સવારે નાસ્તો ન કરવાની આદત વધારે છે વજન અને ડાયબિટીસના ખતરા સહિતની 7 સમસ્યાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

હેલ્થ ડેસ્કઃ આજની આધુનિક લાઇફસ્ટાઇલમાં આપણે શરીર પર ધ્યાન આપવાનું તો ભૂલી જ જઇએ છીએ. જેમ ગાડી પેટ્રોલ અને ડીઝલ વગર નથી ચાલી શકતી તેમ આપણાં શરીરને પણ યોગ્ય સમયાંતરે ભોજન ના મળે તો તે સરખી રીતે કામ નથી કરી શકતું. સવારનો નાસ્તો શરીર માટે ખૂબ જરૂરી હોય છે, પરંતુ કેટલીક વખત આપણે એવું વિચારીને નાસ્તો છોડી દઇએ છીએ કે તેનાથી કેલેરી ઇનટેક પણ ઓછું કરી શકાશે પરંતુ આ ભૂલ શરીર પર ઊંધી અસર કરી તમને બીમાર બનાવી શકે છે. સવારે શરીરને પૂરતા પ્રમાણમાં કેલેરી ના મળવાના કારણે દિવસમાં ઘણી વખત કંઈ ખાવાની ઇચ્છા થાય છે. તેથી લોકો જે મળે તે વસ્તુ ખાવાની શરૂ કરી દે છે. તેની શરીર પર ખરાબ અસર પડે છે. શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મયુર પટેલ જણાવી રહ્યા છે સવારે નાસ્તો ન કરવાથી શરીરને ક્યા-ક્યા નુકસાન થઈ શકે છે.

 

1. ઝડપથી વધે છે વજન


જો તમે વિચારી રહ્યાં હોવ કે સવારનો નાસ્તો નહી કરો તો વજન ઘટાડવામાં મદદ મળશે, તો તમે એકદમ ખોટું વિચારી રહ્યાં છો. એક હેલ્થ રિસર્ચ મુજબ, સવારનો નાસ્તો સ્કીપ કરનારા લોકોનું વજન નાસ્તો કરનારા લોકોની સરખામણીમાં વધુ ઝડપથી વધે છે. વાસ્તવમાં, નાસ્તો ન કરવાથી બોડીનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને જ્યારે આપણે લંચ કરીએ છીએ તો વધુ ભોજન ખવાઇ જાય છે, જેને કારણે વજન વધવા લાગે છે.

 

2. ડાયબિટીસનો ખતરો


હા, સવારનો નાસ્તો ન કરવાથી ટાઇપ-2 ડાયબિટીસ થવાનો ખતરો 54% સુધી વધી શકે છે. હાર્વર્ડ યૂનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થે 46,289 મહિલાઓ પર ભોજનની ટેવ અને સ્વાસ્થ્યને લઈને આશરે 6 વર્ષ સુધી રિસર્ચ કરી હતી. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે જે મહિલાઓને સવારના નાસ્તાથી બચવાની ટેવ હતી, તેમનામાં રોજ નાસ્તો કરનારી મહિલાઓની સરખામણીમાં ટાઇપ-2 ડાયબિટીસનો ખતરો વધુ જોવા મળ્યો હતો.

 

3. વાળ ખરવાની સમસ્યા

 

વાળ ખરવાની સમસ્યા સવારનો નાસ્તો સ્કીપ કરવાના સાઇડ ઇફેક્ટ્સમાંથી એક હોય છે. નાસ્તો ન કરવાથી શરીરમાં પૂરતું પ્રોટીન પહોંચી નથી શકતું, જેના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે. સવારના સમયના નાસ્તામાં મળતા પોષક તત્વો વાળને હેલ્ધી રાખવા માટે જરૂરી હોય છે, જેનાથી વાળમાં કેરોટિનનું લેવલ પણ સરખા પ્રમાણમાં બની રહે છે. જો તમે ઇચ્છો છો કે તમારા વાળ હેલ્ધી રહે તો સવારનો નાસ્તો ભૂલીને પણ ન છોડો.

 

4. એસિડિટીની સમસ્યા


જો તમે સવારનો નાસ્તો નથી કરતા તો આખો દિવસ એસિડિટીની સમસ્યા બની રહે છે. કારણ કે, આખી રાત તમારું પેટ ખાલી હોય છે, જેને કારણે શરીરમાં એસિડની માત્રા વધી જાય છે અને સવારે ભોજન ન મળી શકવાને કારણે એસિડિટી થવા લાગે છે. આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે.

 

5. મગજ પર ખોટી અસર

 

સવારનો નાસ્તો ન કરવાથી મગજને જરૂરી ન્યૂટ્રિશિયન અને પૂરતી એનર્જી નથી મળી શકતી, જેને કારણે મગજ યોગ્ય રીતે કામ નથી કરતું. પરિણામસ્વરૂપ કોઈ કામમાં મન નથી લાગતું. થાક સાથે મૂડ સ્વિંગ થવું પણ સામાન્ય વાત છે.

 

6. હાર્ટ પર પડી શકે છે ખરાબ અસર


જે.એ.એમ.એમાં પબ્લિશ એક સ્ટડી મુજબ સવારનો નાસ્તો ન કરનારા લોકોને હાર્ટ સંબંધી સમસ્યા થવાની શક્યતા વધુ હોય છે. નાસ્તો ન કરવાથી વજન વધે છે, જેને કારણે હાર્ટ પર ખરાબ અસર થાય છે. આવા લોકો મોટાભાગે હાર્ટ એટેકના શિકાર બને છે.

 

7. કાયમ બન્યો રહે છે માથાનો દુખાવો


સવારનો નાસ્તો ન કરનારા લોકોને કાયમ માથાનો દુખાવો રહે છે. કારણ કે સવારે શરીરને ભોજન ન મળતા શુગર લેવલ ઝડપથી ઓછું થઈ જાય છે અને ગ્લુકોઝની કમીને પૂરી કરવા માટે શરીરમાં હોર્મોન્સ બને છે જે બ્લડ પ્રેશરનું લેવલ વધારી દે છે, જેને કારણે માથાનો દુખાવો, માઇગ્રેન જેવી બીમારી થવા લાગે છે.

 

 

આ પણ વાંચોઃ- તજ-મેથીનું સેવન મહિલાઓના અનિયમિત થયેલા હોર્મોનને બેલેન્સ કરી પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમથી બચાવે છે