• Gujarati News
  • Sugar Is Responsible For Obesity: Claimed In Research

મેદસ્વીતા માટે ખાંડ મુખ્ય જવાબદાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દુનિયામાં ઝડપથી અને ચિંતાજનક રીતે ફેલાઈ રહેલી મેદસ્વીતાની બીમારી માટે લોકો ભલે શરીરમાં વધી રહેલી અને બિનઉપયોગી ચરબીને જવાબદાર ગણતા હોય પરંતુ મેદસ્વીતાની બીમારીનું મુખ્ય કારણ ખાંડ હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના ડો. રોબર્ટ લસ્ટિંગે જણાવ્યા પ્રમાણે ખાંડના કારણે જ મેદસ્વીતાની સમસ્યા થાય છે. તેમણે આ મહિ‌ને લંડન અને ઓક્સફોર્ડ શહેરની મુલાકાત લીધી હતી અને પોતાના સંશોધન અંગે સંખ્યાબંધ ચર્ચાઓમાં ભાગ લીધો હતો. તેમણે ટાંક્યું હતું કે કોકેઈન અને હેરોઈન નશાકારક દ્રવ્યો છે અને ઝેરી અસર પણ ધરાવે છે.

ખાંડ પણ આવી જ રીતે હાનિકારક છે. લસ્ટિંગે પોતાના પુસ્તક 'ફેટ ચાન્સ: ધ બીટર ટ્રૂથ અબાઉટ સુગર’માં આ અંગે વિસ્તૃત માહિ‌તી આપી છે. પુસ્તકમાં ટાંકવામાં આવેલા કેટલાંક તથ્યોના કારણે અમેરિકામાં મોટા પાયે ચર્ચાનો દોર શરૂ થયો છે અને આ સંબંધિત અહેવાલો તાજેતરમાં બ્રિટનમાં પણ પ્રકાશિત થયા છે.સાનફ્રાન્સિસ્કોમાં મેદસ્વી બાળકોની સારવાર કરતા આ તબીબે જણાવ્યા પ્રમાણે તેમણે ૧૬ વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ એવાં તારણ પર આવ્યા હતા કે ખાંડ માણસના મધ્યસ્થ ચેતાતંત્ર, ચયાપચય અને તે સંબંધિત બીમારીઓ પર સીધી અસર કરે છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે આજના જમાનામાં ખાસ કરીને યુવાપેઢી જે પ્રમાણે ઠંડાપીણાં અને બર્ગરને ખાઈ રહી છે તેના કારણે તેમનામાં મેદસ્વીતાની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આવો ખોરાક લેવાથી શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. તેમણે મેદસ્વીતાની સમસ્યા માટે ૭પથી ૮૦ ટકા સુધી ઈન્સ્યુલિનને જવાબદાર ઠેરવ્યું હતું.