પ્રવાસ અને યાત્રા વચ્ચે મળૂભતૂ ફરક કયો?

Read writer Jignesh Adhyaru Blog on difference between travel and pilgrimage

Jignesh Adhyaru

Jun 07, 2017, 10:30 AM IST
અમદાવાદ: પ્રવાસ અને યાત્રા વચ્ચે મૂળભૂત ફરક કયો? મારા મતે કોરા આનંદથી ભીના સંતોષ તરફનું પ્રયાણ એટલે પ્રવાસથી યાત્રા.. ગીરના અમારા કાયમી ઠેકાણાસમ અનેક સ્થળોમાંનું એક મનગમતું સ્થળ એટલે ચીખલકૂબા. ડેડાણ થઈને તુલસીશ્યામ તરફ જવાના રસ્તે જસાધારના ગીર અભયારણ્યના પ્રવેશદ્વારથી એકાદ કિલોમીટર પહેલા જમણી તરફ વળે છે એક કાચો-પાકો રસ્તો, ખેતરો અને ઝાડીઓની વચ્ચે થઈને ચીખલકૂબા નેસ તરફ. જો માહિતી ન હોય તો ભાગ્યે જ ખ્યાલ આવે, આવા સ્થળોની સ્વચ્છતા, સુંદરતા અને મહત્વ બચી રહ્યાં છે કારણકે એ પહોંચથી દૂર છે..
ચીખલકૂબા ગીરના એક ખૂણે આવેલો, રાવલ ડેમ પહેલાનો નેસ છે, ગીરના બધા નેસની જેમ અહીંયા પણ શામળાને ભૂલા પડવાનું મન થાય એવી મહેમાનગતી તો ખરી જ, ભક્તિની સુવાસ પણ મહેકે છે. રાવલડેમ પછી નદીના બે ફાંટા પડે છે, જેમાં વચ્ચે એક નાનકડો ટાપુ, પાણીની વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવતો, વ્યસ્ત વિશ્વની વચ્ચે એકલો કોણ જાણે ક્યારથી અડીખમ છે. ચીખલકૂબાથી ઉતરી, રાવલના ફાંટાને ઓળંગીને આ ટાપુ પર પહોંચો તો એક ઝૂંપડી, એક હવનકુંડ અને વડની બખોલમાં એક નાનકડું મંદિર શોધવા પડે. નામ છે જંગવડ.. અનેક મોટી વડવાઈઓની વચ્ચે સમથળ કરેલી જગ્યા, ચારેય બાજુ ઘેરાયેલી ગીચ ઝાડીઓ અને એની બહાર બેય કાઠે વહેતી રાવલ નદી.. કહે છે કે વષો પહેલા આ વડનો થડો દૂર હતો, જાણે વડ વડવાઈઓને સહારે મુસાફરી કરતો અહીં સુધી પહોંચ્યો છે. વડના ગોખમાં માતાજીનો અદ્દલ ચહેરો છે, આંખ, કાન, નાક અને ચહેરાની હૂબહુ પ્રતિકૃતિ જોઈ લો.. ગોખને શ્રદ્ધાળુઓએ સાચવ્યો છે. એ વડવાઈની નજીક માટીના સમથળ કરેલા, ગાર માટી લીંપેલા નાનકડા ઓટલા પર એક શિવલિંગ અને નંદી છે, પાસે છે એક નાનકડી વાંસ પાંદડાની, છાણ લીંપેલી ઝૂંપડી. એમાં ધખતો એક ધૂણો, ધૂણામાં ચિપીયો, નેસવાસીઓએ મૂકેલી એક આરામ ખુરશી, એક બે ગોદડી અને બહાર વડના થડમાં ગોઠવાયેલું પાણીનું માટલું - આ અહીંનો અસબાબ.
આ સ્થળને પોતાની સાધનાથી, કાળજીથી અને વહાલથી અનેરું બનાવ્યું છે એક સંતે, સંતોના નામ નથી હોતા, તેમનો પૂર્વાશ્રમ પૂછાતો નથી, અને તેમના સ્નેહની કોઈ સીમા હોતી નથી. જંગવડ બાપુ લગભગ બધી જ ઋતુઓમાં મંદિરની બહાર ઓટલા પર જ જોવા મળે. નેસવાસીઓ દૂધ મૂકી જાય અને આસપાસની વનરાજી ફળ ઉગાડે એ તેમનો ખોરાક. સિંહ-સિંહણ પરિવાર સાથે આ વિસ્તારમાં રહે, હરણાં અને નીલગાય આસપાસ દોડાદોડી કરે, પણ તેમનેય આ માણસમાં કૃત્રિમતા નથી લાગી, કદાચ એટલે જ બાપુને તેમણે ખલેલ પહોંચાડી નથી. દાઢીમાંથી પ્રગટતા બાપુના સ્મિતને જોઈએ, તેમના સ્નેહને માણીએ તો ભલભલો થાક ઉતરી જાય, જિંદગીનું સત્વ કદાચ આવી જ જગ્યાઓએ હવે બચી રહ્યું છે.
સવારે પાંચ વાગ્યે નદીમાં નહાવાથી અને આસપાસની જગ્યાની સફાઈથી શરૂ થતો તેમનો દિવસ સ્વ સાથેના સંવાદમાં, ભક્તિમાં અને નેસવાસીઓ, વિશેષત: આહિર ભાઈઓની લાગણીમાં ભીના થવામાં જ વીતે છે. નવરાત્રીમાં બાપુ નકોરડા ઉપવાસ કરે.. પણ ત્યારે માતાજીના દર્શને જંગવડને જાણતા ભક્તોનો ધસારો હોય. બાપુ બધાયને સાચવે. વનભોજન કરવા અહીં આવતા લોકો અહીં હંગામી ધોરણે પથ્થરોનો ચૂલો બનાવી દે, નેસવાસીઓએ કેટલાક વાસણ અહીં લાવી મૂક્યા છે, લોકો આવે ત્યારે સાથે સામાન લેતા આવે, ચૂલો બને, શાક સુધારાય, પૂરીઓ તળાય, વનભોજન થાય અને જાય એટલે ફરીથી પથ્થર. રહી જાય તો ફક્ત રાખ.. અમેય અહીં કલાકો રાવલમાં નહાયા છીએ, બાપુએ ધૂણા પર બનાવેલી ચા કંઈ કેટલીય રકાબીઓ ભરીને પીધી છે, પ્રસાદના બૂંદી અને ગાંઠીયા, દૂધનો માવો.. બાપુએ નદીમાંથી કાવડ ભરીને લાવેલ પાણી અને સાથે લાવેલા ચીકુ .. કોઈ નેસવાસી ઋતુની પહેલી કેરી મંદિરે મૂકી ગયેલો, અમે મિત્રોએ બનાવેલ એ કેરીનો રસ, પૂરી, શાક, ભજીયા અને છાલી્યા ભરીને દૂધ.. બાપુએ હાથે
પીરસેલા ભોજનનો સ્વાદ આજે પણ મનમાં એવો જ તાજો અને મીઠો છે. સ્વાદ ખોરાકમાં થોડો હોય છે!
બાપુ અલભ્ય શ્રોતા છે. લોકો બાપુની સાથે પોતાની તકલીફો વહેંચે, વાતો કરે, હળવા થાય, જમે અને સંતોષ સાથે જાય. અહીંની માનતાઓ લે અને પૂરી કરી જાય, પોતાની ખરાબ આદતો બાપુની સાખે છોડતા જાય, અને એને પાળે પણ ખરા! શ્રદ્ધાના વિષયને કદીય પુરાવાની જરૂર નથી પડી. આ જગ્યાને તેમણે જતનથી એક સંતાનની જેમ સાચવી છે, કહો કે ઉછેરી છે. આસપાસના લોકો માટેએ હકારાત્મક ઉર્જાનું એ અનોખું ઉદ્ગમસ્થાન છે, જે શહેરના લોકોને સહેલાઈથી મળતી નથી. ડામરીયા સડકથી કિલોમીટરો દૂર, ગાડામાર્ગથીય અંદર, ખેતરો અને ટેકરીઓ વચ્ચે ઘેરાયેલી એકાંત જગ્યામાં પોતાની આંતરચેતનાની ધૂણી ધખાવીને બેઠેલા કંઈ કેટલાય સંતોથી ગીર આમ જ રળિયાત છે. આસપાસના લોકો સિવાય ભાગ્યે જ કોઈ આવા સ્થળો વિશે જાણતા હશે. અઠવાડીયે બહારથી ભૂલેચૂકે આવી ચડતા લોકો સિવાય તદ્દન નિરવ, ઈલેક્ટ્રીસિટી, મોબાઈલ અને એવી કોઈ પણ અન્ય જંજાળ વગર પોતાનામાં જ મગ્ન થઈને જીવતા આવા લોકો જ પ્રવાસના નહીં, યાત્રાના ધામ જેવા બની રહે છે.
(જીગ્નેશ અધ્યારુ બ્લોગર અને માઈક્રો ફિક્શન રાઈટર છે અને અક્ષરનાદ વેબસાઈટના એડીટર છે. )
નોંધ: બ્લોગમાં વ્યક્ત થયેલા વિચારો અને માહિતી બ્લોગરના પોતાના છે, divyabhaskar.com તેની સાથે સહમત ના પણ હોય.
X
Read writer Jignesh Adhyaru Blog on difference between travel and pilgrimage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી