Home » Lifestyle » Health » Causes symptoms and treatment of colon cancer

કોને આંતરડાનું કેન્સર થવાનું રિસ્ક વધારે હોય છે? જાણો તેના લક્ષણો અને સારવાર

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 12:45 PM

આંતરડાનું કેન્સર કેમ થાય છે? જાણો તેના લક્ષણો

 • Causes symptoms and treatment of colon cancer
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેન્સરનું નામ સાંભળતા જ ભલભલા ફફડી ઉઠે છે. ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી જો સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો એના ગંભીર પરિણામોથી ચોક્સકપણે બચી શકાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે આંતરડાનું કેન્સર શા માટે થાય છે? કોને આંતરડાનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે? તેના નિદાન માટે કઇ તપાસ કરાવવી જોઈએ? તેના લક્ષણો શું હોય? એની સારવાર કઇ રીતે થાય છે?

  આંતરડાનું કેન્સર વૃદ્વાવસ્થામાં જોવા મળતું ખૂબ સામાન્ય કેન્સર છે. આ કેન્સરના દર્દીમાં, બીજા કોઇ પણ કેન્સરની જેમ, જો વહેલું નિદાન અને સમયસર સારવાર મળી રહે તો દર્દીને જીવનદાન મળી જાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે કોને અને કઈ રીતે થાય છે આંતરડાનું કેન્સર, તેના લક્ષણો શું છે, તેની સારવાર માટે શું કરવું વગેરેની માહિતી.

  સામાન્ય રીતે કેન્સરના નિદાનમાં ત્રણ રીતે મોડું થતું હોય છે.

  - દર્દી દ્વારા લક્ષણોની અવગણના કરવી

  - ફેમીલી ડોક્ટર દ્વારા કેન્સર નિષ્ણાતને મોડું રીફર કરવું.

  - નિષ્ણાત ડોક્ટર અને મોટી હોસ્પિટલમાં નિદાન સુધી પહોંચવામાં લાગતો સમય.

  જો આ ત્રણેય તબક્કામાં થતાં વિલંબને કારણે કેન્સરની સારવાર વધુ જટિલ બને છે.

  આગળ વાંચો આંતરડાનું કેન્સર કઈ રીતે ઓળખી શકાય અને તેના નિદાન વિશે.

 • Causes symptoms and treatment of colon cancer
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  મોટા આંતરડાનું કેન્સર પચાસ વર્ષથી મોટી ઉમંરના પુરૂષોમાં ખૂબ જ વ્યાપકપણે જોવા મળે છે. આખા વિશ્વમાં થતા કુલ કેન્સરમાં ત્રીજો-ચોથો નંબર આંતરડાના કેન્સરનો આવે છે. (પહેલો નંબર ફેફસાના કેન્સરનો આવે છે.) 

   

  આંતરડાના કેન્સર થવાનું કારણ શું?

   

  આંતરડાના કેન્સરને સીધો સંબધ ખોરાકની ચરબી સાથે છે એવુ સંખ્યાબંધ અભ્યાસોથી સાબિત થયું છે. 


  વધુ પડતી ચરબી ધરાવતો ખોરાક ખાવાનું શરૂ કરવાથી આંતરડાનું કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. માંસાહારી ખોરાકમાં રહેલ પ્રાણીજ ચરબી વધુ નુકસાન કરે છે એવુ અમેરિકન સ્ટડીમાં જણાયું હતું. આ ઉપરાંત, ફળો અને લીલા શાકભાજીના સ્વરૂપે ખોરાકમાં રેસાનું પ્રમાણ જેમ ઘટતું જાય તેમ આંતરડાનું કેન્સર થવાની શક્યતા વધતી જાય છે. રેસાને કારણે કબજિયાત નથી થતો, આંતરડાની અંદરની સફાઇ સારી રહે છે અને કેન્સર કરનાર પરિબળો સામે રેસા રક્ષણ પૂરું પાડે છે, એવું માનવામાં આવે છે. 

