UKની સ્વામિનારાયણ સ્કૂલમાં ફોરેનરોને ગુજરાતીઓએ ડોલાવ્યા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાણી ક્વીન એલિઝાબેથના રાજ્યારોહણ હિરક મહોત્સવમાં ગુજરાતીઓ પણ સામેલ

ઇ.સ. ૧૯૫૨માં હાલના બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથની એમના પિતા જ્યોર્જ છઠ્ઠાના અવસાન પછી રાજ્યારોહણના ૬ દાયકા પુરા થયા. આ નિમીત્તે યોજાયેલા હિરક મહોત્સવને અહીંની પ્રજા ખુબ જ ધામ ધૂમથી ઉજવી રહી છે. ચાર દિવસની રજાઓ બધાએ અનેક પ્રકારના ઉત્સવો ઉજવી ભરપેટ માણી રહ્યા છે. ક્યારેક તડકો, વરસાદ અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે પણ પલળવાની તૈયારી અને છત્રીઓ સાથે કલાકો સુધી લંડન, અહીંની થેમ્સ નદી અને એના બંન્ને કીનારા થી માંડી બ્રિટનના બધા જ શહેરોને રોડ શૉ અને સ્ટ્રીટ પાર્ટીઓ વડે રંગીન બનાવી દીધી.

વિશ્વના અનેક દેશોમાંથી એક યા બીજા કારણોસર આવીને વસેલ પ્રજાઓ પણ આ હિરક મહોત્સવમાં સામેલ થઇ. ભારતીય પ્રજા પણ એમાં અગ્રસ્થાને છે, આ ઉજવણીમાં બ્રિટનમાં સ્થાયી થયેલ ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ કઇ રીતે બાકી રહી શકે?

લંડનના નિસડન વિસ્તારમાં આવેલ વિશ્વ વિખ્યાત અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સ્કૂલના પ્રાંગણમાં આ નિમીત્તે બે દિવસ માટે ભવ્ય મેળાનું આયોજન થયું. લંડનની કલા સંસ્થાના કલાકારો અને સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓએ અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, ભારત નાટ્યમ, કથ્થક, ભાંગરા અને ગુજરાતી ગરબાએ દર્શકોને ડોલાવ્યા. આ મેળામાં સ્વાભાવીક રીતે ખાણી-પીણીના સ્ટોલ પણ હોય જ. પાણી પુરી, ભજીયા, ભેળ ચાટ, ઢોંસા અને આઇસક્રીમ ભરપેટ માણવાની તક કોઇ છોડે ખરૂં? આ ભીડમાં અનેક બ્રિટીશ ગૌર ચહેરાઓ પણ ધણા જોવા મળ્યા. બાળકોના મનોરંજન માટે પણ અનેક પ્રકારના ચગડોળથી માંડી અને રાઇડ્સની સુવિધાઓ ઉપલબ્ધ હતી. મનગમતા વસ્ત્રોની ખરીદીનો અવસર કોઇ ચૂકવા નહોતું માંગતું, મહિલાઓએ પણ ધૂમ ખરીદી કરી.

ઉત્સવોની ઉજવણીના હીલોળા લેતા આ રંગીન વાતાવરણ અને મહારાણી ક્વીન એલિઝાબેથના દરેક કાર્યક્રમમાં એમની ઉપસ્થિતીને પ્રીન્ટ, ટી.વી અને હવે ઇન્ટરનેટ માધ્યમોએ દુનિયાના લગભગ બધા દેશો સુધી પ્રસારીત કરવામાં જરાય કચાશ છોડી નથી. જે બ્રિટીશ પ્રજા અને આગામી પેઢી માટે એક સંભારણું બની સચવાશે.

આ તસવીરો અને જાણકારી અમારા વાચકમિત્રએ લંડનથી મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો હોય તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.

અહેવાલ અને તસ્વીરોઃ શરદ રાવલ, લંડન