કર્ણાટકનું કાશ્મીર - કારવાર

Read writer Jignesh Adhyaru Blog on Kashmir of Karnatak

વાત કરવી છે કર્ણાટકનું કાશ્મીર ગણાતા 'કારવાર'ની

Jignesh Adhyaru

Aug 06, 2017, 07:00 AM IST
અમદાવાદ: મહુવાને ગુજરાતનું કાશ્મીર કહેવાતું, અહીંની નાળીયેરીના વૃક્ષો સાથેની લખલૂટ હરીયાળી અને એને લીધે રહેતી ઠંડક, માલણનું મનોહર વહેણ વગેરેને લીધે આવું નામ પડ્યું હશે. જો કે એ હવે લાગુ પડે કે કેમ એ પ્રશ્ન છે! બધા રાજ્યોમાં આવા સ્થળો હશે જેને જે તે રાજ્યનું કાશ્મીર કહેવાતું હોય? ખેર, વાત કરવી છે કર્ણાટકનું કાશ્મીર ગણાતા 'કારવાર'ની.
ગોવા એરપોર્ટથી લગભગ ૧૦૦ કિલોમીટર, મડગાંવ રેલ્વે સ્ટેશનથી ૭૫ કિલોમીટર અને ગોવા કર્ણાટક બોર્ડરથી ૧૫ કિલોમીટરના અંતરે, ઉત્તર કન્નડા જીલ્લાનું, પહાડોના ખોળામાં વસેલું, ત્રણ તરફ હરિયાળી અને એક તરફ અરબી સમુદ્રથી ઘેરાયેલું ખૂબ સુંદર અને નાનકડું ગામ એટલે કારવાર. રેલમાર્ગે એ કોંકણ રેલ્વેથી જોડાયેલું છે.
કારવારનો કન્નડમાં અર્થ થાય છે અંતિમ વિસ્તાર, ભારતના દક્ષિણ પશ્ચિમ વિભાગનું આ બંદર કાલી નદીના અરબસાગર સાથેના સંગમસ્થળ પર આવેલું છે. કારવારનું ઐતિહાસિક મહત્વ ઘણું છે, ગોવાની ખૂબ નજીક હોવાને લીધે અને દરિયાકિનારાના મોકાના સ્થળ પર હોવાથી પણ તેની અગત્યતા સદીઓથી અકબંધ રહી છે. ૧૫૧૦માં પોર્ટુગીઝોએ અહીં કિલ્લો જીતીને વહીવટ જમાવવાનો યત્ન કર્યો હતો, ૧૬૩૮માં અંગ્રેજોએ અહીં મસાલાની ફેક્ટરી સ્થાપી અને ૧૬૫૦માં એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું થાણુ બની ગયું. કારવાર બંદરમાં ત્યાર બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ યુદ્ધજહાજો બનાવ્યા. ૧૭૦૦માં કારવાર મરાઠા સામ્રાજ્યનો હિસ્સો બન્યું, જેની જાણકારી આજે પણ અહીં કિલ્લાઓના ભગ્ન અવશેષો પરથી મળી રહે છે. કારવારથી લગભગ પચાસેક કિલોમીટર દૂર આવેલું ગોકર્ણ મંદિર તો વળી ઐતિહાસિક હોવાની સાથે સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, છત્રપતિ શિવાજી મહારાજ અહીં આવ્યા હોવાની લોકવાયકા છે. વિશ્વના પિતા શંકર અહીં શ્રીક્ષેત્ર ગોકર્ણમાં લિંગ સ્વરૂપે બિરાજમાન છે, કહેવાય છે કે રાવણે તપથી શિવના આશિર્વાદરૂપ આત્મલિંગ મેળવ્યું હતું, શરત હતી કે એ જ્યાં જમીન પર મૂકાશે ત્યાં જ સ્થપાઈ જશે. એની શક્તિથી ગભરાયેલા દેવોએ વિષ્ણુ અને ગણેશને વિનંતિ કરી. કૈલાસથી રાવણ પાછો ફરી રહ્યો હતો ત્યારે વિષ્ણુએ માયાથી સંધ્યાનો સમય કર્યો, સંધ્યાપૂજા માટે રાવણે બ્રાહ્મણ બાળક (ગણેશ)ને શિવલિંગ આપીને પોતે પાછો ફરે ત્યાં સુધી પકડી રાખવા કહ્યું, ગણેશે તેને જમીન પર મૂક્યું, જેથી એ ગોકર્ણમાં સ્થપાયું. ગોકર્ણને ભૂ-કૈલાશ અથવા દક્ષિણનું વારાણસી પણ કહેવાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તેનું મહત્વ અદકેરું છે. અહીં ભક્તો જાતે લિંગની પૂજા કરી શકે છે. અહીંથી થોડે જ દૂર આવેલા મુરુડેશ્વર મંદિરમાં ભારતની સૌથી મોટી શિવપ્રતિમા છે.