   

  ખોરાકમાં રહેલ એન્ટી-ઓક્સીડેન્ટ પદાર્થો (વિટામિન એ, સી, ઇ, ફ્લેવોનોઇ્સ, સેલેનિયમ, ઝિંક વગેરે) પણ કેન્સર સામે રક્ષણ પૂરૂ પાડે છે. લીલાં શાકભાજીઓ, કચુંબર, ફળો અને કઠોળ (તથા આખા ધાન્ય)માં ઘણાં બધાં એન્ટી-ઓક્સીડેન્ટ તત્વો હાજર હોય છે જે માત્ર આંતરડાના જ નહીં પરંતુ શરીરના અન્ય કેન્સર સામે પણ રક્ષણ પૂરું પાડે છે. 

   

  આ ખોરાકના પરિબળો ઉપરાંત જનીનિક પરિબળો પણ કેન્સર માટે જવાબદાર હોય છે. જો 'એડિનોમેટસ પોલિપોસીસ' તરીકે ઓળખાતી આંતરડાની ગાંઠની તકલીફ કુટુંબમાં કોઈને હોય તો એવી વ્યક્તિને એ જ પ્રકારની ગાંઠ થવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે આનુવંશિક નોન-પોલિપોસીસ કેન્સર પણ વારસામાં મળી શકે છે. કુટુંબમાં કોઇને પણ આંતરડાનું કેન્સર હોય તો એ જ કુટુંબની અન્ય વ્યક્તિઓને આ કેન્સર થવાની શક્યતા અન્ય વ્યક્તિ કરતાં ચાર-પાંચ ગણી વધી જાય છે. નિયમિત કસરત કે શારિરીક શ્રમ કરનાર વ્યક્તિને આંતરડાનું કેન્સર થવાની શક્યતા ઘટે છે. 

   

  આગળ વાંચો આંતરડાના કેન્સરના લક્ષણો.

 • Causes symptoms and treatment of colon cancer
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  આંતરડાના કેન્સરના લક્ષણો 

   

  આંતરડાનું કેન્સર એ ખૂબ જ ધીમી ગતીએ વધતું કેન્સર છે. એની શરૂઆતના લક્ષણો પણ ખૂબ જ સામાન્ય અને દર્દી ધ્યાનમાં ન લે એ પ્રકારના હોય છે. જો નીચે જણાવેલ લક્ષણ કોઇ પણ વ્યક્તિને જણાય તો એણે આંતરડાના કેન્સર માટેની તપાસ કરાવી લેવી જોઇએ. 

   

  - પેટની જમણી બાજુએ ગાંઠ જેવું જણાવું. 

   

  - પેટની ડાબી બાજુ નીચેના ભાગે ગાંઠ લાગવી. 

   

  - ઝાડામાં લોહી પડવું અને વારંવાર ઝાડા થવા ( છ અઠવાડિયાથી વધુ સમય સુધી) 

   

  - બીજા કોઇ દેખીતા કારણ વગર લોહીની તીવ્ર ફીકાશ. 

   

  - 60 વર્ષથી વધુ ઉમંરની વ્યક્તિમાં ઝાડા વાટે લોહી પડવું (મળદ્વારની આસપાસ કોઇ પણ બળતરા, દુ:ખાવા વગર) 

   

  - છ અઠવાડિયાથી વધુ સમય સુધી મળત્યાગની રૂટિન ટેવમાં મોટા ફેરફારો (60 વર્ષથી વધુ ઉમંરે અચાનક દિવસમાં વધુ વખત ઝાડા થવા કે બંધાયા વગરનો મળ આવવો અથવા અચાનક કબજિયાત થવી.) 

   

  જો ઉપરોક્ત લક્ષણોમાંથી કોઇ પણ લક્ષણ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવી યોગ્ય નિદાન કરાવવું જરૂરી છે. જમણી બાજુના આંતરડામાં રહેલ ગાંઠ અને ડાબી બાજુના આંતરડામાં રહેલ ગાંઠ (કેન્સર)ને કારણે ઉદભવતા લક્ષણોમાં પણ ઘણો તફાવત જોવા મળે છે. જમણી બાજુના આંતરડામાં કેન્સર હોય તો પેટનો દુખાવો અને પેટમાં ગાંઠ (બહારથી અડીને ખબર પડે એવી) સામાન્યપણે દેખાય છે. 

