Home » Lifestyle » Health » What is anesthesia, How Does Anesthesia Work

શું છે એનેસ્થેસિયા? ક્યારે દર્દીને એનેસ્થેસિયા આપવાની જરૂર પડે છે?

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 03:18 PM

ઓપરેશનને સરળ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે એનેસ્થેસિયાનો

 • What is anesthesia, How Does Anesthesia Work
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એનેસ્થેશિયા વિશે આપણને એવો ખ્યાલ હોય છે કે તેમાં દર્દીને કાં તો બેભાન કરવામાં આવે છે અથવા શરીરના જે ભાગનું ઓપરેશન કરવાનું હોય તેને બહેરો કરવા માટે લોકલ એનેસ્થેશિયા આપવામાં આવે છે. આ સિવાય ત્રીજી રીતે આપવામાં આવતાં એનેસ્થેશિયાને રિજિયોનલ એનેસ્થેશિયા કહે છે.

  સોયની અણી વાગે તો પણ ચીસ નીકળી જાય એવા આપણા શરીર પર ડોક્ટર વિવિધ પ્રકારનાં સાધનોથી વાઢકાપ (ઓપરેશન) કરી રહ્યાં હોય તો પણ ખબર ન પડે એ કમાલ હોય છે એનેસ્થેશિયાની.
  કલ્પના કરો કે, તમારો જીવતો નખ કોઇ પક્કડથી ખેંચી કાઢે તો! નખ નીકળે તે પહેલાં જીવ નીકળી જાય. સોયની અણી ભોંકાય તો પણ ભેંકડો તાણે એવા આપણા સંવેદનશીલ શરીર ઉપર ડોક્ટર છરીથી કાપો મૂકે તો પણ શરીર ઉપર પીછું સરકતું હોય એટલો અણસાર પણ ન આવે. તો આ જાદુ કેવો? એવાં તે કેવાં ઇન્જેક્શન હશે કે જે દર્દીને તેના ઓપરેશન વખતે આપવાથી ઓપરેશનની ખબર પણ ન પડે! અને ઓપરેશન પૂરું થાય એટલે દર્દી વોર્ડમાં વાતો કરતો હોય. આ કમાલ એનેસ્થેસિયાની છે. જેથી આજે અમે તમને ક્યારે એનેસ્થેસિયાની જરૂર પડે અને ડોક્ટર તથા દર્દીએ એનેસ્થેસિયામાં શું ધ્યાન રાખવું તે વિશે જણાવીશું.
  શું છે એનેસ્થેસિયા?
  એનેસ્થેસિયા આપવું એટલે દર્દીના પૂરેપૂરા શરીરને કે જરૂરી નાના-મોટા ભાગને કે અવયવને દવાઓ દ્વારા પીડારહિત-બહેરું કરવું. સામાન્ય વાતચીતની ભાષામાં આપણે બેભાન કરવાવાળા ડોક્ટરને શીશીવાળા ડોક્ટર કહીએ છીએ.
  પહેલાં દર્દીને બેભાન કરવા શીશી સુંઘાડવામાં આવતી હતી, એની અસર કેટલા કલાક રહેશે એ જાણી શકાતું નહોતું. હવે આધુનિક એનેસ્થેસિયાની પદ્ધતિ દ્વારા એ જાણી શકાય છે. સૌથી મજાની વાત તો એ છે કે એનાથી દર્દીના ધબકારા, દરેક શ્વાસે તેનું બ્લડપ્રેશર, શરીરમાં ઓક્સિજનનું લેવલ અને લોહીના સર્ક્યુલેશનની સ્થિતિને જાણી શકાય છે. એટલું જ નહીં, જો જરૂર પડે તો તેમાં સુધારો-વધારો પણ કરી શકાય છે. ઓપરેશન પત્યા બાદ પાંચથી સાત મિનિટમાં દર્દીને સભાનાવસ્થામાં લાવી શકાય છે.
  એનેસ્થેસિયા માટે ડોક્ટર શું ધ્યાન રાખે છે
  સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે, દરેક ઓપરેશનમાં એનેસ્થેસિયા માટે નક્કી કરેલા ડોઝ દર્દીને આપી દેવામાં આવે છે, પણ ખરેખર એવું હોતું નથી. એનેસ્થેસિયાનો ડોઝ આપતાં પહેલાં ડોક્ટર દર્દી સાથે વાત કરીને તેની મેડિકલ હિસ્ટ્રી તપાસે છે. એ દ્વારા દર્દીને અસ્થમા, ડાયાબિટીસ કે બ્લડપ્રેશર છે કે કેમ? દર્દીને પેરાલિસિસનો એટેક આવી ગયો હોય કે પછી જીવનમાં ક્યારેય અસ્થમા અથવા હાર્ટ એટેકનો હુમલો આવ્યો છે કે નહીં? તે જાણે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એનેસ્થેસિયાનો ડોઝ કેટલા પ્રમાણમાં આપવો એ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ડોક્ટર દર્દીની ઉંમરને પણ ધ્યાનમાં રાખતા હોય છે કારણ કે દરેક ઉંમરની વ્યક્તિને એનેસ્થેસિયાનો એક સમાન ડોઝ આપી શકાતો નથી.
  એનેસ્થેસિયા માટે દર્દીએ શું ધ્યાન રાખવું
  આ તો થઇ ડોક્ટર તરફથી લેવામાં આવતી તકેદારીની વાત, પણ દર્દીએ પોતે પણ તકેદારી રાખવાની જરૂર છે. કહેવાનો અર્થ એ કે ડોક્ટર જે પૂછે તેનો સાચો જવાબ આપવો જોઇએ. ઘણાબધા દર્દી પોતાની મેડિકલ હિસ્ટ્રી છુપાવતાં હોય છે. જો મેડિકલ હિસ્ટ્રી ખોટી હોય તો એનેસ્થેસિયાનો યોગ્ય ડોઝ આપી શકાતો નથી. પરિણામે ઓપરેશન દરમિયાન દર્દીની સ્થિતિ કથ‌ળી શકે છે. દર્દીના શરીરનાં અંગોને નુકસાન થવા ઉપરાંત ક્યારેક દર્દીનો જીવ જવાનું જોખમ પણ રહે છે, કારણ કે સર્જનનું કામ તો ઓપરેશન કરવા સુધી સીમિત હોય છે. ઓપરેશન દરમિયાન દર્દીના ધબકારાથી લઇ પ્રેશર, શ્વાસોશ્વાસની ક્રિયા વ્યવસ્થિત ચાલે અને શરીરનાં પ્રત્યેક અંગમાં ઓક્સિજન પૂરતો મળી રહે આ વિવિધ બાબતોનું ધ્યાન એનેસ્થેસિયોલોજિસ્ટનું હોય છે. તેથી ભૂતકાળમાં દર્દીને કોઇ શારીરિક સમસ્યાઓ સર્જાઇ હોય અથવા હાલમાં કોઇ બીમારીનો શિકાર બન્યા હોય તો તેને છુપાવવી ન જોઇએ. ડોક્ટર સાથે મુક્તમને તેની ચર્ચા કરવી જોઇએ. આના લીધે ઓપરેશન દરમિયાન ઊભાં થતાં કોમ્પ્લિકેશનને ડોક્ટર સરળતાથી જાણી શકે છે. બીજું, દર્દીને ઓપરેશન પછી કોઇ તકલીફનો સામનો કરવો પડતો નથી.
  એનેસ્થેસિયા ક્યાં જરૂરી?
  -સીટી સ્કેન, એમઆરઆઇ
  -ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)
  -ઇન્ટેન્સિવ કોરોનરી કેર યુનિટ (આઇસીસીયુ)
  -ઓપરેશન થિયેટરમાં
  -યુદ્ધ દરમિયાન, માસ ઇમર્જન્સી વખતે
  -વ્યક્તિગત ઇમર્જન્સી દરમિયાન
  -ડેન્ટલ કેર એનેસ્થેસિયા
  એનેસ્થેસિયામાં જો ધ્યાન રાખવામાં ન આવે તો.
  -ખાલી ચડી જાય
  -ભાનમાં આવતાં વધારે સમય લાગે
  -જે ભાગમાં શસ્ત્રક્રિયા કરી હોય ત્યાં દુખાવો થવો
  -ઇન્ફેક્શન થઇ શકે
  -અશક્તિ લાગવી
  -ઊલટી થવી
  -શ્વાસ લેવામાં તકલીફ થવી
  -ધબકારા અનિયમિત થવા
  -બ્લડપ્રેશરમાં વધઘટ થવી
  -ઓક્સિજનનું લેવલ ઘટી જવું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