તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જહાઁ રહેગા વહીં રોશની લુટાએગા કિસી ચરાગ કા અપના મકાઁ નહીં હોતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેતાલીસ વર્ષના કનુભાઈ રોજ પંખીને ચણ નાખે. આર્થિક હાલત અત્યંત નબળી. આજથી 22 વર્ષ પહેલાં 2200 રૂપિયાનો પગાર. ખાનગી પેઢીમાં ગુમાસ્તાની નોકરી. સંતાનમાં એકનો એક દીકરો. નામ રાખ્યું વીનેશ.
વીનેશ ઘણીવાર પૂછી લેતો હતો, 'પપ્પા, આપણે કેવી રીતે જીવીએ છીએ તે હું જોઉં છું. તમારા ટૂંકા પગારમાં આપણા ત્રણ જણાનું પેટ ભરાતું નથી તો પછી આંગણામાં રોજ પંખીને ચણ શા માટે નાખો છો?'
કનુભાઈ જવાબ આપતા, 'બેટા, હું શાસ્ત્રો તો ભણ્યો નથી, પણ હું જ્યારે નાનો હતો ત્યારે એક સાધુએ કહ્યું હતું કે પંખીઓ પરમાત્માના દૂત છે. ક્યારેય કોઈ ચીજની જરૂર પડે તો પ્રભુ પાસે માગતા પહેલાં એક વાર પંખીઓ પાસે માગી લેજો. જો ન આપે તો મારી વાત ભૂલી જજો અને જો આપે તો...'
'તો શું?' નાનકડા વીનુની આંખમાં જિજ્ઞાસા હતી.
'તો શું એ પેલા સાધુએ કહ્યું નહીં. શ્રીનાથજી બાવાની જય બોલીને એ ચાલ્યો ગયો. મને આજ સુધી સમજાતું નથી કે એક ભગવા વસ્ત્રધારી સાધુએ પોતાના આરાધ્ય દેવ શંકર ભગવાનનું નામ બોલવાના બદલે શ્રીનાથજીની જય શા માટે બોલાવી હશે?'
દારિદ્ર્યમાં સબડતા અને શ્રીનાથજી ભગવાનનું નામ લઈને પંખીઓને ચણ નાખતા કનુભાઈ કઠિન જિંદગીનાં આકરાં વર્ષો પસાર કરતા રહ્યા. એક રૂમ અને રસોડાનું ભાડાનું મકાન હતું. એક દીકરો હતો અને લાખ અરમાન હતાં. વીનેશ મોટો થયો. બોર્ડની પરીક્ષા આપી. 62 ટકા માર્ક્સ સાથે પાસ થયો. ઘરમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. વીનેશને ફાર્માસિસ્ટ બનવું હતું, પણ આટલા માર્ક્સ સાથે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ફાર્મસીની એક પણ કોલેજમાં પ્રવેશ મળી શકે તેમ ન હતો.
કનુભાઈએ દીકરાને ખૂબ સમજાવ્યો, 'બેટા, સાયન્સ કોલેજમાં એડમિશન લઈ લે. ઘરના રોટલા ખાઈને બી. એસસી. થઈ જવાશે.'
વીનેશ રડવા લાગ્યો, 'ના પપ્પા, મારે ફાર્મસીનું જ ભણવું છે. ગુજરાતમાં નહીં તો ગુજરાતની બહાર. મારા બે મિત્રો માહિતી લઈ આવ્યા છે કે બેંગલુરુની એક કોલેજમાં અમને ત્રણેયને એડમિશન મળી જાય તેમ છે. તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. એટલે ભણવાની ફી અને હોસ્ટેલનો ખર્ચ વધારે થશે, પણ મારે ત્યાં એડમિશન લેવું જ છે.' આટલું કહીને વીનેશ ચોધાર આંસુએ રડવા લાગ્યો.
દીકરાને રડતો જોઈને એની મમ્મીને દયા આવી ગઈ, 'તમે આવું કેમ કરો છો, આપણા એકના એક દીકરાને રડાવો છો શા માટે? હું મારા બધા જ દાગીના વેચી નાખવા માટે તૈયાર છું. તમે ફીની ચિંતા ન કરો.'
કનુભાઈ બગડ્યા, 'ફીની ચિંતા કેમ ન કરું? તારી પાસે જેટલાં ઘરેણાં છે તે બધાં વેચી નાખીએ તો પણ દીકરાનો ફક્ત એક જ વર્ષનો ખર્ચ નીકળશે. પછી બીજાં વર્ષોનું શું?'
પત્ની ડૂસકું ભરતાં બબડી ગઈ, 'એ બધો વિચાર દીકરો પેદા કરતા પહેલાં કરવો હતો ને?'
