ચીનનો આરોપ, બોર્ડર પાર કરીને ચીની એરસ્પેસમાં ઘૂસેલું ભારતીય ડ્રોન ક્રેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેઈજિંગઃ ભારત અને ચીન વચ્ચેનો વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. ગુરૂવારે ડ્રેગને નવી રમત રમતાં ચીન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ભારતના એક ડ્રોને (UAV) તેના એરસ્પેસમાં ઘુસી ગયું હતું. આ અંગે ચીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 11 ડિસેમ્બરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે આવવાના છે. આ ઘટના બાદ ભારતીય રક્ષા મંત્રાલયે ચોખવટ કરી છે અને ટેકનિકલ ખામીને કારણે ડ્રોન સરહદ પાર કરી ગયું હોવાનું જણાવ્યું છે.

 

 

ચીનની સંપ્રભુતાને સુરક્ષિત કરવા અમે જરૂરી પગલાંઓ ઉઠાવીશું

 

- ચીનના વેસ્ટર્ન કમાન્ડ જોઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી હેડ ઝાંગ શુઇલીનું કહેવું છે કે, “ભારતીય UAV દ્વારા હાલમાં જ ચીનના એરસ્પેસમાં ઘૂસણખોરી કરી છે. ચીન બોર્ડર પર તૈનાત ચીની સૈનિકોએ આ વાતની પુષ્ટી કરી છે.”

- ઝાંગ શુઇલીએ વધુમાં કહ્યું કે, “ભારતના આ પગલાંએ ચીનની સુરક્ષા સંપ્રુભતાનું ઉલ્લંઘન કર્યું છે. અમે તેનો વિરોધ કરીએ છીએ. અમે ચીનની સંપ્રભુતાને સુરક્ષિત કરવા માટે દરેક જરૂરી પગલાંઓ ઉઠાવશું.”

 

રક્ષા મંત્રાલયે કરી ચોખવટ

 

- ભારતીય રક્ષા મંત્રાલયે ચીનના આરોપ અંગે ચોખવટ કરતાં જણાવ્યું કે, “ભારતીય UAV રેગ્યુલર ટ્રેઈનિંગ મિશન પર ભારતીય વિસ્તારમાં જ હતું તે સમયે કોઈ ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડ લેવલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. અને તેને સિક્કિમ સેકટર ખાતેથી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાર કરી ગયું હતું.”

- સંરક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું કે, “આ ઘટના બાદ BSFએ તાત્કાલિક ચીનના અધિકારીઓને UAVના લોકેશન માટે માહિતી આપવા જાણ કરી હતી. જે અંગે ચીન બાજુથી લોકેશનની વિગત પણ આપવામાં આવી હતી. આ ઘટના અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.”

 

ભારત-ચીન વચ્ચે સતત વિવાદ

 

- ડોકલામ વિવાદ બાદથી ભારત અને ચીનના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.

- નવેમ્બર માસમાં જ ચીન અને ભારતના અધિકારીઓએ બેઈજિંગમાં ભારત-ચીન મુદ્દે WMCCની 10મી બેઠકમાં ચર્ચાઓ કરી હતી.

- વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને દેશોએ ભારત-ચીન સરહદના તમામ પક્ષોની સ્થિતિઓ અંગે સમીક્ષા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારા માટે સરહદીય વિસ્તારમાં શાંતિ બનાવી રાખવા પર સહમત થયા હતા.

 

ચીનની સતત અવળચંડાઈ

 

- ચીન સતત ભારત વિરૂદ્ધ કોઈને કોઈ મુદ્દાને આગળ કરીને વિરોધ કરે છે. થોડાં સમય પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અરૂણાચલ મુલાકાત અંગે ચીને આપત્તિ વ્યક્ત કરી હતી.

- ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લૂ કાંગે કહ્યું હતું કે, “ભારતે હાલની સ્થિતિને જોતાં આવી વાતથી બચવું જોઈએ.”

- ચીને ભારતને સલાહ આપતાં કહ્યું હતું કે, “તેવા સમયે જ્યારે બંને દેશોના સંબંધો ઘણાં જ સંવેદનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યારે ભારતે તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.”

 

અનેક મુદ્દે ચીનની નારાજગી

 

- ચીન સતત પાકિસ્તાનના સમર્થન કરતું આવ્યું છે. ચીન POKમાં CPECનું નિર્માણ કરી રહ્યું છે. જેનો ભારત સતત વિરોધ કરતું આવ્યું છે.

- ભારતનું કહેવું છે કે, “POK ભારતનો અવિભાજ્ય વિસ્તાર છે. જેના પર પાકિસ્તાને ગેરકાયદેસરનો કબ્જો જમાવ્યો છે. ત્યારે ચીન દ્વારા POKમાં CPECનું નિર્માણ કરવું તેમની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. જે અંતર્ગત ભારતે ચીનમાં આયોજિત OBOR સમિટનો પણ બહિષ્કાર કર્યો હતો.”

અન્ય સમાચારો પણ છે...