US: ઇમિગ્રન્ટ્સને ગાળો ભાંડતા ટ્રમ્પનો હાઉસ કિપિંગ સ્ટાફ જ બોગસ દસ્તાવેજવાળો, ખોટાં ગ્રીન કાર્ડના આધારે મેળવી જોબ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સેન્ટ્રલ અમેરિકાથી આવેલા માઇગ્રન્ટ્સને પ્રવેશ આપવાની સ્પષ્ટ મનાઇ કરી રહ્યા છે. - Divya Bhaskar
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સેન્ટ્રલ અમેરિકાથી આવેલા માઇગ્રન્ટ્સને પ્રવેશ આપવાની સ્પષ્ટ મનાઇ કરી રહ્યા છે.

- વિક્ટોરિયા મોરાલ્સે કહ્યું કે, તે ગોલ્ફ ક્લબમાં ટ્રમ્પના ટોઇલેટની સફાઇ કરે છે. ગ્લાટેમાલાથી આવેલી મોરાલ્સે 2013માં ખોટાં દસ્તાવેજો રજૂ કરી જોબ મેળવી હતી. 
- બંને મહિલાઓએ કહ્યું કે, તેઓ વર્ષોથી ટ્રમ્પ માટે કામ કરે છે. પરંતુ જે પ્રકારે પ્રેસિડન્ટ જાહેરમાં ઇમિગ્રન્ટ્સનું અપમાન કરી રહ્યા છે તે જોઇને તેઓ સામે આવ્યા છે. 
- હાઉસ કિપિંગ સ્ટાફની બંને મહિલાઓએ ગોલ્ફ ક્લબની અંદરનું જીવન, ટ્રમ્પનું સ્ટાફ સાથે વર્તન અને અન્ય બાબતો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં હાલ સૌથી ચર્ચાતો મુદ્દો છે હોન્ડુરાસ અને સેન્ટ્રલ અમેરિકાથી આવેલા માઇગ્રન્ટ્સ. ગત ઓક્ટોબરથી અંદાજિત 14,000ની સંખ્યામાં હિંસા, ગુનાખોરીથી ત્રસ્ત થઇને અમેરિકામાં પ્રવેશ ઇચ્છતા આ માઇગ્રન્ટ્સ હાલ મેક્સિકો બોર્ડર નજીક ટેન્ટમાં રહે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ માઇગ્રન્ટ્સને પ્રવેશ આપવાની સ્પષ્ટ મનાઇ કરી રહ્યા છે. ટ્રમ્પે તેઓને બોર્ડર પર જ અટકાવવા 15,000 અમેરિકન સૈનિકો પણ મોકલાવ્યા હતા. ટ્રમ્પ અવાર-નવાર ટ્વીટ્સ, જાહેર સભાઓમાં આ માઇગ્રન્ટ્સને ક્રિમિનલ્સ કહી ચૂક્યા છે. ટ્રમ્પ જે પ્રકારે માઇગ્રન્ટ્સનું અપમાન કરી રહ્યા છે તે જોતાં ટ્રમ્પના ન્યૂજર્સીમાં આવેલા બેડમિન્સ્ટર ગોલ્ફ કોર્સમાં કામ કરતાં હાઉસકિપિંગ કર્મચારીઓ સામે આવી રહ્યા છે. ગોલ્ફ કોર્સમાં કામ કરતી બે મહિલાઓ અમેરિકામાં ગેરકાયદે આવી હતી અને ખોટાં ડોક્યુમેન્ટ્સના આધારે જોબ મેળવી હતી. 


ટ્રમ્પનું ટોઇલેટ, વ્હાઇટ બોક્સર સાફ કરે છે 


- વિક્ટોરિયા મોરાલ્સ, ગ્વાટેમાલાની ઇમિગ્રન્ટ છે અને તેણે ન્યૂયોર્ક ટાઇમ્સને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. આ ઇન્ટરવ્યુમાં વિક્ટોરિયાએ કહ્યું કે, બેડમિન્સ્ટર ગોલ્ફ કોર્સની ટ્રમ્પ અવાર-નવાર મુલાકાત લેતા હોય છે. 
- તે ગોલ્ફ કોર્સમાં આવેલા ટ્રમ્પના ટોઇલેટની સફાઇ કરે છે, ગોલ્ફ ટ્રોફી પર ધૂળ જામી હોય તેને સાફ કરતી હોય છે. એટલું જ નહીં, તે ટ્રમ્પના વ્હાઇટ બોક્સર, ગોલ્ફ શર્ટ અને ખાખી પણ ધૂવે છે. 
- અન્ય એક વર્કર, સાન્ડ્રા ડિયાઝે કહ્યું કે, તે કોસ્ટા રિકાથી અહીં ગેરકાયદે આવી હતી અને તેની પાસે બોગસ ગ્રીન કાર્ડ છે. 