એ સાંજે કનુભાઈએ આંગણામાં ચણ નાખવાને બદલે ત્રણ ચીકુ મૂકી દીધાં. ઝાડ ઉપર બેઠેલી ચકલી ઊડીને આવી ગઈ. સામેના ઘરના ઝાંપા પરથી કબૂતર ઊડી આવ્યું. શેરીમાં ઊભેલા લીમડાના થડ પાસે રમતી ખિસકોલી દોડી આવી. ચીકુ ખાતાં આ ત્રણેય અબોલ જીવોને જોઈને કનુભાઈ રડી પડ્યા. બે હાથ જોડીને બોલી ગયા, મારી ત્રેવડ તો ચપટી ચણ નાખવા જેટલી જ છે, પણ આજે તમને ફળોનો નિવેધ ધરું છું. પરમાત્મા સુધી મારી વાત પહોંચાડજો.'
એ રાત જેમતેમ કરીને પસાર થઈ ગઈ. સવાર પડતાં જ દીકરાને લઈને કનુભાઈ નીકળી પડ્યા. ટ્રેનની લાંબી મુસાફરી કરીને બેંગલુરુ પહોંચ્યા. ટેક્સી કરીને ફાર્મસી કોલેજ જઈ પહોંચ્યા. એડમિશન માટે લાંબી લાઇન લાગી હતી. એમનો વારો આવે ત્યાં સુધીમાં પગે પાણી ઊતરી ગયાં, પણ આખરે ધક્કો વસૂલ થઈ ગયો. બારી પાછળ બેઠેલા ક્લાર્કે દક્ષિણ ભારતીય લહેજામાં કહ્યું, 'તુમકો એડમિશન મિલ ગયા. મની લાયા હૈ?'
કનુભાઈનું હિન્દી વળી ક્યાં સારું હતું, 'હા, લાવ્યા હૂં. કિતના દેવાના?'
જવાબમાં ક્લાર્કે એક છાપેલો કાગળ પકડાવી દીધો. એમાં જાતજાતની ફીની યાદી વંચાતી હતી. વાંચીને કનુભાઈને ચક્કર આવી ગયાં. એમણે ધીમા અવાજમાં દીકરાને ઇશારો કર્યો, 'ચાલ બેટા, આ કોલેજમાં ભણવું તે આપણા ગજા બહારનું કામ છે.' વીનેશની આંખમાં આંસુ છલકાયાં. કનુભાઈની આંખ પણ ભીની થઈ ગઈ. આ જોઈને ક્લાર્ક વિચારમાં પડી ગયો, 'ક્યા હુઆ? તુમ દોનોં ક્રાઇંગ?'
કનુભાઈએ પોતાની કરમ કઠણાઈ ખુલ્લી કરી દીધી. ક્લાર્ક ફરી પાછો વિચારમાં પડી ગયો. પછી બોલ્યો, 'તુમ સાઇડ મેં ખડે રહો. મૈં કુછ કરેંગા.' બે-ચાર ઉમેદવારો હજુ બાકી હતા. એને નિપટાવી લીધા પછી ક્લાર્કે બારી બંધ કરી દીધી. કનુભાઈને કહ્યું, 'કમ વિથ મી. હમ ટેક્સી મેં જાયેંગા. ચલો.'
ક્લાર્કે જ એક ટેક્સી ઊભી રખાવી. તેમાં બેસી ગયા. ક્લાર્કે ટેક્સીચાલકને કન્નડ ભાષામાં સરનામું જણાવ્યું. ટેક્સી દોડવા લાગી. ઠેકાણું ખૂબ દૂર હતું. આખરે પહોંચી જવાયું. બપોરના ત્રણ વાગ્યા હતા. આંખો સામે એક ભવ્ય મકાન ઊભું હતું. બાપ-દીકરો ક્લાર્કની પાછળ પાછળ બંગલામાં પ્રવેશ્યા.
સિક્યોરિટી ગાર્ડ ક્લાર્કને ઓળખતો હોય એવું લાગ્યું. એણે ફોન કરીને ઘરમાં કોઈની સાથે વાત કરી લીધી. કનુભાઈને કન્નડ ભાષામાં તો શું સમજ પડે, માત્ર એટલું સમજાયું કે ચોકીદારની વાતમાં બે-ત્રણ વાર 'અમ્મા... અમ્મા...' જેવો શબ્દ વપરાયો હતો. બંગલામાં દાખલ થયા ત્યારે સાચ્ચે જ અમ્માનાં દર્શન થયાં. એક આધેડ ઉંમરની, શ્યામ વર્ણની, અત્યંત ભલી દેખાતી એક દક્ષિણ ભારતીય મહિલાએ આવા અસૂરા ટાણે પણ સસ્મિત ચહેરે આવકાર આપ્યો. પછી ક્લાર્કની સામે પૃચ્છાભરી નજરથી જોયું. ક્લાર્કે કન્નડ ભાષામાં વાતચીત શરૂ કરી, અમ્મા ઘણું બધું સમજી ગયાં. જે થોડું ઘણું બાકી રહ્યું તે માટે એમણે કનુભાઈની સામે જોયું. અમ્માની હિન્દી તો સાવ ભાંગી તૂટી હતી, 'તુમ્હારા સન સ્ટડી કે લિયે આયા? નો મની?'
