એમ અમદાવાદીઓના કહેવાથી લુચ્ચો વરસાદ થોડો પડે છે?

adhir amdavadi gujarati artical on rain fall in gu

Adhir Amdavadi

Jul 07, 2011, 09:03 PM IST

rain_300અમદાવાદીઓ વરસાદ વરસાદ કરે છે. પણ એમ અમદાવાદીઓના કહેવાથી એ થોડો પડે છે ? હવામાન શાસ્ત્રીઓએ તો ઉનાળાના અંતિમ ચરણમાં કહી દીધું હતું કે આ વખતે ચોમાસું સાધારણ એટલે કે નોર્મલ છે. ન વધુ ન ઓછું. પ્રમાણસર. પણ સાધારણ રીતે જુનના ત્રીજા અઠવાડિયામાં શરુ થતો વરસાદ ઠેઠ જુલાઈમાં ન થતાં, લોકો કબજીયાતના દર્દીની જેમ બેચેન થઇ ગયાં છે. અરે, હેર કટિંગ સલુનવાળો કેશ કર્તન કલાકાર રસ્તા પર ફુવારો સાફ કરતો હોય તેમાં લોકો ખુશ થઇ જાય છે. અને એમાં અમારા બકુભા બાપુ તો એર ગન લઈને ધાબે ચઢી ગયાં છે, કે આજે તો વાદળમાં કાણાં પાડી દેવા છે, પછી જોઈએ કૈનો નથી વરસતો ?

વડોદરામાં પડ્યો અને સૌરાષ્ટ્રમાં પણ પડે છે એવાં સમાચાર માત્રથી અમદાવાદમાં બફારો બમણો થઇ જાય છે. સ્ટીમ બાથ અને સોના બાથ તો આમેય અમદાવાદમાં મફત જ મળે છે એટલે સ્પા અને હેલ્થ ક્લબવાળાઓ અમદાવાદમાં કપાળ કૂટે છે. મકાઈની લારીઓ વાળા, લીલી ચા અને આદું વેચતા શાકવાળા, છત્રીવાળા, તાડપત્રીવાળા, ભાજીયા વાળા, કાયમી પાણી ભરાવવાની જગ્યાઓએ ધક્કા મારતી ગેન્ગ વાળા, અને આવાં વજુભાઈ સિવાયના બધાં વાળાઓ નિરાશામાં ગરક થઇ ગયાં છે. અને જે દાળવડાની લારીઓ ચોમાસાના પ્રતાપે દુકાનો બની ગઈ છે, તે પણ હજુ ઉનાળો છે, એ હિસાબે જ ઘાણ તૈયાર કરે છે.

આટલું જ નહિ પ્રાણી જગતમાં પણ સન્નાટો છવાયેલો છે. કૂતરાઓને પલળવું જરાય નથી ગમતું એટલે એ જરા ગેલમાં છે, પણ એને છોડીને સર્વ પશુ પક્ષી જગત ત્રસ્ત છે. મોરલાઓ પણ ટહુકો કરવાની પ્રેક્ટીસ કરીને થાક્યા છે, અને આજકાલ માંડ એમનો અવાજ નીકળે છે. ગાયો ક્યારે વરસાદ પડે ને ક્યારે લીલું ઘાસ ખાવા મળે એ વિચારીને નિસાસા નાખે છે. માખીઓ, ક્યારે ગંદકી થાય અને ક્યારે માણસોનું જીવન હરામ કરીએ એ વિચારે દુખી છે. અને પેલા ભૂંડ કોરી માટીમાં જ આળોટી શકે છે, એટલે આખી ભૂંડ જમાત જાણે નાહ્યા વગર ફરતી હોય એવું ફીલ કરે છે. અને બીજાં તો ઠીક, ચાતક પણ ચાતકની જેમ વરસાદની રાહ જુએ છે. હા, પેલી ટીટોડી, ‘મેં નહોતું કહ્યું’ વાળા ભાવ સાથે ગર્વથી ફરે છે, એ અલગ વાત છે.

એકવાર વરસાદ આવશે આવશે એટલે આજ લોકો કે જે દેડકાની જેમ વરસાદ વરસાદ કરે છે એ જ બૂમો પાડશે. ‘હવે બંધ થાય તો સારું’, ‘કામ ધંધો કઈ રીતે કરવો?’, ‘ત્રાસ છે’, ‘વરસાદના લીધે મચ્છર થઇ ગયાં છે’, વગેરે વગેરે. અને એકવાર વરસાદ આવે પછી છાપાંઓમાં આ હેડલાઈન્સ નક્કી જ છે. ‘ઠેર ઠેર પાણી ભરાયા’, ‘તંત્ર સફાળું જાગ્યું’ અને ‘દોડતું થઇ ગયું’, ‘ઠેર ઠેર ભૂવા’, ‘બસ ફસાઈ’, ‘લાઈટના થાંભલો પડી ગયો’, ‘મેમનગર તળાવમાં ફેરવાઈ ગયું’, ‘લાઈટો ગુલ’, ‘ગ્લોબલ વોર્મિંગની અસરો’, ‘કરોડોના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખી તોયે પાણી ભરાયા’ વગેરે વગેરે. આમ, વરસાદને નવી વહુની જેમ કશામાં જશ નથી.

આ બધામાં કોઈ જો ખુશ હોય તો એ છે કોર્પોરેશનનાં અધિકારીઓ. જેમ કસાબને લટકવાનું છે, પણ ફાંસીની રાહમાં એ જેલમાં ચિકન બિરિયાની ખાઈને તગડો થાય છે એમ અધિકારીઓ પણ એકવાર વરસાદ પડે પછી દોડવાનું જ છે, અને ગાળો પણ ખાવાની છે જ, તો અત્યારે જે ગ્રેસ પીરીયડ મળી ગયો છે એનો લાભ લઇ મજા માણો, એવાં વિચાર કરી આનંદ લે છે. અને બીજું કોઈ આ બિન-વરસાદી વાતાવરણને પ્રેમથી નિભાવી રહ્યું હોય તો એ છે ફૂટપાથ પર સૂતાં મજુરીયા.X
adhir amdavadi gujarati artical on rain fall in gu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી