ગુજરાતના આ 10 ગામના લોકો છે ખારૂં પાણી પીવા મજબુર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાનું પેય જળ ઔદ્યોગીક એકમોને ફાળવાતા સર્જાયેલી સમસ્યા ૧૫૦૦થી ૧૭૦૦ ટીડીએસ વાળું પાતાળ કૂવાનું પાણી અપાતું હોવાનો આક્ષેપ માંડવી તાલુકાના બિદડા ગામના નર્મદા સંપ પર પૂરૂં પાડવામાં આવતું પાણી ગ્રામજનોને નસીબ થાય તે પૂર્વે ઉદ્યોગોને ફાળવી દેવાતું હોવાથી બિદડા સહિત આસપાસના ૧૦ જેટલા ગામના લોકોને નાછુટકે ૧૫૦૦થી ૧૭૦૦ ટીડીએસવાળું પાણી પીવું પડતું હોવાથી પાણીજન્ય રોગોથી પીડાય છે. આ તાલુકાના ૪૦ ગામોને નર્મદાનું મીઠું પાણી મળે તે માટે રૂ. ૩૫૦ કરોડના ખર્ચે અંજારથી બિદડા સંપ સુધી લાઇન નાખવામાં આવી છે પણ છેલ્લા અઢી વર્ષથી તેમાં આવતું પેય જળ ઔદ્યોગિક એકમને ફાળવી દેવાય છે તેવો આક્ષેપ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી વાઘજી વી. સંઘારે કરતાં ઉમેર્યું હતું કે, અવા હળાહળ અન્યાયના કારણે ક્ષારવાળું પાણી પીવું પડતું હોવાથી લોકો પાણી જન્યરોગોના ભોગ બની રહ્યા છે. બીજી બાજુ આ બાબતે કાર્યપાલક ઇજનેર ગોરાતોલાએ કહ્યું હતું કે, આજુબાજુના ગામોને નર્મદાનું પાણી પૂરૂં પડાય જ છે. આ અંગે કોઇ ફરિયાદ તેમની પાસે આવી નથી. વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ગામો માટે દૈનિક ૪થી ૫ એમએલડી નર્મદાનું પાણી ફાળવાય છે જે ખરેખર અન્યત્ર પગ કરી જાય છે કે નહિ તે હવે તંત્રે ચકાસવાનું રહ્યું.