તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરઠની એક રૂપાળી અને તેજીલી સ્ત્રીની દાસ્તાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિંહને જોવો અને જાણવો...આમાં કેટલો બધો ફરક છે એ વાત પુસ્તકોમાં તો વાંચી હતી પણ વનરાજ-પ્રેમી ભવાનીસિંહ મોરીના વિશાળ દિવાનખાનામાં ચારેતરફ ટીંગાતો સિંહ-છબીઓની સાથોસાથ તેમની અનુભવકથા જાણી ત્યારે જ ખ્યાલ આવ્યો કે આપણા દિલદિમાગમાં બેઠેલો સિંહ અને જંગલમાં રહેતો સિંહ-બે વચ્ચે તો આકાશપાતાળનું અંતર છે!

ભવાનીસિંહ મોરીને મળવાનું તો અચાનક થયું. ઇતિહાસપ્રેમી મિત્ર ભૂપેન્દ્ર દવેએ તો ઘણા સમયથી કહી રાખ્યું હતું કે વઢવાણમાં એક માણસ મળવા જેવો છે; મળ્યા પછી તમને ય એવું લાગશે. સુરેન્દ્રનગરની સાવ નજીક-કહો કે ટ્વિન સિટી-જેવું વઢવાણ હજાર વર્ષ જૂનું છે.

'ખંડહર બતા રહા હૈ કિ ઇમારત કિતની બુલંદથી' એવું આજનાં, ભીડભાડિયાં, સાંકડી ગલી અને ગંદકીભર્યા વઢવાણ પરથી લાગે. એક સમય એવો હતો કે સમગ્ર સૌરાષ્ટ્ર માટેનું આ પ્રવેશદ્વાર હતું. વઢવાણ જેના અંકુશમાં હોય તે જ કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)ને જીતી શકે એટલે અહીં મોટો ગઢ હતો (હવે થોડાક જ અવશેષ બાકી છે). આઠમી સદીમાં તેનું નામ 'વર્ધમાન ભુક્તિ' હતું. અણહિલપુર પાટણ (આજના મહેસાણાનું નગર પાટનગર)થી જૂનાગઢ સુધીનો સૈન્યનો રસ્તો અહીંથી પસાર થતો. પરંતુ વઢવાણની સાથે જૈનોની આસ્થા એક રસપ્રદ કહાણીથી શરૂ થાય છે. કહે છે કે અહીં ચોવીસમાં તીર્થંકર વર્ધમાન સ્વામી આવ્યા ત્યારે 'માણસ ગંધાય, માણસ ખાંઉ'નો ત્રાસ વર્તાવતો શૂલપાણિ યક્ષનો હાહાકાર હતો. તીર્થંકરે તેને 'અહિંસક મનુષ્ય' બનાવ્યો, ને ગામને નામ મળ્યું 'વર્ધમાનપુરી!'

ભવાનીસિંહના સિંહોની વાત કરતાં પહેલાં અહીંની બે 'સિંહણો'ની યે વાત કરી લઇએ. હવે જેને સુરેન્દ્રનગર જિલ્લો કહે છે તેનું અસ્સલ નામ ઝાલાવડ. ભોગાવો, કંકાવટી, ડોકોમરડી, ગોમા તેની નદીઓના નામ! આમાં ભોગાવો વઢવાણ-સુરેન્દ્રનગર-જોરાવગરથી 'ટ્રોઇકા-ટાઉન'વાળી નદી છે. નદી તો શું, કારખાનાનાં કાદવનું ગંધાતું પાણી! પણ, એક જમાનો હતો ભોગવો નદીનો. ઇ.સ. 1114માં પાટણના સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઇ કરી. કારણ? એક રૂપાળી તેજીલી સ્ત્રી. નામ રાણક. સિંધમાં ત્યજાયેલી કન્યાને જૂનાગઢના મજેવડી ગામના કુંભારે પાળી-પોષીને મોટી કરી. સિદ્ધરાજ દરબારીઓ ફરવા નિકળ્યા ને આ કુંભારને ત્યાં રાત રોકાયા. (ઘણા બાંબા સમય સુધી સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પરંપરા હતી કે કોઇ અજાણ્યો વટેમાર્ગુ ગામમાંથી પસાર થાય અને રાતવાસો કરવો હોય, ગામમાં કોઇ તેને જાણતું ના હોય તો કુંભારના ઘરમાં તો આશરો મળે જ મળે! )

યુવા રાણક નજરે પડી. પાટણ જઇને સિદ્ધરાજને વાત કરી. તુરંત 'માગુ' નાખવામાં આવ્યું. રાણકની મરજી નહોતી. દરમિયાન જૂનાગઢનો રાજા રા'ખેંગાર મજેવડી આવ્યો. 'પહેલી નજરે પ્રેમ' થયો, રાણક સાથે રાતોરાત લગ્ન કર્યા. થોડાંક મહિના પછી સિદ્ધરાજને ખબર પડી એટલે તેણે લશ્કર સાથે હુમલો કર્યો-વાયા વઢવાણ!