૧૮૮૨માં ડિસ્ટ્રિક્ટ જજ સત્યેન્દ્રનાથ ટાગોરને મળવા તેમના ભાઈ, કવિશ્રી ત્વિન્દ્રનાથ ટાગોર અહીં આવ્યા હતા, અને કારવારની ત્ વિશે તેમણે સુંદર વર્ણન આપ્યું છે. તેમના નામ પરથી કારવારના મુખ્ય બીચનું નામ રવિન્દ્રનાથ ટાગોર બીચ છે. કારવાર શહેરની તદ્દન સામે, નેશનલ હાઈવે ઓળંગીએ એટલે નજરે પડે અફાટ સમુદ્ર અને અહીંનો ખૂબ પ્રસિદ્ધ, સ્વચ્છ અને લાંબો રવિન્દ્રનાથ ટાગોર બીચ. બીચના અંત ભાગમાં હોડીઓની લંગાર જોવા મળશે અને પાસે જ એક મોટું મચ્છી માર્કેટ છે, કારવાર સી-ફૂડના શોખીનો માટે સ્વર્ગ છે. રવિન્દ્રનાથ ટાગોર બીચ પર બાળકો માટેના બગીચા અને વિશાળ જાહેર મંચની સાથે રેસ્ટોરન્ટ અને અન્ય ખાણીપીણીની સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રવાસીઓ અહીં બોટીંગ અને વોટરબાઈક, સ્નોર્કેલિંગ, ગ્લાઈડિઁગ, બનાના રાઈડ વગેરેની મજા પણ લઈ શકાય છે. પાસેના દરિયામાં ડોલ્ફીન જોવા જઈ શકાય છે, અહીંથી થોડેક દૂર આવેલા અલિગડા બીચ પર વોટરસ્પોર્ટ્સ અને સર્ફિંગની સુંદર સગવડો છે, જેનો વિદેશી પર્યટકો ભરપૂર લાભ ઉઠાવે છે. કારવારથી ૬૦ કિલોમીટર દૂર આવેલ યોના અને તેની તદ્દન ઉબી શીલાઓ અનેક સાહસિકો ટ્રેકિંગ અને રોક ક્લાઈમ્બિંગ માટે આકર્ષે છે. કારવારથી દરિયા અને કાલી નદીના સંગમ પાસે આવેલા એક ટાપુ પર નાનકડો રિસોર્ટ છે, જે જંગલમાં એકાંતમાં રહેવાની અનોખી મજા ઉપલબ્ધ કરાવે છે.