કનુભાઈની આંખો છલકાઈ ઊઠી. જે કામ રાષ્ટ્રભાષા ન કરી શકી તે અશ્રુભાષાએ કરી આપ્યું. અમ્માએ સહી કરેલી ચેકબુક ક્લાર્કના હાથમાં મૂકી દીધી. ધીમા અવાજમાં કન્નડ ભાષાની કૃપા ગુજરાતી પ્યાસા માટે વરસી રહી. ક્લાર્કે પૂરી રકમ ચેકમાં ભરી દીધી. પછી એને કનુભાઈને કહ્યું, 'તુમ્હારા પ્રોબ્લેમ સોલ્વ હો ગયા. અમ્માને યસ બોલ દિયા હૈ. હર સાલ તુમકો મની મિલ જાયેગા.'
કનુભાઈ અવાક. અમ્માનો આભાર માનવા માટે એમની ભાષા ક્યાંથી લાવવી, રડતાં રડતાં લાકડી બનીને અમ્માનાં ચરણોમાં ઢળી પડ્યા. અશ્રુભાષામાં અંગભાષા ઉમેરાઈ ગઈ. પછી ઊભા થઈને ક્લાર્કને પૂછવા લાગ્યા, 'આ કોણ હૈ? તુમ્હારે શહર કા સબસે મોટા પૈસાદાર કુટુંબ હૈ?'
ક્લાર્ક હસ્યો. સામેની દીવાલ પર એક ફોટો લટકતો હતો. તે બતાવીને એણે કહ્યું, 'ઇસકો પહચાનતા હૈ, યહ અમ્મા કા બેટા હૈ.'
કનુભાઈ તો ન ઓળખી શક્યા, પણ વીનેશ ઓળખી ગયો. ફ્રેમિંગ કરેલી એ વિશાળ તસવીરમાં ટીમ ઇન્ડિયાનો એક ધુરંધર ખેલાડી જોઈ શકાતો હતો. ટેસ્ટ ક્રિકેટના શ્વેત વસ્ત્રોમાં એકવડિયો બાંધો ધરાવતો ટીમ ઇન્ડિયાનો સૌથી જેન્ટલમેન ખેલાડી બોલિંગ કરતો હોય તેવી મુદ્રામાં મઢાયેલો હતો. વીનેશ ઊછળી પડ્યો, 'આ તો મારો ફેવરિટ બોલર છે. આ એનું ઘર છે, મારે એની સાથે વાત કરવી છે. '
અમ્મા હસી પડ્યાં. એમણે તરત જ દીકરાને ફોન કર્યો. કન્નડ ભાષામાં વાત કરી. પછી ફોન વીનેશના હાથમાં મૂકી દીધો. વીનેશ અકલ્પ્ય ઉત્તેજનામાં હતો. ભાંગીતૂટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પોતાની ઉત્તેજના ઠાલવવા માંડ્યો. સામેથી ઘેરો, ગંભીર અને મેચ્યોર અવાજ સંભળાયો, 'પઢાઈ મેં ધ્યાન રખના. પૈસે કી ચિંતા મત કરના. જિતના પઢના હો ઉતના પઢતે રહના. ગુડ લક!'
કનુભાઈ વર્ષો પછી બોલી ઊઠ્યા, 'શ્રીનાથજી બાવાની જય!'
વીનેશ એમ.ફાર્મ. સુધી ભણ્યો. પૈસાની ચિંતા કર્યા વગર ભણ્યો. તેની બુક્સનો, એના ભોજનનો તથા અન્ય તમામ ખર્ચાઓ અમ્મા તરફથી અપાતા રહ્યા. એક નાનકડી મુશ્કેલી હજુ નડવાની બાકી હતી. કોલેજનાં 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં હતાં તેની ઉજવણી માટે ભવ્ય આયોજન થઈ રહ્યું હતું. પ્રિન્સિપાલનો આદેશ હતો, 'તમામ સ્ટુડન્ટ્સના વાલીઓએ પણ હાજર રહેવાનું છે.'
અન્ય સમાચારો પણ છે...