દમણમાં મળેલી સયુંકત બેઠકમાં માછીમારોની ઉગ્ર રજૂઆત

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા કેબલ સ્ટેડ બ્રિજની જગ્યા બદલો દમણ પ્રશાસન દ્વારા ટૂંક સમયમાં મોટી દમણ અને નાની દમણને જોડતા નવા કેબલ સ્ટેડ બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. આ કેબલ સ્ટેડ બ્રિજના નિર્માણ થકી નાની દમણ તરફ જે એપ્રેચ રોડ બનાવાશે તેનો દમણના માછીમારોએ વિરોધ કર્યો છે. એપ્રોચ રોડના લીધે માછીમારોના રહેણાંક વિસ્તારની ચાર શેરીઓ બંધ થઇ જશે. પ્રશાસન દ્વારા જે જગ્યા નક્કી કરાઈ છે. તેનો વિરોધ કરીને જૂના પુલને તોડી તેની જગ્યાએ આ નવો પુલ બનાવામાં આવે તે અંગે શનિવારે યોજાયેલી બેઠકમાં અધિકારીઓ, માછીમારો અને જનપ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રશાસક નરેન્દ્રકુમારે જણાવ્યું કે, પ્રશાસન દ્વારા દમણના લોકોની માગણીના આધારે નાની દમણ અને મોટી દમણ વચ્ચે કેબલ સ્ટેડ બ્રિજ મોટી દમણ લાઇટ હાઉસથી નાની દમણ સમુદ્રનારાયણ સુધી બનાવામાં આવનાર છે. આ યોજના સાકાર લે તે પહેલાં જો કોઇને વિરોધ હોય તો જણાવે. બેઠકમાં ઉપસ્થિત માછીમારોએ આ જગ્યા બાબતે વિરોધ કરતાં બ્રિજનું જે સ્થળે નિમાર્ણ કરવાનું છે, તેનું બીજી જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં આવે એવી માગ કરી હતી. પ્રશાસકે જાહેર બાંધકામ વિભાગ અને ઓઆઇડીસીના અધિકારીઓને માછીમારોની લાગણીને જોતા સાઇટ ઇન્સ્પેકશન કરવા માટે જણાવ્યું હતું. આ આદેશના આધારે શનિવારે સવારે નાની દમણ જેટી ખાતે સમુદ્રનારાયણ મંદિરમાં અધિકારીઓ, માછીમારો અને સાંસદ લાલુભાઇ પટેલ સહિ‌ત જનપ્રતિનિધિઓની બેઠક મળી હતી. આ બેઠકમાં માછીમારો અને જનપ્રતિનિધિઓએ એક સૂર થઇ પ્રશાસન જે સ્થળ ઉપર બ્રિજ બનાવા માગે છે તેની જગ્યાએ જૂના પુલને તોડી તેના સ્થાને નવો કેબલ સ્ટ્રેડ બ્રિજ બનાવાય તેવી માગ કરી હતી. માછી મહાજનના સભ્ય પ્રેમાભાઇ માછીએ જણાવ્યું કે, નવો કેબલ સ્ટેડ બ્રિજ પ્રશાસન જે સ્થળે બનાવવા માગે છ. તેના નાની દમણ તરફના એપ્રોચ રોડના બાંધકામને લઈ સ્લોપ પડવાથી માછી સમાજની પરકોટા શેરી, બાટલી શેરી, માસ્ટર શેરી અને મોટેગામ શેરીનો દરિયા કિનારે તરફ જવાનો માર્ગ બંધ થઇ જશે. બીજું દરિયા કિનારે માછીમારોને બોટને લાંગરવાની પણ તકલીફ પડશે. માછી મહાજન, મત્સ્ય સોસાયટીના ચેરમેન ગોપાલ દાદા, સાંસદ લાલુભાઇ પટેલ, પૂર્વ સાંસદ ડાહ્યાભાઇ પટેલ, કોંગેસ પ્રમુખ વિશાલ ટંડેલ, કાઉન્સીલર જીજ્ઞેશ જોગી,પંકેશ મીટના તથા ઉપસ્થિત તમામ માછીમારોએ વિરોધ કર્યો હતો.