તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ભરેલી કાર સાથે વિદેશી યુવક- યુવતી ઝડપાયા પોલીસને અંગ્રેજી આવડતું ન હોય હાઈ વોલ્ટેજ ડ્રામા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગવાડા ટોલનાકા ઉપર પોલીસે શંકાના આધારે એક કારને અટકાવવા ઇશારો કરતા ચાલક નાસી છુટ્યો હતો. જેનો પીછો કરી પારડી હાઇવે ઉપર ટ્રાફિક જામ કરાયો હતો. જ્યાં કારની ચકાસણી કરતા અંદરથી દારૂનો જથ્થો મળી આવતા મુળ ઝિમ્બાબ્વે આફ્રીકા ખંડના યુવક અને મહિલાની અટક કરાઇ હતી.

પારડી પોલીસના કર્મીઓ ગુરૂવારે રાત્રે બગવાડા ટોલનાકા ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન વાપી તરફથી આવતી ફોર્ડ ફિએસ્ટા કાર ઉપર શંકા જતા તેને હાથ બતાવીને ગાડી ઉભી રાખવા ઇશારો કરાયો હતો. ચાલકે ગાડી નહી રોકી નાસી જતા આ અંગે પારડી પીએસઆઇ એચ.સી.ઝાલાને ફોન ઉપર જાણ કરી કારનો પીછો કરાયો હતો. તેથી વાપીથી સુરત જતા હાઇવે ઉપર હોટલ વિશ્રામની સામે ટ્રાફિક જામ કરતા નાસતો ચાલક તેમાં ફસાઇ ગયો હતો. પોલીસે અંદર જોતા વિદેશી ચાલક સાથે વિદેશી મહિલા બેસેલી હોય નામઠામ પુછતા યુવકે તેનું નામ બ્રાઇટન રોબસન ચિકવીરા અને મહિલાએ પોતાનું નામ થાન્ઠેકા ચીયાફીશા જુંગવાના બંને હાલ રહે.શ્યામલ ગ્રીન આજવા રોડ બરોડા અને મુળ ઝીમ્બાબ્વે આફ્રીકા ખંડના હોવાનું બહાર આવ્યું હતું. કારની ડિકીમાં ચકાસણી કરતા અંદરથી દારૂ અને બીયરની બોટલ નંગ-176 કિં.રૂ.88,000 મળી આવ્યો હતો. બંને વિદેશી આરોપીઓ સામે પ્રોહી એક્ટ કલમ 65 એ ઇ, 98(2),81 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આરોપીઓ 8 દિવસ દમણમાં રોકાયા હતા
પોલીસે કરેલી પૂછપરછમાં આરોપી બ્રાઇટને જણાવ્યુ હતું કે, તેઓ છેલ્લા 8 દિવસથી દમણમાં રોકાયા હતા અને તે દરમિયાન અલગ અલગ વાઇન શોપમાંથી દારૂ તેમજ બીયરની ખરીદી કરી હતી.

વોટ ઇઝ યોર પ્રોબ્લેમ કહેતા પોલીસનો જવાબ
દારૂ ભરેલી કારને અટકાવતા પોલીસને વિદેશી મહિલાએ ભડકીને કહ્યું હતું કે, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. જવાબમાં પોલીસે તેને ઇંગ્લિશમાં જવાબ આપ્યો હતો કે તમે ગુજરાત રાજ્યમાં છો અને અહીં દારૂ ઉપર પાબંદી હોય તમે દારૂની હેરાફેરી નહી કરી શકો છો. જોકે અંગ્રેજીમાં વિદેશી યુવકે પારડી પોલીસ પાસે આઈ કાર્ડ માગતા પારડી પોલીસે પોતાનો પરચો બતાવ્યો હતો.

ઝિમ્બાબ્વે એમ્બેસીને જાણ કરાશે
મુળ ઝિમ્બાબ્વેના હોવાથી દારૂ સાથે પકડાયેલા યુવક અને યુવતી અંગે ગુજરાત પોલીસ ઝિમ્બાબ્વે એમ્બેસીને પણ જાણ કરવામાં આવશે. જે બાદ આગળની કાર્યવાહી કરાશે.

બંને સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા
બંને વિદેશી 5 વર્ષના સ્ટુડન્ટ વિઝાને આધારે બરોડાની પારૂલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું હતું. તેમની પાસેથી કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા. ઝિમ્બાબ્વેના અન્ય મિત્રો પણ આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. આ બંને દમણ ફરવા માટે આવ્યા હતા. અને ત્યાં એક હોટલમાં રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...