દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (7)

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાને ઘેર દિવાળીએ મળવા આવેલા સાજીદે વાતવાતમાં ભારતી સાહેબને કહી દીધું કે પોતે અને દિવ્યાએ ઑલરેડી લગ્ન કરી લીધાં છે! એ વખતે પિતા ગુસ્સે ન થયા, એમાં મીડિયાએ મદદ કરી એમ કહી શકાય. કેમ કે બન્નેનાં લગ્નની વાતોથી તે વખતે ગોસિપનું બજાર ગરમ હતું જ. સાજીદ અને દિવ્યા બેઉએ ખુલાસો કર્યો કે દિવ્યાએ જ ઉતાવળ કરાવી હતી; જે વાત મમ્મી પણ જાણતાં હોઇ વાત વણસી નહીં. દિવ્યાના અવસાન પછી સાજીદે ‘ફિલ્મફેર’ને જણાવ્યા મુજબ, એ સાચા અર્થમાં ઘડીયાં લગ્ન હતાં. દિવ્યાએ પરણવાનો રીતસરનો હુકમ કર્યો હોય એવું હતું. સાજીદે એક કલાકમાં કાજીની વ્યવસ્થા કરી દેવી પડી હતી. દુલ્હને ઇસ્લામ અંગીકાર કર્યો અને દિવ્યાને નવું નામ અપાયું હતું ‘સના’. શાદી કરવા દીકરીએ ધર્મપરિવર્તન કર્યું હતું એ સમાચાર પિતા ઓ.પી.ભારતીએ કેવી રીતે લીધા, તેની કોઇ વિગત મળતી નથી. પછી ક્યાંક એવા ખુલાસા પણ થયા છે કે મુસ્લિમ થવાની વાત સાચી નહોતી. ગમે તેમ પણ, તેની હાથ પરની દસેક ફિલ્મોને અસર ન થાય તે માટે તાત્કાલિક લગ્નની જાહેરાત નહીં કરવા અંગે સૌ સહમત થયા. જોકે દિવ્યા માટે એ કદાચ શક્ય નહોતું.

લગ્ન અંગેનો દિવ્યાનો ઉમંગ એવો હતો કે ‘મુવી’ના જીતેન્દ્ર કોઠારીના રિપોર્ટ અનુસાર, એ મેગેઝીનના તંત્રી (દીનેશ રાહેજા)એ તે ન્યૂઝ અંગે પૂછવાની શરૂઆત પણ કરી હતી. એ પ્રાથમિક વાતચીતમાં જ દિવ્યાએ સનસનાટીભરી હેડલાઇન્સ બને એવી શરૂઆત કરી હતી... “યસ, આઇ એમ મેરીડ...આઇ એમ મેરીડ... આઇ એમ મેરીડ...!” એમ ત્રણ વખત જાહેરાત કર્યા પછી કહ્યું, “અને તેને લીધે મારી કરિયરને શું કામ અસર પડવી જોઇએ? શું મીનાકુમારી શરૂઆતથી પરણેલાં નહોતાં? વળી, મારી કરિયર ખાડે જાય તો પણ મને ક્યાં પડી છે? હું આરામથી ઘેર રહીને બાળકો પેદા કરીશ. આઇ લવ બેબીઝ...” એ પ્રારંભિક સંવાદ પછી દિવ્યાએ તેની અને તંત્રીની કોમન ફ્રેન્ડ પૂજા બેદીને ત્યાં પાર્ટીમાં મળવાનું વચન આપ્યું હતું. આ ખુલાસો દિવ્યાના અવસાન પછી તરતના મહિને ૧૯૯૩ના મે મહિનાના (‘મુવી’ના) અંકમાં કર્યા પછી જીતેન્દ્ર કોઠારીએ લખ્યું હતું કે નક્કી થયેલી મુલાકાતના દિવસે દિવ્યા બીમાર થવાથી પૂજાને ત્યાં પહોંચી નહીં અને રીતસરનો ઇન્ટરવ્યૂ પૂરો નહોતો થઈ શક્યો. 

આમ, ભલે ઘરમાં નક્કી થયું હોય કે હમણાં લગ્ન જાહેર નથી કરવાનું; પણ હીરોઇન મંગલસૂત્ર પહેરીને ફરતી હોઇ ઇન્ડસ્ટ્રીમાં સૌ કોઇ એ હકીકતથી વાકેફ હતા. તેની વ્યવસ્થિત જાહેરાત કરવાની ભારતી સાહેબની યોજના અમલમાં આવે તે પહેલાં જ દિવ્યાનું અવસાન થઈ ગયું. જો કે પોતે ઘેર રહીને બાળકો ઉછેરશે અને ગૃહિણી બની જશે એમ કહેનાર એ અભિનેત્રીએ અન્ય મેગેઝીન ‘સ્ટારડસ્ટ’માં પોતાના હસ્તાક્ષરથી સાઇન કરેલા એક આર્ટિકલમાં કબુલ્યું હતું કે પોતાને રસોડાનું કોઇ કામ આવડતું નથી. તે એટલે સુધી કે ચા બનાવતાં પણ સાજીદે શીખવ્યું હતું! તે વખતે એ કોઇને અજુગતું નહોતું લાગ્યું. કેમે કે જે અભિનેત્રીની એક જ વર્ષમાં ૧૦ ફિલ્મો રિલીઝ થઈ હોય  તેની વ્યસ્તતા સમજાય એવી હતી. એટલી બીઝી એક્ટ્રેસ સિગારેટ અને દિવસના અંતે રિલેક્સ થવા શરાબ પીતી હોય એ પણ સ્વાભાવિક લાગતું હતું. ૧૯૯૨ના વર્ષની એ સૌથી સફળ હીરોઇન પાસે સ્વાભાવિક રીતે જ દસેક પિક્ચર હતાં. એવામાં યોજાયેલા ‘ફિલ્મફેર’ એવોર્ડ ફંક્શનમાં દિવ્યા હાજર ના રહી તેની પણ લોકોએ ચિંતા કરી હતી!

‘ફિલ્મફેર’ની ટ્રોફી કોઇપણ કલાકાર માટે પોતાની કરિયરને ઊંચે લઈ જવામાં કેવો મહત્વનો ફાળો આપે એ જાણતા સૌને આશ્ચર્ય થયું હતું. ૩૧મી માર્ચે યોજાયેલા એ સમારંભમાં શાહરૂખને ‘બેસ્ટ ડેબ્યુ’નો પ્રથમ એવોર્ડ ‘દીવાના’ માટે મળ્યો હતો. પછી તો એ ટ્રોફીની લાઇન લગાવી દેનાર કિંગખાનની તે રાતની બે-ત્રણ વાક્યોની તેમની સૌથી ટૂંકી સ્પીચ તરીકે જાણીતી છે. શાહરૂખે તે પ્રસંગે રેખા પાસેથી સ્વીકારેલી એ ટ્રોફી આકાશ તરફ ઊંચી કરીને પોતાનાં અમ્મીજાનને અર્પણ કરતાં કહ્યું હતું, “ધીસ વન ઇઝ ફોર યુ, મોમ!’’ એવોર્ડ ફંક્શન માટે તે દિવસોની બેસ્ટ હોસ્ટ ગણાતી અભિનેત્રી સીમી દ્વારા સંચાલિત એ જ સમારોહમાં, જ્યારે નિર્માતા બોની કપૂરે ‘લક્સ ન્યૂ ફેસ ઓફ ધી યર’ની જાહેરાત કરી અને દિવ્યાનું નામ જાહેર કર્યું. પણ તે વખતે સ્ટેજ પર દિવ્યાને બદલે પિતા ઓમપ્રકાશ ભારતીએ આવીને ટ્રોફી સ્વીકારી હતી. શું કારણ હશે? 

દિવ્યાને જાણતા ઘણાને લાગ્યું કે આટલા અગત્યના કાર્યક્રમ માટે એ જ્યાં હોય ત્યાંથી આવી જ જાય. જરૂર તેની અંગત જિંદગીમાં કશુંક બની રહ્યું હશે એમ અંદાજ મૂકાતા હતા. એવી શક્યતા વિચારતા સૌને વાતો કરવાનું ખુલ્લું મેદાન મળી જાય એવી જીવલેણ દુર્ઘટના ‘ફિલ્મફેર એવોર્ડ’ના એ સમારંભના માત્ર પાંચ જ દિવસ પછી પાંચમી એપ્રિલ ૧૯૯૩ના રોજ બની. તે દિવસે દિવ્યાનું, સૌ જાણે છે એમ, પાંચમા માળેથી પડી જવાથી મૃત્યુ થયું! તેની ૨૦મી પૂણ્યતિથિએ ૨૦૧૨ની પાંચ એપ્રિલે ‘બોલીવુડ હંગામા’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેના પિતાજીએ તે કમનસીબ દિવસની વાત કરી છે. ભારતીજીના કહેવા પ્રમાણે તે દિવસે પોતે દિવ્યા સાથે જ હતા. બીજા દિવસે મદ્રાસ અને પછી ત્યાંથી સીધા મોરેશ્યસ જવાનું હોઇ તેની તૈયારી કરવાની હતી. પણ તે બાન્દ્રામાં પોતાનાં માબાપ માટે નવું ઘર ખરીદવા માગતી હતી. એટલે સાંજે ભાઇ કુણાલની જીપમાં તે પિતાને સાથે લઈને નિર્માતા શોમુ મુકરજી (કાજોલના પપ્પા)નું ઘર જોવા ગઈ હતી. તેમાં કિંમતની વાટાઘાટ કરવાની થાય એવી હતી. 

ઘરની કિંમત ૮૦થી ૯૦ લાખની આસપાસની કહેવાઇ હતી. પપ્પા તેના પૈસાનો હિસાબ રાખતા હોઇ પૂછ્યું કે આટલા રૂપિયા આપણી પાસે ક્યાં છે? દિવ્યાએ કહ્યું કે ‘વ્યવસ્થા થઈ જશે. મેં ફિલ્મ્સ સ્વીકારી છે.’ ત્યાંથી તેમના જૂના ઘેર ગયા. પછી જે ફ્લેટમાં એ સાજીદ સાથે રહેતી હતી, ત્યાં ‘તુલસી એપાર્ટમેન્ટ’માં એને મૂકવા કુણાલ ગયો. ભારતીજીના કહેવા મુજબ, કુણાલ ત્યાંથી નીકળ્યો અને પંદર મિનિટ પછી ખબર આવી કે દિવ્યા પડી ગઈ છે અને તે મૃત્યુ પામી હતી! એ દુર્ઘટના ઘટી તે વખતે દિવ્યા સાથે તે ફ્લેટમાં ડ્રેસ ડિઝાઇનર નીતા લુલ્લા, તેમના મનોચિકિત્સક પતિ ડો. શ્યામ લુલ્લા અને દિવ્યાની કામવાલી બાઇ અમૃતા હાજર હતાં. દિવ્યા કેવી રીતે પડી ગઈ તે આજ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે તપાસ બાદ તે ‘અકસ્માત’ હતો એમ જણાવીને કેસ ફાઇલ કરી દીધો હોઇ, આપણે પણ એમ જ ગણીશું. હા, તે બન્યા પછીના દિવસોમાં અખબારો-મેગેઝીનોમાં આપઘાત, ખૂન કે અકસ્માત એવી જાત જાતની થિયરીઓ અને શક્યતાઓ જરૂર આવી હતી અને તેમ થવાનાં કારણો પણ હતાં.

આપઘાતની શક્યતા ગણનારાઓ એક અહેવાલને આગળ ધરતા હતા. એ રિપોર્ટ એક મેગેઝીને છેલ્લાં ૨૦ વરસમાં પોતે કવર કરેલી ફિલ્મ કલાકારોની લવ સ્ટોરીઝનું સંપાદન ૧૯૯૪માં બહાર પાડ્યું હતું, તેમાં પણ હતો. એ સ્પેશ્યલ બસ્સો પ્લસ પાનાંનો અંક ઇન્ગ્રિડ અલબકર્ક સરખાં સિધ્ધહસ્ત એડિટરે સંપાદિત કર્યો હતો અને તેની એક જ મહિનામાં બીજી એડિશન પ્રસિધ્ધ કરાઇ હતી. તેમાં સ્વાભાવિક રીતે જ ધરમ–હેમાથી માંડીને રેખા-અમિતાભ તેમજ દિલીપ કુમારની અસ્મા જોડેની પ્રેમકહાણીઓની સાથે સાથે દિવ્યાની સ્ટોરી પણ હતી, જે પત્રકાર મીનુએ લખી હતી. તે સંપાદનમાં દિવ્યાના ચેપ્ટરનું શિર્ષક હતું... ‘લેટ્સ પ્લે ધી ગેમ ઓફ ડેથ’! તેમાં ઉલ્લેખ છે કે એ દુર્ઘટના પહેલાં દિવ્યા અને સાજીદ વચ્ચે ચડભડ થઇ હતી. એ રાત્રે સાજીદ એક ડિસ્ટ્રીબ્યુટરને મળવા જતા હોવાનું કહીને નીકળ્યા અને દિવ્યાએ કહ્યું, “દસ મિનિટમાં પાછો આવજે. નહિંતર મને નહીં જુએ.” (You come back in 10 minutes or you won’t see me) 