રવિન્દ્રનાથ ટાગોર બીચના જ બીજા છેડે આવેલું છે આઈ.એન.એસ ચેપલ મ્યૂઝીયમ. આઈ.એન.એસ ચેપલ ભારતીય નૌસેનાની ચમક વર્ગની મિસાઈલ બોટ હતી, ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેણે કરાચી પર મિસાઈલમારો કરીને બંદરનો વહેવાર અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેના ક્રૂ સભ્યોને બે પરમવીર ચક્ર, આઠ વીરચક્ર જેવા અનેક સન્માન મળ્યા હતા. વીસ રૂપિયાની ટિકીટ લઈને તેમાં જઈ શકાય છે, પ્રવેશતાંજ ભારતીય નૌસેના વિશે એક નાનકડો વિડીયો દેખાડવામાં આવે છે, પ્રવાસીઓ ઉત્સાહપૂર્વક તેમાં ફરતા અને ફોટા પાડવાનો આનંદ ઉઠાવે છે. કારવારથી આઠ કિલોમીટર દૂર આવેલ આઈ.એન.એસ કદમ્બા ભારતીય નૌસેનાનો અગત્યનો નેવલબેઝ છે. ભારતનું સૌથી મોટુ જહાજ આઈ.એન.એસ વિક્રમાદિત્ય અહીં હોય છે. પ્રોજેક્ટ સીબર્ડને નામે હવે આ નેવલ બેઝ ખૂબ મોટા પાયે વિસ્તાર પામવાનો છે. દર રવિવારે ભરાતી માર્કેટમાં આસપાસના વિસ્તારોમાંથી કારવારમાં લોકો ઉમટી પડે છે, પણ એ સિવાયના દિવસોમાં ખૂબ જ ઓછી અવરજવર રહે છે.
કારવારની આસપાસના વિસ્તારો અને તેની નજીક આવેલો ગોવાનો કિનારો ભૂતકાળમાં હિપ્પીઓનો વસવાટ ધરાવતો, અહીં ડ્રગ્સ વગેરેનું દૂષણ વધ્યું હતું જે હવે નહીવત છે. કારવાર અને આસપાસના વિસ્તારોમાં હોટલો ખૂબ ઓછી છે, અને પ્રવાસન સ્થળોએ તે ખૂબ મોંઘી પણ હોય છે. પ્યોર વેજીટેરીયન ભોજન અહીં શોધવા નીકળવું પડે છે, કારણકે મોટા ભાગની વસ્તી સી-ફૂડ પર જ જીવે છે. વિદેશી અને ભારતીય 'સોલો બેકપેકર્સ' પ્રવાસીઓ માટે આામનપસંદ વિસ્તાર છે. મેંગલોરથી ગોવા બાઈક લઈને નીકળતા સાહસિકો આ આખા પર્વતીય રસ્તા પર બાઈક સવારીનો આનંદ લેતા જોઈ શકાય છે. પશ્ચિમના ઘાટથી ઘેરાયેલો હોવાને લીધે આ આખોય વિસ્તાર ખૂબ ભયાનક વળાંકો અને સાંકડા પહાડને કિનારે બનેલા રસ્તાઓનો જમાવડો છે. કારવારથી ગોવા તરફ પંદરેક કિલોમીટર દૂર આવેલા અનેક કાજુ પેકેજિંગ અને કલેક્શન સેન્ટર્સમાંથી ગુણવત્તાસભર અને તરોતાજા કાજુ ખૂબ સસ્તા ભાવમાં, અનેકવિધ ફ્લેવરમાં મળી રહે છે.
મારા ત્રણ મહીનાના કારવારના વ્યવસાયિક કામ દરમ્યાન આ બધા સ્થળોની મુલાકાત લેવાનો અવસર મળ્યો હતો. ગોવાથી થોડું દૂર હોવાને લીધે પર્યટકોનો ગોવા જેટલો ભારે ધસારો અહીં હોતો નથી, પણ કેટલાય દેશી-વિદેશી પર્યટકો કારવાર અને આસપાસના વિસ્તારોની આધ્યાત્મિક અસ્મિતા અને પ્રકૃતિના આશિર્વાદને માણવા અહીં પહોંચે છે.
(જીગ્નેશ અધ્યારુ બ્લોગર અને માઈક્રો ફિક્શન રાઈટર છે અને અક્ષરનાદ વેબસાઈટના એડીટર છે. )
નોંધ: બ્લોગમાં વ્યક્ત થયેલા વિચારો અને માહિતી બ્લોગરના પોતાના છે, divyabhaskar.com તેની સાથે સહમત ના પણ હોય.
X
Read writer Jignesh Adhyaru Blog on Kashmir of Karnatak
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી