મગજ પર રિસર્ચ માટે ભારતીય મૂળની કિશોરીને અમેરિકામાં જુનિયર નોબેલ એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ 17 વર્ષની ઇન્દ્રાણી દાસને અમેરિકાના સર્વોચ્ચ વિજ્ઞાન પારિતોષિક ‘રીજેનેરન સાયન્સ ટેલેન્ટ સર્ચ’ મળ્યું છે. તેને સાઇન્સનું જુનિયર નોબેલ કહેવાય છે. મગજની ઇજા અને બીમારીની સારવાર માટેની રિસર્ચ પર ઇન્દ્રાણીને પારિતોષિક મળ્યું છે. તેના હેઠળ તેને લગભગ 1.64 કરોડ રૂપિયા પણ મળ્યા છે.
 
ઇન્દ્રાણીના અનુસાર,‘મારા પેરેન્ટ્સ કહે છે કે તું ગમે તે કર પણ તબીબ ના બનતી, કારણ કે તેનો અભ્યાસ ઘણો લાંબો અને ખર્ચાળ હોય છે. પણ મેં નક્કી કર્યુ કે હું તબીબ બનીને રહીશ. તેથી સ્કૂલમાં મેડિકલ ક્ષેત્રના એક સાયન્સ પ્રોજેક્ટ સાથે જોડાઇ ગઇ હતી. હું આગળ જઇને ફિઝિશિયન સાયન્ટિસ્ટ બનવા માંગુ છું. મને દર્દી તપાસવા ગમે છે. સાથે તેમના માટે રિસર્ચ કરવી પણ ગમે છે.
 
ઇન્દ્રાણીના પેરેન્ટ્સ વિદ્યુત અને તનિમા દાસ મૂળ રૂપે કોલકાત્તાના રહેવાસી છે. તેઓ ન્યૂજર્સીમાં બેન્કર છે. ઇન્દ્રાણી હેક્કેનસેકની મેડિકલ સાયન્સ ટેક્નોલોજીમાં હાઈસ્કૂલની ફાઇનલ યરની વિદ્યાર્થીની છે. તે ઉપરાંત ભારતીય મૂળના અર્જુન રમાની અને અર્ચના વર્માને ક્રમશ: ત્રીજૂ અને પાંચમું સ્થાન મળ્યું છે. સ્પર્ધાની અંતિમ યાદીમાં સ્થાન મેળવનાર 40 બાળકોમાં આઠ ભારતીય મૂળનાં હતા. સ્પર્ધામાં 1700 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો.
 
રીજેનેરન સાઇન્સ ટેલેન્ટ સર્ચ શું છે:
 
અમેરિકાનો સાઇન્સ ટેલેન્ટ સર્ચ એવોર્ડ હાઈસ્કૂલ સુધીના વિદ્યાર્થીઓને મળે છે. અમેરિકાના સૌથી જૂના વિજ્ઞાન એવોર્ડ પૈકી એક છે. તેને વિજ્ઞાનનું જુનિયર નોબેલ પણ કહેવાય છે. તેનો પ્રારંભ 1942માં થયો હતો. ત્યારે તેની પ્રાયોજક વેસ્ટિંગહાઉસ કંપની હતી. 1998થી 2016 સુધી ઇન્ટેલ તેની પ્રાયોજક હતી.
અન્ય સમાચારો પણ છે...