   

  વજન ઘટવું અને ઝાડા-ઉલટી થવા વગેરે તકલીફો પણ જમણાં આંતરડાના કેન્સરમાં વધુ સામાન્યપણે જોવા મળે છે જ્યારે ડાબા આંતરડાના કેન્સરમાં પેટનો દુખાવો અને કબજિયાત વધુ વ્યાપકપણે જોવા મળે છે. ઝાડામાં લોહી જવાની ફરિયાદ પણ ડાબા આંતરડાના કેન્સરને કારણે સામાન્યપણે જોવા મળે છે. મોટા આંતરડાના છેક નીચેના ભાગ પાસે જો કેન્સર હોય તો ઝાડામાં લોહી પડવાની અને મળ પૂરો ઉતરતો ન હોવાની તકલીફ (કબજિયાત) મોટા ભાગના દર્દીઓમાં જોવા મળે છે. જ્યારે કેન્સરનો ફેલાવો અન્ય અવયવ સુધી થાય ત્યારે જ દુખાવાની તકલીફ મોટા ભાગના લોકોમાં ઉભી થાય છે. 

   

  આગળ વાંચો આંતરડાના કેન્સરના નિદાન વિશે.

 • Causes symptoms and treatment of colon cancer

  આંતરડાના કેન્સરનું નિદાન

   

  આંતરડાના કેન્સરના કારણે મોટા ભાગના દર્દીઓમાં મળ વાટે થોડુક લોહી નીકળતુ હોય છે પરંતુ મળ સાથે લોહી ભળી ગયેલું હોવાથી દર્દીને કે ડોક્ટરને નરી આંખે મળનું પરીક્ષણ કરવાથી એમાં લોહીના ટીપાં છે કે નહીં તે ખબર પડી શકતી નથી. મળમાં રહેલ થોડાક પણ લોહીની ચોક્કચ તપાસ રસાયણિક પદ્ધતિથી થઇ શકે છે. ફીલ્ક ઓકલ્ટ બ્લડ ટેસ્ટ (મળમાં છુપાયેલ લોહીની તપાસ) તરીકે જાણીતી આ રસાયણિક તપાસથી ઘણાં કેન્સરને પ્રાથમિક તબક્કામાં જ ઓળખી શકાય છે. મળની આ સાદી તપાસથી કેન્સરથી થતાં મૃત્યુમાં આશરે પંદર ટકા જેટલો ઘટાડો શક્ય છે. જેથી માત્ર એક જ વખત આવી તપાસ કરવાથી ૪૦% જેટલા આંતરડાના કેન્સરનું નિદાન બાકી રહી જાય છે એટલે ત્રણ દિવસ સુધી રોજે રોજ મળ તપાસ માટે આપવું જરૂરી છે અને દરેક મળમાંથી બે જુદી જુદી જગ્યાએથી લીધેલ સેમ્પલની તપાસ કરવી જરૂરી છે. '

   

  આ ઉપરાંત, સિગ્મોઇડોસ્કોપી અને કોલોનોસ્કોપીની તપાસથી કેન્સરની ગાંઠને ખૂબ જ શરૂઆતના તબક્કામાં જ ઓળખી કાઢવાની શક્યતા વધે છે. જેથી આ બન્ને તપાસ ખર્ચાળ છે. બેરિયમ એનિમા આપીને પછી લીધેલ આંતરડાના એક્ષ-રે દ્વારા પણ કેન્સરનું નિદાન શક્ય બની શકે છે. લોહીમાં સી. ઇ. એ (કાર્સિનો-એમ્બ્રિયોનિક એન્ટિજન)ની તપાસથી પણ આંતરડાના કેન્સરનું નિદાન પાકું થઇ શકે છે. 

   

  આંતરડાના કેન્સરની સારવાર

   

  જો વહેલુ નિદાન થાય તો આંતરડાના કેન્સરના શરૂઆતના તબક્કામાં ઓપરેશન કરીને દર્દીનું આયુષ્ય લંબાવી શકાય છે. આ ઉપરાંત, આગળ વધી ગયેલ કે શરીરમાં ઘણી જગ્યાએ ફેલાઇ ચુકેલ કેન્સર માટે કિમોથેરપી અને રેડિયોથેરપીનો ઉપયોગ કરવો પડે છે. આ બંને સારવાર પદ્ધતિની આડઅસર એના ઉપયોગને મર્યાદિત બનાવે છે. ઓછી ચરબી અને વધુ રેસાવાળો ખોરાક લેવાથી આંતરડાના કેન્સરને ઉગતું જ અટકાવી શકાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