આ ટૂલ અમે તમારા પ્રાઇવસી સેટિંગ્સના વિભાગમાં પહેલેથી આપેલું જ છે, પરંતુ હવે અમે આ ટૂલને તમારી ન્યુઝ ફીડના ઉપરના ભાગે મૂકીશું જેથી સૌ કોઈ તેને આસાનીથી જોઈ શકે.

અમારું પ્લેટફોર્મ એકદમ સલામત બની રહે તે માટે 2014માં અમે જે પહલાં લીધેલાં તે ઉપરાંત આ તમામ પગલાં અમે લઈ રહ્યાં છીએ.

મેં ફેસબુક શરૂ કરેલું અને અમારા પ્લેટફોર્મ પર જે કંઈ થાય તેની છેવટની જવાબદારી તો મારી જ બને છે. આ કમ્યુનિટીને સુરક્ષિત રાખવા માટે હું પૂરેપૂરો ગંભીર છું અને તે માટે જે કંઈ પણ કરવું પડે તે માટે હું તૈયાર છું. કેમ્બ્રિજ એનાલિટિકાના મુદ્દે જે કંઈ પણ થયું તેવું હવે પછી નવાં ઍપ્સ સાથે તો નહીં જ થાય. પરંતુ તેનાથી ભૂતકાળમાં જે કંઈ થયું તે બદલી જવાનું નથી. આ અનુભવ પરથી બોધપાઠ લઈને અમે અમારા પ્લેટફોર્મને વધુ સુરક્ષિત અને આપણી કમ્યુનિટીને દરેક વ્યક્તિ માટે સુરક્ષિત બનાવીશું.

અમારા મિશનમાં વિશ્વાસ મૂકનારા આપ સૌ અને સાથે મળીને આ કમ્યુનિટીને ઘડનારા સૌ કોઈનો હું આભાર માનું છું. મને ખબર છે કે આ તમામ ઇશ્યુઝને ફિક્સ કરવા માટે હું ધારું છું તેના કરતાં વધારે સમય લાગવાનો છે, પણ હું તમને વચન આપું છું કે અમે આ મુદ્દે બરાબર કામ કરીશું અને લાંબા સમય સુધી તમને વધુ સારી સર્વિસ આપતા રહીશું.’’

X
ફેસબુક ડૅટા લીક પ્રકરણ ગાજ્યા પછી વિખ્યાત ‘વાયર્ડ’ મેગેઝિને ઝકરબર્ગનો આવો ‘ઘાયલ’ ફોટો પોતાના કવરપેજ પર છાપ્યો છેફેસબુક ડૅટા લીક પ્રકરણ ગાજ્યા પછી વિખ્યાત ‘વાયર્ડ’ મેગેઝિને ઝકરબર્ગનો આવો ‘ઘાયલ’ ફોટો પોતાના કવરપેજ પર છાપ્યો છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App