પણ, તેને શી ખબર કે પાછા ફરતાં આ વઢવાણમાં જ, તેની રાજકીય પ્રતિભાને કલંકનો ડાઘ સ્થાપિત થશે? રાણકને ખેંગાર સાથેની લડાઇ અને જીત મેળવ્યા પછીયે પામવી સરળ નહોતી. ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસના પંડિતો તો એવું જ કહે છે કે સિદ્ધરાજ-રાણક જેવી કોઇ ઘટના જ થઇ નથી. આ તો સિદ્ધરાજના દ્વેષીઓએ નીપજાવી કાઢેલી વાત છે. સિદ્ધરાજ મહિલા શોખીન હતો એવું જણાવતી બીજી વારતા જસમા-ઓડણની યે છે. 'બાબારા ભૂત' નામે પંચમહાલના રાજાને વશ કરાનારો 'બર્બરકજિષ્ણુ મહારાજ સિદ્ધરાજ જયસિંહ' આવો હશે ? કોણ જાણે! આપણને તો એટલું જ ભણાવવામાં આવ્યું છે કે તે ભારે વિદ્યાપ્રેમી હતો, સંસ્કારી હતો, હેમચંદ્રાચાર્યને વ્યાકરણ માટે પ્રેર્યા અને તેમનું પુસ્તક 'સિદ્ધહેમ અનુશાસન' હાથીની અંબાડી પર ફેરવીને ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા કરી હતી.

...પણ, સોરઠવાસી (જેને માટે એક દૂહો છે: 'સાચ્ચું સોરઠિયો ભણે!') આનાથી વિપરીત રાણકના વખાણ કરે છે. અનેક દિવસ સુધીની ખેંગાર-સિદ્ધરાજ વચ્ચેની લડાઇ, દેશળ-વિશળની દગાબાજીથી ગઢનું પતન, ખેંગારની હત્યા, તેના એક પુત્રનું બલિદાન અને સિદ્ધરાજ દ્વારા રાણકદેવીને વિનંતી અને પછી દમનપૂર્વક અપહરણ: આ કથામાં એક પ્રસંગ શબ્દની તાકાતનો યે આવે છે. સિદ્ધરાજ રાણકને બળજબરીથી ખેંચવા લાગ્યો, એટલે રાણકે ગિરનાર પર્વતને સંબોધન કર્યું :

ઊંચો ગઢ ગિરનાર,
વાદળથી વાતું કરે
મરતા રા'ખેંગાર
રંડાયો રાણકદેવીને,
ગોઝારા ગિરનાર
વળામણ વેરીને થયો,
મરતાં રા'ખેંગાર
ખરેડી ખાંગો નવ થિયો?

ભાષાનો અગ્નિ આનું નામ! કહે છે કે તુરત ગિરનાર ખળભળવા લાગ્યો. શિલાઓ નીચે ધસમસી. રાણકને થયું કે આવો વિનાશ કેમ નોતરી શકાય? એટલે કહ્યું,

મા પડ મારા આધાર
ચોસલાં કોણ ચડાવશે?
ગયા ચડાવણહાર,
જીવતાં જાતર આવશે!

...અને ગિરનારનો ખળભળાટ બંધ થઇ ગયો! આજે પણ ગિરનાર પર્વતારોહણમાં એક જગ્યા એવી આવે છે કે જ્યાં વિશાળ શિલા અધ્ધર માંડમાંડ લટકેલી છે! 'રાણકનો થાપો' નામે તે જાણીતી છે.

આવું બની શકે? લોકસાહિત્યમાં આવું બન્યું છે. 1969માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન જૂનાગઢમાં યોજાયું ત્યારે સાહિત્યકારોને ઉપરકોટ લઇ જવાયા. ઉપરકોટનાં પગથિયાં પર ઊભા રહીને આપણા શતાયુ વિદ્ઘાન કે.કા.શાસ્ત્રીએ ઉમાશંકર જોષીને કહ્યું: જુઓ, જુઓ, ઉમાશંકર! આ ઉપરકોટનાં પગથિયેથી લાલઘૂમ અગનજ્વાળા જેવી રાણક નીચે ઉતરી હતી. કનૈયાલાલ મુનશીએ આ પગથિયાં અને રાણકના 25-25 પગલાંનું વર્ણન તેમની નવલકથામાં કર્યું છે.

લોકસાહિત્યમાં તેજસ્વિની તરીકે અમર થઇ ગયેલી રાણકદેવી ઉત્તમ કવયિત્રી હોવી જોઇએ! કે પછી તેનાં પાત્રથી પ્રભાવિત થઇને કવિ-લોકકવિઓએ તેનાં મોંમાં પ્રભાવી કાવ્ય સ્થાપિત કર્યું હશે? સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ તેને બળજબરીથી લઇ જઇ શક્યો નહીં. વઢવાણમાં ભોગાવાને પાદર તેણે અગનજ્વાળાની વચ્ચે બલિદાન આપ્યું. સિદ્ધરાજને તેણે કહ્યું,'મને પામવાની લાલસા છે ને? તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઇજા. કદાચ, આવતા ભવે તું મને મેળવી શકે.' સ્ત્રીનાં 'સતિ' થવાની સાથે પુરુષના 'સતા' થવાનું આવું આહ્વાન કરનારી આ એકલી રાણકદેવી!

અગ્નિચિતા પર તે ચઢી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું હતું : ''જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઇ છું તેમ તું પણ મેઘ (વરસાદ) વિના દૂર્બળ છે; તેં મારા પર્વતરૂપી પ્રિયસ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે: આપણે બન્ને એક સરખા છીએં!

વઢવાણની ગલીઓ અને ભોગાવાકાંઠે રાણકમંદિરની આ દાસ્તાં ગુજરાતના વર્તમાનને દૂર સુધી દોરી જતો એક ભાગ છે; ભવાનીસિંહના 'સિંહ' સાથે તેનો સંબંધ છે કેવી રીતે, તે પછીના લેથમાં જાણીએ.