પોતાની દરેક વસ્તુઓ માટે ટ્રમ્પ અત્યંત ચોકસાઇ રાખે છે 


- વિક્ટોરિયા અને સાન્ડ્રાએ ટ્રમ્પ અને તેના પરિવાર વિશે કેટલાંક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે અનુસાર, ટ્રમ્પના પરિવારના કપડાં અલગ મશીનમાં સ્પેશિયલ ડિટરજન્ટથી ધોવામાં આવે છે. 
- જો ટ્રમ્પના સફેદ ગોલ્ફ શર્ટ પરથી મેકઅપનો ડાઘ દૂર ના થયો હોય તો તેઓ તમામ નોકરો પર ગુસ્સો કરે છે. 
- ડિયાઝે કહ્યું કે, ટ્રમ્પ પોતાની દરેક વસ્તુઓને લઇને ખૂબ જ ચોકસાઇ રાખે છે. જો તેઓ અચાનક જ ગોલ્ફ કોર્સની મુલાકાતે આવી જાય તો તમામ સ્ટાફ ગાંડાની જેમ અહીં-તહીં દોડતો થઇ જાય છે. 
- આ બંને મહિલાઓએ ન્યૂયોર્ક ટાઇમ સુધી તેના વકીલની મદદથી પહોંચી હતી, જેથી તેઓ ન્યૂઝપેપરને એ હકીકત જણાવી શકે કે કેવી રીતે ખોટાં દસ્તાવેજોનો ઉપયોગ કરી તેઓએ સોશિયલ સિક્યોરિટી નંબર અને ગ્રીન કાર્ડ્સ મેળવ્યા છે. 


અમે અપશબ્દો, અપમાનથી થાકી ગયા છીએઃ મોરાલ્સ 


- મોરાલ્સે ન્યૂઝપેપરને જણાવ્યું કે, ટ્રમ્પ જે પ્રકારે જાહેરમાં ઇમિગ્રન્ટ્સ વિશે કોમેન્ટ્સ આપે છે તેનાથી મને દુઃખ થાય છે. પ્રેસિડન્ટે વારંવાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અંગે અપશબ્દો કહ્યા છે, તેઓ ઇમિગ્રન્ટ્સને 'ઉપદ્રવી' પણ કહ્યા છે. 
- મોરાલ્સે કહ્યું કે, વારંવાર અમારાં માટે બોલાતા અપશબ્દો, અપમાનથી અમે થાકી ગયા છે. અમે ટ્રમ્પની દરેક જરૂરિયાતને પુરી કરીએ છીએ, તેમના દરેક ઓર્ડર પર દોડતાં હોઇએ છીએ, એ જાણતા હોવા છતાં તેઓ અમારાં વિશે અપશબ્દો બોલે છે. 
- જો કે, મોરાલ્સે ટ્રમ્પ સાથે કામ કરવાના કેટલાંક ફાયદાઓ પણ જણાવ્યા હતા. તેણે કહ્યું કે, મેં ટ્રમ્પના વિલાની સાફ-સફાઇ કરી છે આ દરમિયાન તેઓ ટીવી જોઇ રહ્યા હતા. આ દરમિયાન હોમલેન્ડ સિક્યોરિટીના ભૂતપૂર્વ હેડ ટ્રમ્પને મળવા આવ્યા હતા. 
- એક ગ્વાટેમાલાની ઇમિગ્રન્ટ્સ હોવા છતાં મેં ક્યારેય વિચાર્યુ નહતું કે, અમે આટલા મહત્વના લોકોને નજીકથી જોઇ શકીશું. 
- ડિયાઝે કહ્યું કે, અમેરિકામાં ઘણાં લોકો છે જેઓ પેપર વગર જ ગેરકાયદેસર રીતે રહે છે. ડિયાઝ હાઉસકિપિંગ અને ગોલ્ફ કોર્સ મેઇન્ટેનન્સ તરીકે કામ કરે છે. 

 

સ્ટાફ પાસે મહત્વના ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો એક્શન લેવામાં આવશે 


- ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને ન્યૂઝપેપરને જણાવ્યું કે, જો હાઉસ કિપિંગ સ્ટાફે ખોટાં દસ્તાવેજો રજૂ કરીને કાયદાનો ભંગ કર્યો હશે તો તેઓને તાત્કાલિક નોકરીમાંથી કાઢી બરતરફ આવશે. 
- મોરાલ્સને આશ્રય જોઇએ છે, તેને એ વાતનો પણ ખ્યાલ છે કે જો તેણે પ્રેસમાં ફરિયાદ કરી તો તેની જોબ પણ જઇ શકે છે. 
- એક કેમ્પેઇન દરમિયાન વોશિંગ્ટન પોસ્ટે રિપોર્ટમાં ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં આવેલી લક્ઝરી હોટેલના રિનોવેશન માટે ગેરકાયદે ઇમિગ્રન્ટ વર્કર્સની મદદ લીધી હતી. આ વર્કર્સને ટ્રમ્પે 200 ડોલર (14,000થી વધુ રૂપિયા) ચૂકવ્યા હતા. 
- ટ્રમ્પે આ રિપોર્ટના જવાબમાં કહ્યું કે, મેં ક્યારેય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને નોકરીએ રાખ્યા નહતા. વોશિંગ્ટનના રિપોર્ટમાં પેન્સિલવેનિયા એવન્યુની ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


ટ્રમ્પ ઘણીવાર ખુશ થઇને ઇન્સેન્ટિવ પણ આપે છેઃ મોરાલ્સ 


- મોરાલ્સે કહ્યું કે, ટ્રમ્પ ઘણીવાર સ્ટાફને વેલકમ ઇન્સેન્ટિવ આપતા હોય છે, જેમાં મોટાંભાગે કૅશ ટિપ હોય છે. 
- આ જ ટ્રમ્પ એકવાર મોરાલ્સ ટ્રમ્પના શર્ટમાંથી તેમના જ મેકઅપનો ઓરેન્જ ડાઘ કાઢી શકી નહીં ત્યારે તેના ઉપર ગુસ્સે થઇ ગયા હતા. 
- ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ તરીકે કામ કરતાં ટ્રમ્પના હાઉસ કિપિંગ સ્ટાફ વિશે હાલ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન વધુ ટિપ્પણી કરી નથી. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...