તે પછી એ હાથમાં ગ્લાસ લઈને પોતાની ફેવરિટ જગ્યા એવી બારીએ બેઠી. પછી ખરેખર શું થયું તે કોઇ જાણતું (કે કહેતું?) નથી. તે એકથી બીજી બાજુની ફરવા જતાં બેલેન્સ ગુમાવ્યું અને અજાણતાં ખસી પડી. લોહીલુહાણ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલી દિવ્યાને ઉંચકીને કારમાં મૂકવામાં મદદ કરનારા તુલસી એપાર્ટમેન્ટના એક રહેવાસી એવા અનિલ માનિનીનો પણ ઇન્ટરવ્યૂ તે દિવસોમાં આવ્યો હતો. અનિલ માનિનીએ પત્રકાર સલીમ શેખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એ પોતે અને તેમની સાથે હાજર હતા એ ડાયરેક્ટર મિત્ર બી. મેનન તથા અન્ય એક અનિલ સુદને વોચમેને ‘મેડમ’ પડી ગયાંની ખબર આપી. એટલે એ સૌ નીચે દોડી આવ્યા. ત્યારે દિવ્યાનો શ્વાસ હજી ચાલતો હતો. તરત જ ત્રણ ગાડીઓ દવાખાને પહોંચવા નીકળી. ઘાયલ બેહોશ દિવ્યાને ડો. શ્યામ લુલ્લાની કારની પાછલી સીટમાં સુવડાવવામાં આવી. ડોક્ટર લુલ્લાએ સાથે આવતા અનિલ સુદને સૂચના આપી કે દિવ્યાને હલાવતા રહેજો. બીજી ગાડી બી.મેનનની હતી તેમાં દિવ્યાની કામવાલી બાઇ અમૃતા અને નીતા લુલ્લા હતાં. જ્યારે ત્રીજી કારમાં અનિલભાઇ પોતે. 

સૌ કૂપર હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં દિવ્યા છેલ્લા શ્વાસ લઈ ચૂકી હતી. છતાં દવાખાનાના હાજર ડોક્ટરોએ તેને પેટના સહારે ઉંધી સુવાડીને પંપિંગ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કોઇ રિસ્પોન્સ નહોતો. છેવટે ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર ત્રિપાઠીએ પોતાના હોસ્પિટલની એ મહિલા પેશન્ટને ‘મૃત’ જાહેર કરી. અનિલ માનિનીના કથન અનુસાર, સાજીદભાઇ તરત જ ત્યાં આવી પહોંચ્યા. પરંતુ, અન્ય એક રિપોર્ટ કહે છે કે સાજીદ રાતના દોઢેક વાગે પહોંચ્યા હતા. એ અહેવાલ મુજબ, શરૂઆતમાં તેમને ખબર ન પડી કે દિવ્યાનું મૃત્યુ થઈ ગયું હતું. પણ જેવું સમજાયું કે તેમણે પોતાની પ્રિયતમાને સદાને માટે ગુમાવી દીધી છે, એ પડી ગયા અને તેમના મોંમાંથી ફીણ નીકળવા માંડ્યું. ત્યાં હાજર લોકોને ચિંતા થઈ કે બેઉ પ્રેમી પંખીડાંએ સજોડે આપઘાત કર્યો કે શું? દીકરીના મૃત્યુના કલાકો વીતી રહ્યા હતા છતાં હજુ મમ્મી મીતા ભારતીની કોઇ ભાળ મળતી નહોતી. (ક્રમશઃ) 
 
અન્ય સમાચારો પણ છે...